ગીતા મહિમાઃ સ્વાધ્યાય તપ છે

- સારંગપ્રીત
ગત અંકમાં મૃદુ વાણીને તપની ઉપમા આપીને હવે ભગવાન કૃષ્ણ સ્વાધ્યાયને પણ તપ સમાન ગણાવે છે તેને સમજીએ.
‘તપ’ એ શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે, જેનો અર્થ છે તપસ્યા, સહનશીલતા, સઘન યત્ન અથવા આત્મસંયમ દ્વારા ઉચ્ચ ધ્યેય માટેનું અનુશાસિત જીવન. તપ એ માત્ર શરીરને કષ્ટ આપવા સુધી સીમિત નથી, પણ આંતરિક શાંતિ માટે, આત્માવિકાસ માટે અને ઋણાંજલિભાવથી ઊંચા જીવનમૂલ્યને પામવા માટેનું નિયમિત જીવનસાધન છે. ભગવદ્ ગીતા, ઉપનિષદો અને ભારતીય પરંપરા દ્વારા તપસ્વી એવા માનવને કહેવાય છે જે પોતાના ધ્યેય માટે નિયત અને ઉત્તમ માર્ગે સતત પ્રયત્નશીલ રહે છે, પોતાની ઇન્દ્રિયોને અને મનને નિયંત્રિત કરે છે અને જીવનને ઉદ્દાત ધ્યેય માટે સમર્પિત કરે છે.
આ દૃષ્ટિએ અધ્યયન, અભ્યાસ, ભણવું કે સ્વાધ્યાય પણ તપ કહેવાશે. સ્વાધ્યાય એટલે માત્ર લૌકિક અધ્યયન નહીં, પણ શ્રેય અને પ્રેય બંને માર્ગે આગળ વધવાનો માર્ગ છે. એ જ્ઞાનપ્રાપ્તિની યાત્રા છે, જેમાં વ્યક્તિ પોતાના વિચારો, વર્તન અને જીવનદૃષ્ટિને ઊંડાણપૂર્વક માણે છે, જ્યારે શિક્ષાર્થી પોતાના જીવનનાં શ્રેષ્ઠ વર્ષો શિક્ષણ માટે સમર્પિત કરે છે, કલાકો સુધી મન એકાગ્ર રાખી અભ્યાસ કરે છે, ત્યારે એ અભ્યાસ હવે માત્ર વિદ્યા પ્રાપ્ત કરવાનો સાધન નહિ રહે તે તપ બની જાય છે.
સિવિલ સર્વિસ જેવી પ્રતિષ્ઠિત અને અતિસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરનાર વિદ્યાર્થીઓના જીવનમાં સ્વાધ્યાય તો એક ઊંડી તપસ્યા બની જાય છે. આ પરીક્ષાઓ માત્ર જ્ઞાનનો પરિચય જ માગતી નથી, પણ પ્રબળ આત્મવિશ્વાસ, નિરંતર દૃઢતા અને સંઘર્ષ સહન કરવાની ક્ષમતા પણ માગે છે. આવા વિદ્યાર્થીઓ રોજના 10-12 કલાક વાંચન, લેખન અને ચિંતનમાં વિતાવે છે. વિષયોની ઊંડાણપૂર્વક સમજ, સમાજશાસ્ત્ર, રાજકારણ, અર્થતંત્ર, નૈતિકતા જેવી દિશાઓમાં વિશ્ર્લેષણાત્મક વિચારશક્તિ વિકસાવવી પડે છે. માતા-પિતા, મિત્રમંડળ અને ભૌતિક સુખવિલાસથી દૂર રહી, લાંબા સમય સુધી આત્મલક્ષિત જિંદગી જીવવી પડે છે અને એ જીવનશૈલી ખરેખર એક તપસ્વી જ અપનાવી શકે.
આવા વિદ્યાર્થીઓએ પોતાના યુગની મર્યાદાઓને ઓળંગવી પડે છે, જ્યારે અન્ય યુવકો મનોરંજનમાં સમય વિતાવે છે, ત્યારે આ પરીક્ષાર્થી રાત્રિના વિરામનો ત્યાગ કરીને પણ પુસ્તકો સાથે સંવાદ કરે છે. એને માટે રંગરાગ કે મોજશોખ નહીં, માત્ર લક્ષ્ય જ જીવન બને છે. દરેક દિવસ એક સાધનાના દિન સમાન હોય છે જ્યાં ઊઠવાનું, ભણવાનું, ફરી પાછું પુનરાવર્તન કરવાનું, લખાણ કરવાનું અને ફરીથી પોતાને સાવચેતીપૂર્વક મૂલવવાનું એ બધું તેની જીવનપદ્ધતિ બની જાય છે. આ ઉગ્ર શિસ્ત અને આત્મસંયમ એ જ સ્વાધ્યાયને તપના સ્તરે પહોંચાડે છે.
વિશેષ વાત એ છે કે આવા વિદ્યાર્થી માટે કોઈ દબાણ, દંડ કે ઉપદેશ નથી તેમને માત્ર પોતાનું ધ્યેય અને પોતાની અંતરાત્માની પ્રેરણા છે. આ આત્મપ્રેરિત અભ્યાસ એ જ ખરેખર તપ છે, જ્યાં ન કોઈ ઉપસ્થિત શિક્ષક હોય, ન કોઈ ડેડલાઈન પણ છતાં વ્યક્તિ પોતાના ઊંડાણમાં જઈને સતત શ્રેષ્ઠતા તરફ આગળ વધે છે. એવી તપશ્ર્ચર્યા વિના જ્ઞાનમાં ઊંડાણ આવતું નથી અને જીવનમાં ઊંચાઈ પણ નહીં મળે.
સ્વાધ્યાયના તપનું વિસ્તાર અન્ય ક્ષેત્રો સુધી પણ ફેલાયેલું છે સંગીતકારો રાગના અનેક વર્ષો સુધી અભ્યાસ કરે છે, શાસ્ત્રજ્ઞો વિદ્વતામાં ઊંડાણ લાવે છે, કે લેખકો પોતાની લેખનકળા માટે સતત અનુસંધાન કરે છે. બધા ક્ષેત્રોમાં જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે કાયમી તપના પરિણામરૂપ છે. એ તપમાં સતત પ્રયત્ન, આત્મવિશ્ર્લેષણ અને જીવન ઘડતર કરે તેવા ભણતરનું સંકલન હોય છે.
આથી, સ્પષ્ટ છે કે સ્વાધ્યાય એ તપ છે તે વ્યક્તિના આંતરિક વિકાસ માટે સાધન છે, જે માત્ર ભૌતિક સફળતાનું નહીં, પણ આધ્યાત્મિક ઊંચાઈનું પણ દ્વાર છે, જે વ્યક્તિ આ તપના માર્ગે ગમન કરે છે, તે માત્ર પોતાના સપનાઓને સાકાર કરતો નથી, પણ સમાજ માટે એક નવો આદર્શ સર્જે છે. નવી પેઢી માટે આ ઉદાહરણ સમાન જીવનજીવી જવો એજ તો સાચી અભ્યાસ તપસ્યા છે.
મહંતસ્વામી મહારાજ કહે છે કે ભણવું તપ છે, એ સાચું! પણ તે જયારે ભગવાનને રાજી કરવા માટે થાય ત્યારે ભણવું તે ભક્તિ પણ બની જાય છે, કારણ કે તે લોકને બતાવવા માટે નથી થતું, એટલે એમાં શ્રમ, શાંતિ, શિસ્ત અને આત્માનુશાસન આપ મેળે આવે છે, જે રીતે કોઈ યોગી તપથી ઉત્કર્ષના શિખરે પહોંચે છે, એ જ રીતે એક વિદ્યાર્થી પણ ભણતર દ્વારા લૌકિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ સુધી પહોંચી શકે છે.
આપણ વાંચો: અલૌકિક દર્શનઃ પ્રાણાયામના અભ્યાસથી મગજની ને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે