પર્વચક્રઃ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ભગવાન ઈસુ

ભાનુબેન કે. વ્યાસ
મિત્રો, આજે આપણે સહજભાવે ખ્રિસ્તી ધર્મની વાતો કરીએ. ડિસેમ્બરની 25મી તારીખે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ભગવાન ઈસુનો જન્મ થયો હતો. આજે વિશ્વને ખૂણે ખૂણે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે. ખ્રિસ્તી ધર્મ ન જાણનારા પણ ભગવાન ઈસુના લોકોત્તર દૈવી જીવન તથા અનુકંપા અને દયાના ઉપદેશથી પરિચિત છે. ઈસુ મહામાનવ હતા. એ એવા કાળમાં જન્મ્યા જ્યારે સમાજ કુરુઢિઓના ખપ્પરમાં સપડાયેલો હતો.
ઈસુનો જન્મ યહૂદિયા (Judia) પ્રાંતમાં બેથલેહામ ગામમાં થયો હતો. તેઓ ઈ.સ. પૂર્વે 4માં થઈ ગયા અને ઈ.સ. 29 સુધી એમની જીવનયાત્રા વિસ્તરેલી. યહૂદિયા પ્રાંત એશિયાનો જ એક ભાગ છે. યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમો માને છે કે સમગ્ર સૃષ્ટિનું સર્જન એક પરમાત્માએ જ કર્યું છે. એ પરમેશ્વર એટલે યહોવાહ, અલઈલોહી, ઈલોહિમ કે અલશદ્વોઈ. એમને મતે એ પરમાત્મા નિર્ગુણ નિરાકાર નથી. એમને શરીર અને આત્મા બંને છે. પોતાનામાંથી જ એમણે સર્વપ્રથમ માનવ આદમ અને સ્ત્રી ઈવને સર્જ્યાં.
આ માનવ દંપતીએ શેતાનની વાત માનીને જ્ઞાનવૃક્ષનું ફળ ખાધું જેને પરિણામે ભગવાને એમને ઈડનના બગીચામાંથી હાંકી કાઢયાં. એ ક્ષણથી શેતાન અને માનવ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. શેતાન માણસને લલચાવીને ભગવાનની શિખામણથી એને દૂર કરવા સતત મથી રહ્યો છે.
માનવજાતિ ઉપર ઉપકાર કરવા ભગવાને દયાથી નૂહા, ઈબ્રાહિમ, ઈસહાક, મુસા, યુનૂસ, યહોશૂઆ, શમૂએલ, દાઉદ, સુલેમાન, યશાયાહ ઈત્યાદિ પ્રબોધકોને મોકલ્યા. એ સૌએ માર્ગ ભૂલેલી માનવજાતિને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો. છતાંયે કૃતઘ્ન, જડ અને કઠણ હૃદયના માનવોએ એમનો તિરસ્કાર કર્યો. એમણે અવળો માર્ગ અપનાવ્યો, ધર્મના નિયમોની વિરુદ્ધ ચાલ્યા અને એ રીતે પાપ ભેગાં કરતાં ગયા. એમના પાપનું ક્ષાલન કરવા જન્મ લીધો.
ઈસુના એક શિષ્ય જોન, સુવાર્તા (Gospel) માં ઈસુ વિશે એમ કહે છે કે સૃષ્ટિની રચનાની પણ પહેલાં ઈસુ ખ્રિસ્ત ભગવાનની સાથે જ હતા. એ ભગવાનના શબ્દ હતા. અને અંતે એ શબ્દે માનવશરીર ધારણ કર્યું. આદમથી નિર્માણ થયેલા મહાન વંશની બેતાલીસમી પેઢીમાં ઈસુ જન્મ્યા હતા. ઈબ્રાહિમ, ઈસહાક, યાકૂબ, રાજા દાઉદ, સુલેમાન જેવા મહાત્માઓ એમના પૂર્વજો હતા. અલબત્ત, સુલેમાન વંશજોના હાથમાં સત્તા ન હતી. ઈસુના પિતા યુસુફ તો સામાન્ય સુથાર હતા.
ખ્રિસ્તીઓ એમ માને છે કે ઈસુનો જન્મ પવિત્ર આત્માથી જ બેથલેહામમાં એક તબેલામાં થયો. એટલે એ એમને કુમારી મરિયમના પુત્ર તરીકે સંબોધે છે. ઈસુના જન્મ, જીવન તથા મૃત્યુ વિશે જૂના કરારના ઉત્પત્તિ, નિર્ગમન, ગીતશાસ્ત્ર, યશાવહ, યોએલ, ઝખાર્યાહ અને માલાખીનાં પુસ્તકોમાં ઘણી ઝીણવટભરી આગાહીઓ છે.
લગભગ બાર વર્ષના ઈસુએ મંદિરમાં બેસી જન્મ શાસ્ત્રીઓની સમસ્યાઓનો ઉકેલ કર્યો છે એમ અંતે એમની સુવાર્તામાં લખ્યું છે. ઈસુએ એમના માસી એલિઝાબેથના પુત્ર જોન ધી બાપ્ટિસ્ટ (John the Baptist)ના હાથે પાણીથી બાપ્તિસ્મા કરાવ્યો હતો અને ત્યારબાદ કઠણ તપશ્ર્ચર્યાનો આરંભ કર્યો. ચાલીસ દિવસની તપશ્ર્ચર્યા બાદ એમણે પોતાનું કાર્ય શરૂ કર્યું.
ઈસુનું કાર્ય મહાન હતું. એ ધર્મના અઘરા નિયમો સામાન્ય ઉદાહરણોની મદદથી સાવ સહેલા બનાવતા. પાપી, ચોર તથા માંદાઓ વિશે એમના અંતરમાં અનુકંપા હતી. એ રોગીઓની પ્રેમથી સારવાર કરતાં તેથી જ ધર્મશાસ્ત્રીઓથી પીડાયેલા સામાન્ય લોકો એમની તરફ આકર્ષાયા. સુવાર્તા એટલે કે ગોસ્પેલમાં (Gospel) લખ્યું છે કે ઈસુએ ઘણાં માંદાઓને સાજા કર્યાં, આંધળાઓને દૃષ્ટિ આપી, શ્રવણશક્તિ ગુમાવી બેસેલાને શ્રવણશક્તિ આપી તથા વિશાળ જનસમુદાયને પાંચ રોટલી અને બે માછલીથી ભરપેટ જમાડ્યાં.
તેઓ કહેતા કે, ‘સત્યમાર્ગ અને પ્રકાશ હું છું, હું પાપીઓ અને માંદાઓ માટે જ આવ્યો છું.’ ધર્મશાસ્ત્રીઓને તેઓ કહેતાં, ‘અરે, ઢોંગીઓ, તમે નિયમશા તો પાળો છો પણ એ શા કરતાંય ચઢિયાતી બાબતો એટલે કે ન્યાય, દયા તથા વિશ્વાસને તમે પડતાં મૂકો છો.’ પોતાના શિષ્યોને તેઓ કહે છે, ‘હું મુસાનું નિયમશા સંપૂર્ણ બનાવું છું. તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો, શાપ દેનારને આશીર્વાદ આપો.
અપમાન કરે તો એમના માટે પ્રાર્થના કરો, જે કોઈ તમને તમાચો મારે એની સામે બીજો ગાલ ધરો, જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો તેટલો જ પ્રેમ તમારા પાડાશીઓને કરો, બાળકની જેમ નિષ્પાપી બનો.’ ખોટી રીતે શ્રીમંત બનેલા ધનવાનો વિશે તેઓ કહે છે કે, ‘દૌલતવાન માટે દેવના રાજ્યમાં પ્રવેશ કરવો એ અઘરું છે. એના કરતાં તો ઊંટને માટે સોંયના નાકામાંથી નીકળવું સહેલું છે.’
ઈસુની વાણીએ અને કર્મે ધર્મશાસ્ત્રીઓ તથા સત્તાધારીઓનાં ભવાં ચડાવ્યાં. એમને મારી નાખવાનું કારસ્તાન રચાયું. રાજદ્રોહ તથા પ્રભુનું અપમાન કરવાના અપરાધ માટે એમને પકડવામાં આવ્યા. એમના જ શિષ્યે યહૂદીએ( Judas) આ કાવતરામાં સાથ આપ્યો. એક જ રાતમાં એક વાર ધર્મસભામાં એક વાર ન્યાયાધીશ પિલાત (Pillate) પછી રાજા હેરોદ અને ફરી પાછા પિલાત સામે એમને હાજર કરવામાં આવ્યાં. એમના પર આમ ચાર મુકદ્દમાં થયા અને સવારે પિલાતે એમને મૃત્યુદંડ આપ્યો. ઢોરમારથી લોહીલુહાણ થયેલા ઈસુના ખભા પર વધસ્તંભ (Cross) અપાયો અને સરઘસ શરૂ થયું.
એમના શત્રુઓએ ચોતરફથી એમના પર અપમાન વરસાવ્યું. આ સરઘસ બપોરે લગભગ બાર વાગ્યે ગોલગાથા નામની નાનકડી ટેકરી પર પહોંચ્યું અને ત્યાં હાથપગ પર ખીલા ઠોકી એમને ક્રોસ પર લટકાવ્યા. એ સમયે એમને માથે કાંટાળો તાજ મૂકવામાં આવ્યો હતો. એ સમયે ઈસુ માટે બહુ જ કપરી કસોટીનો સમય હતો. ત્યારે તેમણે જે બ્રહ્મ (સાત) શબ્દો કહ્યા હતા તે સર્વ માનવ માટે એમના કઠિન સમયમાં આધારસ્તંભ જેવા થશે.
પોતાના જ મારનારાઓ વિશે પ્રાર્થના કરતાં ઈસુ કહે છે, ‘હે પિતા, તમે એમને માફ કરશો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.’ ઈસુનો આ મૃત્યુદિન Good Friday તરીકે ઓળખાય છે. Good Friday નો અર્થ સારો કે શુભ શુક્રવાર થાય છે. આ દિવસે ઈશુ મરણ પામ્યા તેથી લોકોને શોક થયો. પણ તે જ દિવસે ઈસુની વાત સમજાઈ એટલે ધર્મ સમજાયો એટલે તે દિવસને સારો શુક્રવાર કહે છે.
ભગવાન ઈસુને વધસ્તંભ પર ચડાવ્યા તે દિવસ શુક્રવાર હતો, ઈસ્ટર સન્ડેના બે દિવસ પહેલાંનો જે માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે છે. શુક્રવાર ‘ગુડ ફ્રાયડે’ તરીકે જાણીતો છે. તેમનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેનું ‘પુનરુત્થાન’ એમના જીવનના છેલ્લાં આઠ દિવસ દરમિયાન બનેલા. આ દિવસે ખ્રિસ્તી લોકોના દેવળોમાં ઘંટારવ નથી થતાં, પરંતુ દેવળોમાં એમની સ્મૃતિમાં કેટલીક ધાર્મિક વિધિઓ થાય છે. કોઈપણ જાતની ઊજવણી કર્યા વિના ‘ગુડ ફ્રાયડે’ ઉપવાસ કરી શાંતિથી દિવસ પસાર કરે છે.
(ક્રમશ:)



