ધર્મતેજ

ચિંતનઃ સ્વભાવસ્તુ પ્રવર્તતે

સ્વભાવ અનુસાર બધું અસ્તિત્વમાં આવે છે

હેમુ ભીખુ

દર વખતે એ પ્રશ્ન પુછાતો હોય છે કે શું આ બધું ઈશ્વર કરે છે કે પછી માનવીના પ્રયત્નો અનુસાર બધું થઈ રહ્યું છે. જે કંઈ થઈ રહ્યું છે તે શું અકસ્માત છે કે એક વિશાળ યોજનાના ભાગ સ્વરૂપે છે. જો આ બધું ઈશ્વર કરતો હોય તો તેનું પ્રયોજન શું અને ઈશ્વર ન કરતો હોય તો પછી જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળનું પ્રેરક બળ કયું. ગીતાના આ કથનમાં આ પ્રશ્નનો જવાબ મળી રહે છે.

સ્વભાવ અનુસાર બધું જ અસ્તિત્વમાં આવે છે. ગીતાનું આ એક સર્વ સ્વીકૃત વિધાન છે. એ પ્રશ્ન દર વખતે પુછાતો હોય છે કે જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ પરિબળ કયું છે. જે કંઈ ઘટના અસ્તિત્વમાં આવે છે તેની પાછળનાં કારણ કયાં છે. કેવાં પ્રકારની પરિસ્થિતિમાં કેવાં પ્રકારનું પરિણામ ઊભરે છે.

આ બધાંનું કોઈ સંચાલન કરે છે કે બધું જ આપમેળે અસ્તિત્વમાં આવે છે. શું જે કંઈ થઈ રહ્યું છે એ અકસ્માત સ્વરૂપ છે કે એક સ્થાપિત પરંપરા પ્રમાણે. જે કંઈ થઈ રહ્યું છે તે કોઈ વ્યવસ્થિત વ્યવસ્થાનો ભાગ છે કે કારણ વગર ઉદ્ભવતું પરિણામ છે. આ પ્રશ્નનો જવાબ શ્રીકૃષ્ણ સરળતાથી આપી દે છે. આ જવાબ અન્ય સનાતની સંસ્કૃતિના શાસ્ત્રમાં પણ જોવા મળે છે. આ અંતિમ જવાબ છે.

અહીં સૌ પ્રથમ તો શ્રીકૃષ્ણ ઈશ્વરના હસ્તક્ષેપની વાતનો છેદ ઉડાડે છે. તેઓ જણાવે છે કે કર્તાપણાને, કર્મને કે કર્મના પરિણામે ઉદ્ભવતા ફળને ઈશ્વર સર્જતો નથી. આ બધું તો સ્વભાવ પ્રમાણે જ પ્રવૃત્ત થાય છે. કર્તાપણું અહંકારને લીધે સ્થાપિત થાય. કર્તાપણા પાછળ કોઈ હેતુ હોય, ઉદ્દેશ્ય હોય. કર્તાપણું પુષાર્થ આધારિત હોય અને પુષાર્થ પાછળ ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની ભાવના છુપાયેલી હોય. આ ભાવના પ્રમાણે પુષાર્થ જે તે પરિણામ આપે. અર્થાત કર્તાપણું પરિણામ લક્ષી છે, તે સવિકલ્પ છે, તે નિર્ધારિત લક્ષ્ય માટે છે, તે સંકલ્પ આધારિત છે.

ઈશ્વરનો હાથ આમાં ન હોય. ઈશ્વર તો વ્યક્તિને નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા આપે. જે ધર્મ હોય, જે ઉત્તરદાયિત્વ હોય, જે નિમિત્ત કર્મ હોય તેને નિભાવવાનું ઈશ્વર પરોક્ષ સૂચન કરે. કર્તાપણાની સ્થાપના એ ઈશ્વરનું કાર્ય નથી.

કર્મની સ્થાપના પણ ઈશ્વરનું કાર્ય નથી. પ્રત્યેક દેહધારીએ કર્મ તો કરવું જ પડે. કર્મ વિના તેનું અસ્તિત્વ જ ટકી ન શકે. કર્મ એ અસ્તિત્વનો સ્વાભાવિક ધર્મ છે. જન્મની સાથે કર્મ ઉદભવે છે, કર્મની સ્થાપના માટે અન્ય કોઈ પ્રયત્નની જરૂર નથી. હા, પુરૂષાર્થલક્ષી કર્મ સહેતુક હોય. પણ તેમાં ઈશ્વરની પ્રેરણા ન હોય.

ધર્મનું પાલન એ ઉત્તરદાયિત્વ છે, અર્થની પ્રેરણા એ ભવિષ્યના કામનો આધાર છે, કામ એ વર્તમાનમાં ઉદ્ભવેલી આશા અને અપેક્ષા છે, જ્યારે મોક્ષ અંતિમ ગતિ તરફનું પ્રયાણ છે. સ્થાપિત ઉત્તરદાયિત્વ જન્મ અને સંજોગોને આધારે નિર્ધારિત થાય. કામ અને અર્થ બંધનના કારણ સમાન છે. મોક્ષ તરફની ગતિ માટેના વિવિધ સંભવિત માર્ગ તથા તે માટે જરૂરી માનસિક ભૂમિકા સ્પષ્ટ પણે નિર્ધારિત થયેલ છે. ઈશ્વરે કંઈ કરવાનું બાકી નથી. આ બધું સજીવની ચેષ્ટાથી સ્થાપિત થાય છે. આ બધું પણ સ્વભાવ અનુસાર અસ્તિત્વમાં આવે છે.

કયું કર્મ કરવાથી કયું ફળ પ્રાપ્ત થશે તેનું નિર્ધારણ તો પહેલેથી થઈ ચૂક્યું છે. શુભ કર્મનું ફળ શુભ મળે અને અશુભનું અશુભ. આમાં ઈશ્વરના સંમિલિત થવાની સંભાવના જ નથી. કર્મ તથા તેના ફળનો સંયોગ, કાર્ય તથા તેનાં કારણનું સમીકરણ, ભાવ તથા તેને આધારે સ્થપાતો પ્રતિભાવ, ક્રમણના વિરોધી તરીકે સ્વીકારાયેલું પ્રતિક્રમણ- આ અને આવી બાબતો સિદ્ધાંત આધારિત હોય છે. આ બધું સૃષ્ટિના નિયમો પ્રમાણે કાર્યરત થાય. સૃષ્ટિનું પ્રત્યેક તત્ત્વ તેના ગુણધર્મો અનુસાર પરિણામ આપે.

ગીતાના આ શ્લોકનો અર્થ થાય છે કે સ્વભાવથી જ વસ્તુઓ પોતાની રીતે વર્તે છે. દરેક તત્ત્વ, પદાર્થ અથવા પ્રાણી પોતપોતાના સ્વભાવ અનુસારનું વર્તન કરે છે. કુદરતી ધોરણે જેવો સ્વભાવ હોય તે પ્રમાણેનું પરિણામ તેનાં થકી સ્થાપિત થાય. જેવો સ્વભાવ હોય તેવું વર્તન થવાનું સામાન્ય છે.

અગ્નિનો સ્વભાવ દાહ આપવાનો છે, તે બાળવાનું જ કામ કરે, તેનાથી ક્યારેય શીતળતા સ્થાપિત ન થઈ શકે. તેવી જ રીતે પાણીના જે તે સ્વભાવને કારણે તે અગ્નિનું વિરોધી બને, તે શીતળતા આપે, એનામાં પ્રવાહિતતા હોય. હા, નિયમ બધાને દરેક સ્વરૂપે લાગુ પડે. સમગ્ર સૃષ્ટિ અને સૃષ્ટિના ઉદ્ભવનું કારણ માયા પણ પોતાનાં સ્વભાવ અનુસાર કાર્યરત થાય.

એક વિચારધારા પ્રમાણે પ્રકૃતિ અને સ્વભાવમાં સૂક્ષ્મ તફાવત છે. સ્વભાવ સાથે સ્વ જોડાયેલો હોય છે જ્યારે પ્રકૃતિ સાથે પર સંકળાયેલું હોય છે. તેથી જ્યારે સ્વયંની વાત કરવાની હોય ત્યારે સ્વભાવનો પ્રયોગ થાય અને જ્યારે અન્યની વાત કરવાની હોય ત્યારે પ્રકૃતિ શબ્દનો પ્રયોગ વધુ થતો જોવા મળે છે. જોકે આ બંને શબ્દોમાં સામ્ય પણ છે. મૂળ વાત એ છે કે જેનાથી પરિણામ અસ્તિત્વમાં આવે છે તેની પાછળ પ્રકૃતિ છે અથવા સ્વભાવ છે અથવા બંને છે.

સૃષ્ટિની રચના એ જ રીતે નિર્ધારિત થઈ છે કે અહીં કાર્ય-કારણનો સંબંધ કાયમી અને અફર રહે. ઈશ્વર ચાહે તો પણ તેમાં વિક્ષેપ ન પાડી શકે. આ વિક્ષેપ માટેના પણ નિયમ છે. બધું જ વ્યવસ્થિત છે. બધું જ સુનિશ્ચિત છે. બધું જ તર્કસંગત છે. બધું જ આશીર્વાદ સમાન છે, કારણ કે આ પ્રકારની નિયમબદ્ધતાને કારણે જ જે તે નિર્ણય સરળતાથી લઈ શકાય છે.

આ પણ વાંચો…ચિંતનઃ સત્ય-અસત્ય વચ્ચેનું સંતુલન

સંબંધિત લેખો

Back to top button