ફોકસઃ આ મંદિરમાં ભગવાન બધાનો સમય સાચવી લે છે!

- કવિતા યાજ્ઞિક
કહેવાય છે કે આપણે જો સમય ન સાચવીએ તો સમય આપણને ન સાચવે. પરંતુ ઈશ્વરની કૃપા થાય તો ગમે તેવો સમય પણ સચવાઈ જાય, જેવો નરસિંહ મહેતાનો સચવાયો. એટલુંજ નહીં, આપણો પ્રતિકૂળ સમય પણ ઈશ્વરકૃપાથી અનુકૂળ થઇ શકે છે, જેવો દ્રૌપદીનો થયો હતો. આપણે આ કૃપાને જ ચમત્કાર કહીએ છીએ. આ સમયની વાત એટલે યાદ આવી, કેમકે એક એવું ચમત્કારિક મંદિર છે, જ્યાં ભગવાનને જ ઘડી વાલે બાબાના નામથી ઓળખવામાં આવે છે. એવું તે શું છે એ મંદિરમાં કે ભગવાન જ ઘડિયાળ વાળા કહેવાયા? ચાલો, જાણીએ.
ઉજ્જૈનથી લગભગ 45 કિલોમીટર દૂર મધ્ય પ્રદેશના ઉન્હેલ તાલુકામાં એક નાનકડું ગામ છે, જેનું નામ છે ગુરાદિયા સાંગા. આ ગામની સીમમાં એક વૃક્ષ છે. આ વૃક્ષના મૂળ સિવાયના બધા ભાગો પર તમને માત્ર અને માત્ર ઘડિયાળો ટીંગાતી જોવા મળશે. પહેલી નજરે એવું લાગી શકે કે કદાચ કોઈએ ઘડિયાળની દુકાન તો નથી શરૂ કરીને! પણ ના, આ કોઈ ઘડિયાળની દુકાન નથી, ઘડીવાલે બાબાનું મંદિર છે.
જોકે, અહીંયા મંદિર જેવું કશું બાંધકામ જોવા મળતું નથી. માત્ર વૃક્ષની નીચે એક પ્રતિમા છે, અને વૃક્ષની ઉપર અને આસપાસ હજારો ઘડિયાળો જોવા મળશે. અહીંયા જે પ્રતિમા છે તે સગસ મહારાજ કરોંદીયા સરકાર તરીકે ઓળખાય છે.
સગસ મહારાજ કરોંદીયા સરકાર મંદિર ખૂબ નાનું છે અને એક જૂના વડના ઝાડ નીચે આવેલું છે. મંદિરનો વિસ્તાર ફક્ત 6 ફૂટ બાય 4 ફૂટનો છે જ્યાં ઘડિયાળોનો ડુંગર ખડકાયો હોય તેવું દૃશ્ય છે, તેથી ટૂંક સમયમાં ભક્તોએ ઉપર વડના ઝાડની ડાળીઓ પર ઘડિયાળો બાંધવાનું શરૂ કર્યું. આજે, આ વૃક્ષ પર 2000થી વધુ ઘડિયાળો બાંધેલી છે. વધુમાં, ભક્તોએ હવે વાંસના થાંભલાના ટેકાથી દોરી પર ઘડિયાળો બાંધીને મંદિરની આસપાસ ઘડિયાળોની દીવાલ બનાવી છે.
સગસ મહારાજની એ પ્રતિમા છેલ્લા લગભગ દસેક વર્ષોથી આ સ્થાને મોજુદ છે. ગામનાં લોકો તેની પૂજા કરતા હતા. એક વખત એક વ્યક્તિએ અહીં સગસ મહારાજ પાસે માનતા માની. તેની મનોકામના પુરી થતાં તેણે ભગવાનના ચરણે પોતાની કાંડા ઘડિયાળ અર્પણ કરી. ત્યારથી લોકો અહીં આવીને લોકો માનતા લેતા અને ભગવાનના ચરણે ઘડિયાળ અર્પણ કરતા થયા.
તેમની પ્રાર્થનાઓનો જવાબ મળતાં, ઘડીવાલે બાબા વિશે વાત ફેલાઈ ગઈ, કે તેઓ એવા સંત છે જેમને ઘડિયાળ ચઢાવવામાં આવે તો તેમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. ટૂંક સમયમાં જ નજીકના ગામડાઓના લોકો સગસ બાબાજીના મંદિરમાં આવવા લાગ્યા, એ શ્રદ્ધા સાથે કે ઘડીવાલે બાબા ‘તેમના ખરાબ સમયને સારા સમયમાં બદલી નાખશે.’
દસેક વર્ષ જૂના આ મંદિરમાં આ પ્રથા છેલ્લા ચાર-પાંચ વર્ષોથી જ શરૂ થઇ છે. પણ એટલા ટૂંકા ગાળામાં જ ત્યાં હજારોની સંખ્યામાં ઘડિયાળોનો જમાવડો થઇ ગયો છે. જાણે ઘડિયાળોનો ડુંગર જ જોઈ લો! માત્ર થોડા જ સમયમાં આ સ્થળની ખ્યાતિ એટલી વધી ગઈ છે કે ભીડ વધવા લાગી છે, અને આ સ્થળની માન્યતા કોઈ મંદિરથી કમ નથી.
મુલાકાતીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે આ સ્થળની આસપાસ દુકાનો પણ બની ગઈ છે. પરંતુ અહીં ન તો કોઈ પૂજારી છે કે ન તો કોઈ ધાર્મિક વિધિનું પાલન કરવામાં આવે છે. માત્ર શ્રદ્ધાળુઓ અહીં આવે છે, પ્રાર્થના કરે છે, અને પ્રભુના ચરણે ઘડિયાળ અર્પણ કરે છે. ઘડિયાળો ઉપરાંત, લોકો વૃક્ષને પરંપરાગત પ્રથા પ્રમાણે નારિયેળ અને અગરબત્તી તો ચઢાવે છે, પણ સિગારેટ અને ચિલમ પણ ચઢાવે છે, બોલો!
સગસ મહારાજ અથવા ઘડીવાલે બાબાની જાદુઈ શક્તિઓએ ભક્તોમાં શ્રદ્ધા દિવસેને દિવસે વધુ ગહન બનાવી છે. આ પવિત્ર સ્થળની વારંવાર મુલાકાત લેનારા લોકો માટે સમય ખરેખર બદલાઈ ગયો છે. ભક્તોને પૂછવા પર, તેઓ દાવો કરે છે કે ઘડીવાલે બાબાને ઘડિયાળ અને પ્રાર્થના અર્પણ કર્યા પછી તેમની સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. કેટલાક દાવો કરે છે કે તેમના બાળકની બીમારી, કૌટુંબિક સમસ્યાઓ હલ થઈ, કેટલાકને સુખી લગ્નજીવનનો આશીર્વાદ મળ્યા, વગેરે.
ઝાડ નીચે અથવા તેની નજીક ઊભા રહેવાનો પ્રયાસ કરો તો અસંખ્ય ઘડિયાળોના ટીક-ટીક અવાજો તમને એ વાતનો અહેસાસ કરાવશે કે સમય કોઈની રાહ જોતો નથી. હવે જ્યારે ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરવા ઉજ્જૈન જાઓ, ત્યારે આ અનોખા ઘડીવાલે બાબાના દર્શન કરવાનો પણ લહાવો લેવા જેવો છે.
આપણ વાંચો: અલૌકિક દર્શનઃ સૌનાં હૃદયમાં બેઠેલા મુનિ શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું…



