ધર્મતેજ

ગીતા મહિમાઃ આત્મનિયંત્રણ

  • સારંગપ્રીત

ગત અંકમાં મનની પ્રસન્નતાને માનસિક તપ બતાવીને હવે ભગવાન કૃષ્ણ આત્મનિયંત્રણને મનનું તપ કહી સંબોધે છે, તે સમજીએ.

આપણું મન સતત બદલાતી ઇચ્છાઓનો ભંડાર છે. ક્ષણે ક્ષણે મન કંઈક નવી ઇચ્છાઓ માંગે છે ખાવાની, બોલવાની, ખર્ચવાની, જવાબ આપવાની પણ દરેક વખતે દરેક ઇચ્છાને સંતોષ આપવો એ જ્ઞાનીની નિશાની નથી. આજના સમયમાં જ્યારે તાકાત કરતાં પણ વધુ ભાવનાઓ હાવી થઈ રહી છે, ત્યારે તેના નિયંત્રણ માટે બહારથી નહીં પણ અંદરથી નિયંત્રણની જરૂર છે. હા, આ પોતાનું નિયંત્રણ એટલે કે આત્મનિયંત્રણ!

એટલે જ તો સ્વામી વિવેકાનંદજીએ પણ કહ્યું, મનુષ્યની સફળતા એમાં નથી કે તે શું મેળવી શકે છે, પરંતુ એમાં છે કે તે પોતાના પર કેટલો કાબૂ મેળવી શકે છે.

આત્મનિયંત્રણ એટલે કે પોતાની ભાવનાઓ, ઇચ્છાઓ અને ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાની ક્ષમતા. આજના યુગમાં અહીં જ માણસ વિફળ થતો જાય છે ટૂંકા ગાળાની ઇચ્છાઓ માટે લાંબા ગાળાની સફળતા કે શાંતિનો ત્યાગ કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી પાસે આત્મનિયંત્રણ ન હોય તો તે મોબાઇલ કે મનોરંજનમાં વ્યસ્ત રહીને અભ્યાસથી દૂરસ્થ રહી જાય છે. આત્મનિયંત્રણના અભાવે તે પોતાની હાનિકારક વિચારસરણીને ‘હા’ અને લાભદાયક સંકલ્પોને ‘ના’ કહે છે.

આપણાં ભારતીય શાસ્ત્રોમાં આત્મનિયંત્રણને આધ્યાત્મિક ઊંચાઈની શરૂઆત માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે: આત્મસંયમ યુક્ત મનુષ્યને સુખ, શાંતિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. આવું આત્મનિયંત્રણ માત્ર ધર્મના ક્ષેત્રમાં નહીં, પણ વ્યવસાય, શિક્ષણ અને વ્યક્તિગત સંબંધો માટે અત્યંત જરૂરી છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

નિયમિત ખોરાક, ઊંઘ અને વ્યાયામની ટેવ આત્મનિયંત્રણથી જ વિકસે છે. જેથી કરીને વધુ ખાવા, અયોગ્ય જીવનશૈલી કે નુકસાનકારક વ્યસનોમાંથી બચી શકાય. જેમ કોઈને મીઠાઈ ખૂબ ગમતી હોય, પણ તેને ડાયાબિટીસ છે. હવે જો એ પોતાને નિયંત્રિત કરે અને યોગ્ય ખોરાક લે, નિયમિત ચાલે, તો તેની તબિયત સારી રહેશે. સંયમ વગર તે બીમાર પડી શકે છે. આમ, આત્મનિયંત્રણ એટલે શરીર સાથે સાચી મિત્રતા !

જે વ્યક્તિએ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ મેળવ્યું હોય, તો તે ગુસ્સો, ઈર્ષ્યા કે વચનથી કોઈને દુ:ખ આપવાનું ટાળે છે. પરિણામે સંબંધો વધુ મજબૂત અને શાંતિપૂર્ણ બને છે. ઘણી વખત એવું બને છે કે કોઈ નજીકની વ્યક્તિ અપમાનજનક વાત કહે. જો એ વખતે ગુસ્સાથી જવાબ આપીએ તો સંબંધ બગડી જાય, પણ જો આપણે શાંત રહી વિચારીએ, તો એકબીજાને સમજી શકાય અને સંબંધ બચી જાય. આત્મનિયંત્રણ સંબંધોને બગાડવા નહીં દે.

વ્યવસાયના ક્ષેત્રમાં પણ જો માણસ સંયમ રાખી લે ઉદાહરણ તરીકે બિઝનેસ મીટિંગમાં કોઈને ગુસ્સામાં જવાબ ન આપે, અથવા તો ખર્ચમાં પોતાને રોકી શકે તો લાંબા ગાળે એને વધુ લાભ મળી શકે છે. ફિજૂલખર્ચ અને વણજરૂરી વહીવટ પર સંયમ રાખવાથી વ્યક્તિ સારી રીતે બચત અને આયોજન કરી શકે છે, જે આર્થિક રીતે સ્થિર જીવન તરફ દોરી જાય છે.

આત્મનિયંત્રણથી તન-મન પર નિયંત્રણ મળે છે, જેના કારણે વ્યક્તિ આંતરિક રીતે શાંત, સ્થિર અને પ્રસન્ન રહે છે. ધીરજ અને સંયમ આત્મનિયંત્રણથી જ આવે છે. આવી સંયમ ધરાવતી વ્યક્તિ સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ રાખીને યોગ્ય વિચાર કરવો એ સફળતાનું મોટું પગથિયું છે. ચાણક્યના શબ્દોને આ સંદર્ભમાં વિચારીએ-જેની પાસે ઇન્દ્રિય સંયમ છે, તેની પાસે રાજસત્તા અને ધનનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ હોય છે.

આખરે આત્મનિયંત્રણ કોઈ દબાણ નથી, પણ તે તો માનસિક મુક્તિ છે. જેમ જેમ માણસ પોતાને નિયંત્રિત કરવાનું શીખે છે, તેમ તેમ બહારની પરિસ્થિતિઓ પણ એને બંધન નથી કરતી. સંયમ એ માત્ર વિચાર નહિ, પણ સંસ્કાર છે. મહંતસ્વામી મહારાજ કહે છે કે આત્મનિયંત્રણ એ જીવનનું મૂલ્યવાન સાધન છે, જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. એ વિકાસનું બીજ છે. જે માણસ પોતાના મનને જીતે છે, એ આખી દુનિયાને જીતે છે.

મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, એ.પી.જે.અબદુલ કલામ બધાએ આત્મનિયંત્રણને જીવનનો મૂળમંત્ર બનાવ્યો. જેમણે આત્મનિયંત્રણથી પોતાનું જીવન ઘડ્યું, જગમાં તેઓ ઉત્તમ દાખલો બેસાડી ગયા. લોકો આજે પણ તેમને અનુસરે છે.

આજના ઝડપી યુગમાં, જ્યાં પ્રાય: વ્યક્તિને મનને આધિન થઈ સુવિધાની દોડમાં સામેલ થવું છે, ત્યાં સફળતાની સાચી ચાવી એ આત્મનિયંત્રણ જ છે.

આપણ વાંચો:  ચિંતનઃ લોભ-નરકનું એક દ્વાર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button