ધર્મતેજ

અલખનો ઓટલો: નામ પામ્યો પણ રામને નવ લહ્યા?

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

સાધના માટેના મંત્રોમાં બે પ્રકા2 છે : નાદાત્મક બીજ મંત્રો (ૐ-પ્રણવ,ઐં, ર્શ્રીં,ર્ક્રીં,ર્ક્લીં,સૌં,હૃર્રીં…..વગેરે, જેનું સાધ્ય અતિ સૂક્ષ્મ હોય.) અને વર્ણાત્મક – સાર્થ-સાકાર(પંચાક્ષર, નવાક્ષર,દશાક્ષર, દ્વાદશાક્ષર…વગેરે મંત્રો,જેનું સાધ્ય સૂક્ષ્મ પણ હોય અને સ્થૂલ પણ હોય.) એ જ્યારે શ્વાસ-પ્રાણ સાથે જોડાઈ જાય અને એક એક શ્વાસની સાથે મંત્ર રટણ ચાલુ થઈ જાય તેનું નામ અજપાજાપ. જેને સંતો નામ-વચનની સાધના તરીકે ઓળખાવે છે. આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે હકારનો ધ્વનિ અને આપણે શ્વાસ અંદર ખેંચીએ ત્યારે સકારનો ધ્વનિ સંભળાય છે, આ હંસ:ને સાધક ઉલટાવે ત્યારે સોહં ધ્વનિ થાય. જેને લોક્સંતો મૂળ વચનની સાધના કહે છે.

શાક્તમતના તાંત્રિક યોગીઓમાં પણ સમયાચાર, કૌલાચાર અને મિશ્રાચાર એ ત્રણ ધારાઓ વહેતી રહી છે. (મૂલાધાર ચક્રમાંના પૃથ્વીતત્ત્વમાં સ્થિત કુંડલિની શક્તિને ઉપર ઉઠાવીને સહસ્રાર સ્થિત અકુલ (પરાત્પર પરમશિવ)સુધી પહોંચાડનારા તે કૌલ.) નાથસંપ્રદાયમાં યોગ અને તંત્ર એ બેઉ પ્રવાહો સમાન રૂપમાં વહેતા આવ્યા છે. જેમાં યોગનો સંબંધ શિવ સાથે છે અને તંત્રનો સંબંધ શક્તિ સાથે. અમુક ધારાના નાથયોગીઓનો સંબંધ શાક્ત તાંત્રિકોની ‘કૌલધારા’ સાથે રહ્યો છે. કાશ્મીરી શૈવ તાંત્રિકોમાં તત્ત્વત: શિવ અને શક્તિને અભિન્ન માનવા છતાં ‘પ્રત્યભિજ્ઞા સંપ્રદાય’ શિવ ઉપાસના કરે, જ્યારે ‘સ્પંદ સંપ્રદાય’ કરે શક્તિની આરાધના. કૂલાર્ણવ તંત્ર મુજબ વેદાચાર,વૈષ્ણવાચાર,શૈવાચાર અને દક્ષિણાચાર એ ચાર શુદ્ધ સાત્ત્વિક ભાવ ધરાવતા સાધકો માટે, સિદ્ધાંતાચા2 અને વામાચાર એ વીરભાવના સાધકો માટે અને કૌલાચાર(પૂર્વ અને ઉત્તર કૌલ) એ દિવ્યભાવના સાધકો માટેની સાધનાની કેડીઓ છે. યોગ એટલે મિલન : પ્રાણ-અપાનની એક્તા, રજ-બીજની એક્તા, જીવાત્મા- પરમાત્માની એક્તા. સામાન્ય જીવ પ્રાણ અને અપાન વાયુ દ્વારા ઉપર-નીચે સદૈવ ખેંચાતો જ રહે છે એને સમરસ કરવો તેનું નામ સાધના. ચાર પ્રકારના યોગ : મંત્રયોગ ( શુદ્ધ મન માટે ), હઠયોગ ( શુદ્ધ શરીર માટે), લયયોગ(શુદ્ધ ચિત્ત માટે), રાજયોગ(શુદ્ધ આત્મા માટે). ક્રમ સાધના : પિપિલિકા માર્ગ, મંડુકમાર્ગ, મીનમાર્ગ. અક્રમ સાધના : વિહંગમમાર્ગ. હઠયોગ પણ અનેક પ્રકારના હોય છે. એક છે પ્રાણ નિરોધક઼ જે શ્વાસ-ઉચ્છવાસ પર નિયંત્રણ કરીને, મનને સ્થિર કરવાના પ્રયાસો કરે. બીજા પ્રકારનો હઠયોગ તે બિન્દુ નિરોધક઼. જે સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને, મન,વચન,કાયા, ક્રિયાથી શુક્ર-વીર્યને સાંચવવાનો પ્રયાસ કરે. (એમાં તાંત્રિક ક્રિયાઓ દ્વારા લિંગ દ્વારા પાણી-દૂધ-ઘી કે નારીના રજ વગેરે પ્રવાહીને ખેંચી પોતાના અંડાશય સુધી પહોંચાડે) અને ત્રીજા પ્રકારનો હઠયોગ સંપૂર્ણ કાષ્ટમૌન ધારણ કરીને શબ્દની ઉપર નિયંત્રણ રાખી – વિચારને સ્થિર કરી નિર્વિચારની દશા સુધી લાવવાના પ્રયાસો કરે. ચોથા પ્રકારનો હઠયોગ શરીર ઉપર વિવિધ પ્રકારનાં દમનનો, જેમાં કેટલાક સાધકો (પોતાની સાત્ત્વિક,રાજસી,તામસી કે દિવ્ય ઉપાસના મુજબ) ઉપવાસ કરે, નિર્જળા રહે, જમીનમાં દટાય, પંચાગ્નિમાં તપ કરે, દિગંબ2 રહે, એકાન્તવાસી બની રહે, મળમૂત્રથી ખરડાય, સૂરાપાન કરે, ભક્ષ્યાભક્ષ્યનો ભેદ ન રાખે. જ્યારે લોરસંત-ભક્તો સહજસાધનાથી પરમાત્માની ઉપાસના કરે. નરસિંહ એટલે જ કહે છે :

અલ્યા નામ પામ્યો પણ રામને નવ લહ્યા ? વૈષ્ણવ પદ કેરાં બીરદ ઝાલે
પુત્ર વિના જ્યમ ઘર મધ્યે પારણુ , વર વિના જેવી તો જાન મહાલે…
પંડ્યમાં પ્રભુ પણ પ્રગટ પેખે નહી, ફોગટ ભમે વળી બ્રહ્મ તો દૂર ભાળે
અગણિત અપારનાં ગણિત લેખાં કરે, દ્વૈત ભાવે કરી માળ ઝાલે


હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો, વાત પકવાનથી ભૂખ ન ભાંજે,
વિરહની વેદના ભેખથી ના ટળે, ગગનમાં મેઘ જ્યમ ઠાલો ગાજે..
તું એમ જાણે જે હરિજન હું થયો, કિરતન ગાઈ થ્યો ભક્ત ભવમાં,
કરણીતો કાગની, હોડ કરે હંસની, નીર ખીર જુદાં ન હોય પલમાં…
જો નિરાકારમાં જેહનું મંન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે,
દાસ નરસૈયો તો તેને ચરણે નમેં, જ્ઞાન- વૈરાગ્યની જ્યોત જાગે…
અલ્યા નામ પામ્યો પણ રામને નવ લહ્યા ?
* * *
સત વચન સે સદગુરુ મળ્યા સંતો સોઈ પરમ પદ પાવે રે હો…જી…
નિજ નામની સમશેર લઈને, દશમે દોર લગાવે, ઊલટ કરકે ફેર સુલટાવે, તબ ઘર અપને જાવે…
ત્રિકુટી મહેલમેં તક્યિા બિરાજે, વા ઘર સુરતા જગાવે, ઝિલમિલ જ્યોતું ઝળકે, નિરમળ નૂર ઝળહળાવે..
અવઘટ ઘાટ ઊલટ ફિર આવે, ધ્યાન મેં ધ્યાન લગાવે, નૂરતે નિરખે સુરતે પરખે, અનંતી ઘર તબ જાવે..
સદગુરુ મળે તો સાન બતાવે, આવાગમન મિટ જાવે,રામદાસ ચરણે ભણે ભાદુદાસ, જ્યોતમેં જ્યોત મિલાવે..
સંતો સોઈ પરમ પદ પાવે રે હો…જી…

આપણ વાંચો:  ગીતા મહિમા: સહજતા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button