ગીતા મહિમાઃ અહિંસા મોટું તપ

- સારંગપ્રીત
ગત અંકમાં વિધિવિધાનોની પ્રાસંગિકતા બતાવીને હવે કૃષ્ણ ભગવાન વિવિધ તપની ચર્ચા કરે છે. તેમાં શારીરિક તપમાં પ્રથમ અહિંસામય તપને સમજીએ.
એક સમય હતો જ્યારે ભારતનાં ઘરોમાં અને ગુરુકુળોમાં ‘અહિંસા પરમો ધર્મ’ ‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ’ જેવાં સૂત્રોનું ઉચ્ચારણ અને આચરણ થતું હતું. અને આજનો સમય છે જ્યાં ‘રીક્ષાચાલકે 30 રૂપિયા લેવા માટે પેસેન્જરની કરી હત્યા.’ ‘પ્રેમી સાથે મળીને પતિની કરી હિંસા.’ ‘પાંચ લોકોએ મળી 19 વર્ષના યુવકને ચાકુના ઘા મારીને કરી હત્યા.’
આવી કેટલીક હેડલાઈનના નોટીફિકેશન્સથી મોબાઈલનું સ્ટોરેજ અને ન્યૂઝપેપરનાં પાનાં ઊભરાય છે. હા, આજે મારામારી, મર્ડર, હત્યા, હિંસા જેવા શબ્દો સાંભળવા અને તે દૃશ્યો જોવા બહુ જ સહેલાં થતાં જાય છે.
હત્યા, હિંસા કે મર્ડરની નોટીફિકેશન જોઈને, કે આવી ઘટનાઓ વિષે સાંભળીને મન વિચાર કરવા લાગે છે કે હિંસા, ઘૃણા અને વૈર જ વિશ્વમાં અશાંતિનું મૂળ કારણ છે. શાંતિપૂર્ણ અને સમરસ સમાજ બનાવવા માટે અહિંસા અત્યંત જરૂરી છે. પણ હિંસાનું કારણ બહાર સર્જાતા ઝઘડા, ઝપાઝપી કે પરિસ્થિતિ નથી પરંતુ અંદરથી ઓછી થતી અહિંસાની ભાવના અને વધતી જતી હિંસાની ભાવના છે.
આપણાં શાસ્ત્રો પોકારીને કહેતાં હતાં- अहिंसा परमो धर्मः तथाहिंसा परो दमः|
અર્થાત્ અહિંસા એ પરમ ધર્મ, પરમ સંયમ, પરમ દાન, પરમ તપ, પરમ યજ્ઞ, પરમ ફળ, પરમ મિત્ર અને પરમ સુખ છે. આપણી અહિંસા કેવળ માનવોને ન મારવા સુધી સીમિત નથી પણ પશુ, પંખી કે જીવજંતુ સુધી પણ વિસ્તરી છે.
એટલે જ આધુનિક આચાર સંહિતામાં કહેવાયું છે કે, ક્યારેય મનુષ્ય પશુ પક્ષી તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુની હિંસા ન કરવી. વિશ્વના લાખોથી વધુ જનસમાજને સદાચારના માર્ગે દોરનાર પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘જે માખી મારે તે માણસ પણ મારે.’
ભારતમાં કુખ્યાત થયેલ ડાકુ સોહનસિંહે તેથી 37 વર્ષની ઉંમર સુધીમાં 108 ખૂન કરેલાં. પરંતુ આ હિંસાના હિમાલયની ટોચ પર પહોંચવાની યાત્રાનો આરંભ કોઈ મનુષ્યથી નહીં પરંતુ કીડી મકોડા મારવાની કેડીથી જ થયેલો. પછી આઠ વર્ષની ઉંમરે તો ગલૂડિયાં મારતો અને બાર વર્ષની ઉંમરે પ્રથમ ખૂન કરી હાથોને રક્તરંજિત કરેલા.
આમ, આજે બાળકને બીજાં બાળકને લાફો મારીને શૂરવીરતા શીખવતાં અથવા તો પશુને કે જીવજંતુને લાત મારવાનું જોઈને મનોમન પ્રસન્ન થતાં વાલીઓએ યાદ રાખવું પડશે કે આજે જીવજંતુને લાત મારતા સંકોચ ન અનુભવનાર સંતાન ભવિષ્યમાં મિત્ર કે માતા-પિતાને લાતો મારતા નહીં જ સંકોચાય.
માછીમારે મારેલી માછલીઓને સજીવન કરી બાલ્યાવસ્થામાંથી જ વિશ્વને અહિંસાનો બોધ આપનાર ભગવાન સ્વામિનારાયણ હોય કે અહિંસાનો ઉપદેશ આપીને અનેકને ‘અહિંસા એ જ પરમ તપ છે’ એવું સૂત્ર આપનાર ભગવાન મહાવીર હોય સૌએ ભારતભૂમિને અહિંસાથી સશક્ત કરી છે.
હા, અહિંસા એ શક્તિ છે આ વાતને મહાત્મા ગાંધીજી સહિત અનેક મહાન આગેવાનોએ પણ વિશ્વ સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે. અહિંસક વ્યક્તિત્વમાં સત્ય અને નૈતિકતાનો મજબૂત આધાર હોય છે. અહિંસક પદ્ધતિ દ્વારા સંઘર્ષ કરતી વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ અને ધૈર્ય જન્મે છે, જે દુશ્મનને પણ માત આપી શકે છે.
પરંતુ મહાત્મા ગાંધી સહિત કેટલાયને આ અહિંસાનો પાઠ શીખવનાર અધ્યાપક હતા આપણી સંસ્કૃતિના અનેક મહાન સંતો. બોચાસણ મંદિરની ગૌશાળા પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ હતો. જેમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા હતા. એક છોડનો રોપો તેઓને આપવામાં આવ્યો.
તેના પૂજન બાદ છોડને ગર્તમાં રોપવા ગયા ત્યાં જ તેઓની નજર ખાડામાં ફરતા મકોડા પર પડી. તે જોઈને તેઓ બોલ્યા, ‘મકોડાભાઈ, બહાર નીકળો, નહીં તો પાછા દબાઈ જશો.’ આમ કહી હળવેથી મંકોડાને પોતાની કોમળ હથેળીમાં લઈ બહાર મૂકી દીધો. પછી જ છોડ રોપીને માટી પૂરી પાણી સિંચ્યું.
આ ભાવના અગત્યની છે. આ જ સંત ભાવના છે. અહિંસાનું વાતાવરણ તૈયાર કરવા આ ભાવનાની જરૂર છે. આમ, આપણી સનાતન સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિના સંરક્ષક સંતોની જીવદયાનું વર્તુળ વસુધૈવ કટુંબકમ્ સુધી વિસ્તર્યુ છે. આમ, વ્યક્તિગત જીવનથી લઈ સમગ્ર સમાજ અને વિશ્વના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આધારશીલ તત્ત્વ અહિંસા છે.
આજના આ યુગમાં તો અહિંસા જ શાંતિનો પથ છે. ચાલો, આપને પણ ગીતા કથિત આ અહિંસામય તપનું આચરણ કરીને એક પ્રેમલ વિશ્વનું નિર્માણ કરીએ. આપણા સંપર્કમાં આવનારને પણ અહિંસાના મૂલ્યની પ્રેરણા આપીને સનાતન સંસ્કૃતિના મૂલ્યોનું સંરક્ષણ કરીએ.
આપણ વાંચો: માનસ મંથનઃ સહજ સંકોચ ને લજ્જા મા ચામુંડાનું રૂપ છે… નવરાત્રી આવી સમજ સાથે ઉજવીએ