ધર્મતેજ

ફોકસઃ સંત ગુરુ રવિદાસ સમતા ને સમાનતાના મંત્રદાતા

આર. સી. શર્મા

ગુરુ રવિદાસ 15મી સદીના મહાન સંત, કવિ અને સમાજ સુધારક હતા, જેમણે જીવનભર સમાનતા, ભક્તિ, માનવ ગરિમા અને સામાજિક ન્યાયનો સંદેશ આપ્યો હતો. તેમનો જન્મ સીર ગોવર્ધનપુર (હાલના વારાણસી)માં એક ગરીબ પરિવારમાં થયો હતો. એ વખતે ભારતીય સમાજમાં અનેક કુરીતિઓ ફેલાયેલી હતી.

ગુરુ રવિદાસે પોતાના ગુરુ રૈદાસ પાસેથી ભક્તિના બોધપાઠ લીધા અને સામાન્ય બોલચાલ તથા સરળ ભાષાના દોહાનું નિર્માણ કર્યું. આ રીતે તેમણે લોકોને ઈશ્વર પ્રતિનો પ્રેમ અને સમાનતાનો સંદેશ પણ આપ્યો. ગુરુ રવિદાસનું ચિંતન આપણને શીખ આપે છે કે ભગવાન સૌમાં એક સમાન છે. જન્મ-જાતિ, રંગ, વર્ગ કે પછી સામાજિક સ્થિતિ તરફ દુર્લક્ષ કરીને તમામ માનવને એક સમાન દૃષ્ટિથી જોવા જોઈએ.

ગઈકાલે તેમની 649મી જયંતી હતી. સમગ્ર ભારતમાં ગુરુ રવિદાસની જયંતી ભક્તિભાવથી મનાવવામાં આવે છે. સવારે વહેલા ઊઠીને લોકો નદીમાં પવિત્ર સ્નાન કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. એને મનની પવિત્રતા અને નવી શરૂઆત તરીકે જોવામાં આવે છે. ગુરુ રવિદાસના અનુયાયીઓ દ્વારા ભજન અને દોહા શ્રદ્ધાથી ગાવામાં આવે છે. તેમના ભજનમાં ભગવાનની ભક્તિ, આધ્યાત્મિકતા અને સમાનતા છલકે છે.

કીર્તન અને જૂલુસ

કેટલાંક સ્થળોએ કીર્તન અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસ લંગર અને સેવાનો દિવસ હોય છે. મંદિર અને ગુરુદ્વારામાં લંગરનું આયોજન કરવામાં આવે છે. એના માધ્યમથી સંદેશ આપવામાં આવે છે કે સૌએ સાથે બેસીને ભોજન કરવું જોઈએ જે ગુરુ રવિદાસની સામાજિક સમાનતાનો સંદેશ આપે છે. તેમના જીવન પર પ્રવચન આપવામાં આવે છે.

ઐસી વાણી બોલિયે, મન કા આપા ખોયે

સંત રવિદાસના દોહા જણાવે છે કે વ્યક્તિએ પોતાની વાણી અને વર્તન હંમેશાં નમ્ર રાખવો જેનાથી જગતને જીતી શકાય છે. એનાથી ન માત્ર સામેવાળાને શાંતિ મળે છે પરંતુ પોતાને પણ સુખ મળે છે.

કરમ બંધન મેં બંધે રહિયો ફલ કી ના તજ્જિયો આસ

સંત રવિદાસ આ દોહાના માધ્યમથી શીખ આપે છે કે વ્યક્તિએ પોતાના કાર્ય પ્રામાણિકતાથી કરવા જોઈએ અને ફળની ઇચ્છા ન રાખવી જોઈએ. કેમ કે કર્મ કરવા એ વ્યક્તિનો ધર્મ છે. ફળ તો નસીબ પર આધાર રાખે છે.

કહ રૈદાસ તેરી ભગતિ દૂરિ હૈ, ભાગ બડે સો પાવૈ

સંત રવિદાસ આગળ એમ પણ જણાવે છે કે ભક્તિ સૌભાગ્યથી મળે છે. જોકે એમાં સફળતા એને જ મળે છે જેમાં અભિમાન ન હોય. ઠીક એ રીતે જેમ હાથી સાકરનો દાણો ઉઠાવી નથી શકતો, પરંતુ નાનકડી કીડી એને સરળતાથી ઉઠાવીને ભેગી કરે છે.

કા મથુરા કા દ્વારકા, કા કાશી હરિદ્વાર

આ દોહાના માધ્યમથી ગુરુ રવિદાસ સમજાવે છે કે હરિદ્વાર અને કાશી જેવા તીર્થમાં માથુ નમાવવા જતાં પહેલાં વ્યક્તિએ પોતાના મનમાં ઈશ્ર્વરને ખોજવાની જરૂર છે, કેમ કે સાફ મનમાં જ પ્રભુનો વાસ હોય છે. આડંબરને બદલે વ્યક્તિ આત્મજ્ઞાનથી જ પરમાત્માને પામી શકે છે.

એક વખતે એક વ્યક્તિએ ગુરુ રવિદાસને પૂછ્યું કે ‘ઈશ્વર કોણ છે અને તે ક્યાં છે?’
તો તેમને સરળ શબ્દોમાં ગુરુ રવિદાસે જવાબ આપ્યો કે ‘ભગવાન આપણા મનની અંદર છે.’ તેમના આ જવાબે લોકોને શીખવાડ્યું કે માત્ર ભગવાનની ભક્તિ બહારના સંસ્કારથી નથી થતી, પરંતુ હૃદયની સાફ-સફાઈ અને પ્રેમથી થાય છે.

તેમની જયંતી આજે પણ સમાજને સમાનતા, ભાઈચારા, પ્રેમ અને ભક્તિનાં મૂલ્યો માટે પ્રેરિત કરે છે. તેમના દોહા અને ભજન યાદ અપાવે છે કે માત્ર પૂજા-પાઠ નહીં, મનુષ્યને સન્માન અને એકતા પણ જરૂરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button