
- સારંગપ્રીત
ધીરેનભાઈ મોબાઈલમાં વાત કરતા કરતા રસ્તો પાર કરી રહ્યા હતા. કેળાની છાલ પર પગ પડયો અને તે લપસી પડયા અને બબડ્યા, ઓ બાપ રે…..મરી ગયો. અને એણે ક્રોધના આવેગમાં રસ્તાને લાત મારી. એટલામાં જ એક કાર ચાલકે તેને ટક્કર મારી. અને આ ધીરેનભાઈએ તો કારચાલક જોડે ગાળા-ગાળી ને મારા-મારી ચાલુ કરી અને બન્ને ઘવાયા. બન્નેને દવાખાને લઈ જવામાં આવ્યા. ડોક્ટરે તપાસ કરી પાટો બાંધી આપ્યો. ધીરેનભાઈને પાટો બાંધ્યા પછી ડોક્ટરે પૈસા માગ્યા. પણ બદલામાં ધીરેન ભાઈએ તો ક્રોધમાં ડોક્ટરને સડસડાટ કરતો લાફો ઝીંકી દીધો અને ડોક્ટરના ગાલ પર આંગળીના નિશાન પાડી એક મેમરી આપી દીધી. ડોક્ટરે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પોલીસને બોલાવી. પોલીસે તેને વાનમાં બેસાડવાની કોશિશ કરી. પણ તેણે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી. પોલિસે બે દંડા ફટકાર્યા. અને આમ આ ક્રોધનો કોઈ અંત જ ના આવ્યો. આ ધીરેન ભાઈ ધીમે ધીમે ધીરમાંથી અધીર થઈ ગયા.
એટલે જ કહેવામાં આવ્યું છે કે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે. સ્મૃતિ નાશે બુદ્ધિ નાશ, પરિણામ વિનાશ.
ક્રોધ એ કળિયુગનું રહેઠાણ છે. કળિયુગ, સૌથી પહેલું કામ માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરી વિવેકનો નાશ કરે છે. કડવી વાણી ક્રોધનું મનભાવતું ભોજન છે. અવિનય અને અસહનશીલતા તેના પ્રિય પીણાં છે. બીજાનાં આંસુ ક્રોધના મનોરંજનનું હાથવગું સાધન છે. એટલે જ ચાણક્યે ક્રોધને બીજા યમરાજનું સ્વરૂપ ગણાવ્યો છે. ક્રોધને માણસના મનના સિંહાસન પર વિરાજિત થવું ગમે છે. ક્રોધ એ બુદ્ધિ અને વિવેકને તડીપાર કરે એ પહેલાં એ બન્ને જ દિમાગમાંથી ઉછાળા ભરી વિદાય થાય છે. ક્રોધને પ્રકાશ સાથે બારમો ચંદ્રમા છે. એ માણસના મનમાંથી સંયમની બત્તી બુઝાવીને પોતાની કપટ લીલા શરૂ કરે છે અને અંતે વિનાશ તરફ ધકેલી દે છે.
જેમ આપણે કોઈના ઘરમાં ભાડુઆત તરીકે રહેતા હોઈએ તો તે ઘર આપણું ટેમ્પરરી રહેણાક કહેવાય પણ આપણે તે ઘરના મકાનમાલિક તો નહિ જ ને. પણ ક્રોધ પહેલા તો મનનો `ટેમ્પરરી’ ભાડુઆત બને છે અને પછી ધીમે ધીમે મકાન માલિક બનવાનું શરૂ કરી દે છે અને વેર જન્માવે છે. ઉત્તમ મનુષ્યનો ક્રોધ ક્ષણભરનો હોય છે. મધ્યમ પ્રકારના માણસનો ક્રોધ બે ઘડીનો હોય છે. નીચ માણસનો ક્રોધ એક દિવસ અને રાતભરનો હોય છે, જ્યારે અતિ દુષ્ટ માણસનો ક્રોધ સમગ્ર જીવન સુધી ટકી રહે છે. એટલે રામનરેશ ત્રિપાઠીએ ઉચિત જ કહ્યું છે કે ક્રોધ તુમ્હારા પ્રબલ શત્રુ હૈ,બસા તુમ્હારે ઘર મેં, હો સકતે હો ઉસે જીતકર, વિજયી તુમ જગભર મેં.
તણાવસ્થામાં યુવક-યુવતીઓ જે કંઈ કરતા હોય તેમાં દખલગીરી કરવામાં આવે, તેમને રોકટોક કરવામાં આવે કે તેમની ઇચ્છાઓમાં અવરોધો નાખવામાં આવે તો તેઓ ક્રોધથી લાલચોળ થઈ જાય છે. મોટી ઉંમરની વ્યક્તિઓને પોતાની સામાજિક પ્રતિષ્ઠાની વધારે પડી હોય છે અને તેથી તેને આંચ આવે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. નાનાં બાળકો ચીસો પાડીને, લાતો મારીને, હાથપગ પછાડીને, તોડફોડ કે ધમાલ અને ધમપછાડા કરીને, પોતાનો ક્રોધ વ્યક્ત કરે છે અને આ ક્રોધને લીધે આકરાં પરિણામો ભોગવવાં પડે છે.
આપણ વાંચો: માનસ મંથન : જેઓ નિર્વાણને પોતાનું લક્ષ્ય સમજે છે, તેમણે શિવ આરાધના કરવી જોઈએ
ઘણી વાર ક્રોધનું સ્થાનાંતર થાય છે. કહેવત છે ને `પાડાના વાંકે પખાલીને ડામ’. તેવી રીતે ઑફિસના બોસ સામેનો ગુસ્સો પત્ની પર ઠલવાય, પત્ની આ ગુસ્સો છોકરાં પર ઠાલવે, છોકરાં તેમનો ગુસ્સો રમકડાં પર ઉતારે એવું બને છે.
સામાજિક દબાણોના કારણે મોટા ભાગની પુખ્ત વયની વ્યક્તિઓને ક્રોધ કે ગુસ્સાના આવેગનું દમન કરવાની ફરજ પડે છે. આ દમનની કિમત માણસે આડકતરી રીતે ચૂકવવી પડે છે જેમ કે, લોહીનું ઊંચું દબાણ, હાર્ટ એટેક, માનસિક તાણ, વગેરે. પછી દવામાં પૈસાનું પાણી.
રામાયણમાં વાલ્મીકિએ ક્રોધ વિજેતા વ્યક્તિની પ્રશંસા કરતાં કહ્યું છે તે માણસો ધન્યવાદને પાત્ર છે, જેઓ પોતાનામાં ઉત્પન્ન થયેલ ક્રોધને બુદ્ધિ દ્વારા એવી રીતે રોકી દે છે, જેવી રીતે સળગતા અગ્નિને પાણી દ્વારા બુઝાવી દેવામાં આવે છે. ક્રોધનું જન્મસ્થાન અજ્ઞાન છે અને અહંકાર તેને દુગ્ધપાન કરાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધ પર વિજય મેળવવા માટેનો ખૂબ જ સુંદર માર્ગ આપ્યો છે. જેને વાંગ્મય તપ કહે છે અર્થાત વાણીનું તપ. જે ક્રોધ પર વિજય મેળવવા માટે ખૂબ જ સહાયક છે.