ધર્મતેજ
ગુરુનાનક જયંતી સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે
આચમન -કબીર સી. લાલાણી
શાંતિ પમાડે તે સંત અને લઘુતા દૂર કરે તે ગુરુ.
૫૫૦-૫૫૫ વર્ષ પૂર્વે જન્મેલા ગુરુ નાનકદેવ સંત અને ગુરુ બન્ને હતા.
- અન્યો સાથે વહેંચો
- ઇમાનદારીપૂર્વક જીવો અને
- સતત ઇશ્ર્વરનું નામ જપતા રહો…
- ગુરુ નાનકદેવે આ ત્રણ મુખ્ય પાયા પર શીખ ધર્મની સ્થાપના કરી.
- હિન્દુ-ઇસ્લામના સુભગ સમન્વયસમા શીખ ધર્મમાં બંને ધર્મનું નવનીત છે.
વહાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો ! મૂળ હિન્દુ પરિવારમાં જન્મેલા નાનકદેવે ભક્તિ અને સૂફી ચળવળો-સંપ્રદાયોમાંથી કેટલીક બાબતો લીધી અને નવો ધર્મ સ્થાપ્યો : - શીખ ધર્મ માત્ર રહેણીકરણી કે ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી.
- સાડા પાંચ સદી પૂર્વે ભારતની સમકાલીન સ્થિતિને અનુરૂપ ધર્મ છે.
- પંજાબના તલવંડી નગરના કારભારી કાલુચંદને ત્યાં ઇ. સ. ૧૪૬૦ના જન્મેલા નાનક સાહિબના જન્મકુંડલી બનાવનાર પંડિત હરદયાળે કહ્યું કે આ છોકરો કાં તો મહાન બાદશાહ થશે અથવા જગવિખ્યાત સંત.
- એનું નામ નાનક રાખો.
- બાળપણથી નાનક બીજાં બાળકો કરતાં જુદા તરી આવતા.
- માતા કાંઇક આપે તો નાનક તરત શેરીમાં દોડી જાય અને બીજાઓને વહેંચીને પછી વધે તો પોતે ખાય.
- બીજાઓને ખાતાં જોઇને એ ખૂબ ખુશ થતા.
- એના મનમાં થતું કે મારા પિતાની પાસે અખૂટ ધનસંપત્તિ છે તો પછી શા માટે કોઇ ભૂખ્યું-તરસ્યું કે અર્ધનગ્ન રહે.
- પિતાએ પોતાની સંપત્તિથી બધાને સંતોષવા જોઇએ.
સમભાવના સ્વામી: - બાળપણથી નાનકમાં ગજબનો સમભાવ જોવા મળતો.
- કોઇ પીર-ફકીર કે મૌલવી દેખાય તો આપોઆપ આ બાળક બોલતો-
અલ્લાહ મહાન છે. - પરવરદિગાર દયાળુ છે.
- કોઇ હિન્દુ સાધુ-સંત દેખાય તો બાળનાનક બોલી ઊઠતા:
- ધાર્યું ધણીનું થાય.
- ગોવિંદાનો મહિમા અપાર છે.
- આમ હિન્દુ-મુસલમાન બન્નેને આ બાળક ખુશ કરતો.
- નાનકનો કુરાન શરીફનો અભ્યાસ એટલો બધો ઊંડો છે કે તેમનાં લગભગ બધાં ભજનો કાવ્યોમાં કુરાન કરીમની ઊંડી અસર દેખાય છે.
- નાનકની ઇશ્ર્વરપ્રીતિ જોઇને તેમના શિક્ષક ગોપાલે પિતાને સમજાવ્યા કે દીકરા નાનકને કોઇ પંડિતના હાથ નીચે હિન્દુ ધર્મના શાસ્ત્રો ભણાવો.
- નાનકની જબરદસ્ત ગ્રહણશક્તિ અને તેજસ્વી પ્રતિભા જોઇને પંડિત બ્રિજનાથ પણ અંજાઇ ગયા.
સંસ્કૃત ભાષા અને સાહિત્યના ઊંડા અભ્યાસી પંડિત બ્રિજનાથને નાનક પર આધ્યાત્મિક પ્રભાવ જોઇને થયું કે ખરેખર તો મારી આ છોકરા પાસે કોઇ વિસાત નથી.
જાણવા જેવું: - નાનકદેવે કદી સંસાર તજ્યો નહોતો.
- બટાલાના પટવારી મુલચંદની પુત્રી સુલક્ષણી સાથે તેમનાં લગ્ન થયાં હતાં અને આ લગ્નથી તેમને બે દીકરા પણ થયા હતા.
- સંસારમાં રહીને નાનક સતત ઇશ્ર્વર સ્મરણ કરતાં.
તેમણે પુરવાર કર્યું છે કે- - પ્રભુની ભક્તિ કરવા માટે સંસાર છોડીને ભગવાં પહેરવાની જરૂર નથી.
- સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે.
- સાચા ભક્તને તેની દરેક આપત્તિમાં ભગવાન મદદ કરે છે.
-કોમ -ભાઇબંધ કોમના સૌ વાચકોને ગુરુનાનક જયંતીની શુભેચ્છા.
સત્નામ-વાહેગુરુ.