ગીતા મહિમા-મનની પ્રસન્નતા

સારંગપ્રીત
શારીરિક તપને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ માનસિક તપનાં પ્રકાર બતાવી રહ્યા છે, તેમાં પ્રથમ મનને પ્રસન્ન રાખવું તે તપ કેવી રીતે છે, તે સમજીએ.
પ્રસન્નતાનો અર્થ ફક્ત કોઈ ખાસ સીમાચિન્હ કે દરજ્જો પ્રાપ્ત કરવો એ નથી, પરંતુ જીવનની દરેક ક્ષણમાં આનંદ અને સંતોષનો અનુભવ કરવો એ છે. તે કોઈ લક્ષ્ય નથી કે જેને પ્રાપ્ત કરવું પડે, પરંતુ તે એક જીવનશૈલી છે.
જેને આપણે આપણા જીવનમાં વિકસાવી શકીએ છીએ. આપણે સકારાત્મક વિચારસરણી, સ્વસ્થ જીવનશૈલી, સામાજિક સંબંધો અને આત્મસંતોષ દ્વારા આપણી પ્રસન્નતા વધારી શકીએ છીએ.
મહાત્મા ગાંધી કહેતા, મનની પ્રસન્નતા એ છે કે તમે જે વિચારો છો, જે કહો છો અને જે કરો છો તે બધું સુમેળમાં હોય.
વર્તમાન યુગમાં, જ્યાં લોકો સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા માટે આંધળી દોડમાં રોકાયેલા છે, ત્યાં સુખની શોધ વધુ જટિલ બની ગઈ છે. લોકો વિચારે છે કે જો તેઓ વધુ પૈસા કમાશે, વધુ ખ્યાતિ મેળવશે, તો તેઓ મનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશે. જોકે આ માનસિકતા તેમને સતત અસંતોષ અને તણાવની સ્થિતિમાં ધકેલી દે છે. પ્રસન્નતા એ બાહ્ય સ્થિતિ નથી પણ આંતરિક સ્થિતિ છે. તે આપણા માનસિક અને ભાવનાત્મક વલણ, વિચારો અને વર્તન પર આધાર રાખે છે, ભૌતિક સિદ્ધિઓ પર નહીં.
રામકૃષ્ણ પરમહંસના ગળામાં કૅન્સર હતું, ખવાતું નહોતું, પણ એમના મુખ પરનું સ્મિત યથાવત્ હતું. એમના શિષ્ય નરેન્દ્રએ પૂછ્યું કે આટલી પીડામાં તમે કેવી રીતે આનંદમાં રહો છો? રામકૃષ્ણજીએ કહ્યું- ‘પીડા તો શરીરને છે ને? હું એના પર ધ્યાન નથી આપતો.’ આપણે તો નાની મોટી પરિસ્થિતિમાં જ ઉદ્વિગ્ન થઈ જઈએ છીએ. કોઈ પૂછે કે કેમ દુ:ખી છે તો કહેવાનું મન નથી થતું અને કોઈ ના પૂછે તો એમ થાય છે કે કેમ કોઈ પૂછતું નથી.
આમ, મનની ચંચળતાની કોઈ મર્યાદા નથી. એક પછી એક વિચારો મનમાં આવતા જ રહે છે. મન જે કહે છે તે બધું માનવાથી અથવા મનની દરેક ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કરવાથી ક્યારેક ભયંકર પરિણામો આવી શકે છે. આના કારણે, આપણું મન અરાજકતાનો શિકાર બને છે, અને આપણી પ્રસન્નતા ઓછી થવા લાગે છે.
આજે જ્યારે લોકો આર્થિક સુરક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે માનસિક સ્વાસ્થ્ય સમસ્યા પણ એક મોટી સમસ્યા તરીકે ઊભરી આવી છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ મુજબ, ભારત પ્રસન્નતાના સ્તરમાં ખૂબ જ નીચું સ્થાન ધરાવે છે, જે દર્શાવે છે કે આપણે પ્રસન્નતાને સમજવાની અને તેને આપણા જીવનમાં સામેલ કરવાની જરૂર છે.
સફળતા-અસફળતા, સુખ-દુ:ખને સમાન માનવું એ પ્રસન્ન મન માટે ખૂબ અગત્યનું છે. જે વ્યક્તિ બદલાતી પરિસ્થિતિઓમાં સમતોલ રહે છે, તે સતત પ્રસન્ન રહે છે.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મન ભટકે ત્યારે ધીરે ધીરે તેને આત્માના વિચારમાં સ્થાપિત કરો. આત્મવિચાર મનને સ્થિર કરવાનો મૂળ ઉપાય છે.
વળી, ભારતની પ્રાચીન પરંપરાઓ, ખાસ કરીને યોગ અને ધ્યાન, મનની પ્રસન્નતાને જીવનનો અભિન્ન ભાગ માને છે. યોગના સિદ્ધાંતો જણાવે છે કે જ્યારે આપણે આપણા મન અને શરીર વચ્ચે સંતુલન જાળવીએ છીએ ત્યારે સાચું સુખ પ્રાપ્ત થાય છે. યોગ અને ધ્યાન એ માનસિક શાંતિ અને આંતરિક સુખના માધ્યમ છે.
તેઓ આપણને બહારની દુનિયાના તણાવ અને ચિંતાઓથી ઉપર ઊઠવામાં મદદ કરે છે અને શીખવે છે કે પ્રસન્નતા એ આંતરિક બાબત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા ભારતે સમગ્ર વિશ્વમાં સુખ અને માનસિક શાંતિની આ પરંપરા ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભૂતાનનું ઉદાહરણ અહીં સુસંગત છે, જ્યાં ‘ગ્રોસ નેશનલ હેપ્પીનેસ’ (GNH) ને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કરતાં વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ભૂતાને આ આદર્શને મૂર્તિમંત કર્યો છે કે આર્થિક વિકાસ ફક્ત એક સાધન છે, અંતિમ ધ્યેય નથી. જો સરકારો પ્રસન્નતા પર કેન્દ્રિત નીતિઓ બનાવે છે તો તે સમાજના દરેક વર્ગના ઉત્થાન તરફ દોરી શકે છે.
મહંતસ્વામી મહારાજ પણ યાદ અપાવે છે કે મનની પ્રસન્નતા માનવની મૂળ સ્થિતિ છે, બસ માયાનું આવરણ ભેદવાની જરૂર છે. પ્રભુ ભક્તિમાં તલ્લીન મન સદા પ્રસન્ન રહે છે. તે એક સાધનાનો ભાગ બનવો જોઈએ. હા, જીવનની દરેક ક્ષણ મનની પ્રસન્નતાનો સ્ત્રોત બની શકે છે, જો આપણે તેને ભક્તિ સાથે જોડી દઈએ તો!



