ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!

-સારંગપ્રીત
ગત અંકમાં સોળમા અધ્યાયના સમાપન પછી હવે ભગવાન કૃષ્ણ સત્તરમા અધ્યાયનો આરંભ કરે કે. આ અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે.
હા, શ્રદ્ધા માનવ જીવનની એક અમૂલ્ય સંપત્તિ છે. જન્મથી માંડીને જીવનનાં અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે જ માનવ જીવનનું અસ્તિત્વ, રક્ષણ,પોષણ અને સંવર્ધન શક્ય છે. અબુધ અને અજ્ઞાની બાળક શ્રદ્ધાથી જ સ્તનપાન કરે છે, શ્રદ્ધાની સાથે પા પા પગલી કરતાં બાળક ચાલતા શીખે છે. એવી જ રીતે મોટા, બુદ્ધિશાળી કે જ્ઞાની વ્યક્તિ પણ ‘આ દવા લેવાથી રોગ મટશે’ એ શ્રદ્ધાથી જ દવા લે છે. ભોજનથી ભુખ ભાંગશે એ શ્રદ્ધાથી જ ભોજન લે છે. આ બસમાં બેસવાથી અમદાવાદ જવાશે એ શ્રદ્ધાથી જ બસમાં બેસે છે. આ કોલેજમાં દાખલ થવાથી ડૉક્ટર બનાશે એ શ્રદ્ધા સાથે કોલેજમાં દાખલ થાય છે. ટૂંકમાં, મનુષ્યજીવનની પ્રત્યેક ક્ષણ કેવળ તર્ક કે શંકાથી નહિ પણ, શ્રદ્ધાથી જ વ્યતીત થાય છે.
એટલે જ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, શ્રદ્ધા અધ્યાત્મનું અનિવાર્ય પ્રાથમિક તત્ત્વ છે.
પરંતુ લૌકિક ક્ષેત્રમાં પણ શ્રદ્ધા વગર પ્રગતિ શક્ય નથી.
સન 1903માં અમેરિકાના બે ભાઈઓ રાઈટ બ્રધર્સ આ વિદ્યા મેળવવા મથવા લાગ્યા. ‘પક્ષીઓની જેમ આપણે પણ હવામાં કેમ ન ઊડી શકીએ?’ એ વિચાર સાથે તેમણે પક્ષીઓની શરીર રચના જેવા જ વાયુયાન બનાવવાના પ્રયત્નો શરૂ કર્યાં. પરંતુ હવામાં ઊડવું કાઈ સહેલું છે? તેઓના અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા. પોતે બનાવેલ પ્લેન થોડી વારમાં જ નીચે પડી જતું, તૂટી જતું ને ભારે નુકસાન થતું.
ક્યારેય તો તેમને શારીરિક ઈજા પણ થતી. આ બધું જોવાવાળા લોકોને તો આ નાટક જેવું લાગતું. બધા રાઇટ બ્રધર્સને કહેતા, હવામાં ઉડવાનું રહેવાં દો. ભગવાને બે પગ આપ્યાં છે, તો જમીન પર વ્યવસ્થિત ચાલો ને છતાં આ બે ભાઈઓએ શ્રદ્ધા ન ગુમાવી ને આખરે તેમણે અમેરિકાનાં નોર્થ કેરોલિનાના દરિયા કિનારે એક મિનિટના ચાર સફળ ઉડ્ડયન કર્યાં. પ્રયોગ જોવા આવેલ રાઇટ બ્રધર્સના મિત્રો જ નહિ, આખી દુનિયાએ આ બંને ભાઈઓની શ્રદ્ધાના વખાણ કર્યાં. એટલે જ કહેવાય છે ને, કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય, વણ તૂટેલ તાંતણે, ઉપર ચઢવાં ધાય..
આ પણ વાંચો…ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા
આમ શ્રદ્ધા આપણું મનોબળ વધારવાનું કામ કરે છે અને જીવનની નિશ્ચિત દિશા પ્રદાન
કરે છે. શ્રદ્ધાવાન મનુષ્ય જીવનની અસ્વસ્થતામાં પણ શાંતિ અને સંતોષ અનુભવે છે. અધ્યાત્મ માર્ગમાં તો શ્રદ્ધા અપરિહાર્ય છે. શ્રદ્ધાવાન વ્યક્તિ દેહની અસ્વસ્થતાઓથી પર રહે છે અને આત્માની શાંતિમાં સ્થિર રહે છે. જેનું સર્વોત્તમ ઉદાહરણ છે મીરાબાઈ! મીરાબાઈના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવી. તેમના સત્સંગ અને ભક્તિમય જીવનથી લોકોને ઈર્ષ્યા થતી. અરે! રોજ અપમાન અને અત્યાચાર! અંતે તો દ્વેશીઓએ ઝેરનો પ્યાલો મોકલાવ્યો. આટલું દુ:ખ સહન કરવાં છતાં પણ એમના એક પણ કીર્તનમાં કોઈ પણ પ્રકારનું દુ:ખ નહોતું છલકતું.
તેમને તો ભગવાનની ભક્તિમાં અતૂટ શ્રદ્ધા હતી. ભગવાનના સુખે દુ:ખના દાવાનળમાં પણ અંતરે સુખી હતા. તેથી જ તો તેમણે ગાયું-ખર્ચ ન ખૂટે, ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો;પાયોજી મૈને રામ રતન વર પાયો. આવી કપરી પરિસ્થિતિમાં પણ એ ભગવાનના ગુણગાન આટલી સ્થિરતા સાથે ગાઈ શકે એ તેમની કૃષ્ણ ભગવાન પ્રત્યેની ભક્તિરૂપી શ્રદ્ધા જ હતી.
આમ, ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તેને કોઈ પણ પરિસ્થિતિ વિચલિત કરી શકતી નથી. શ્રદ્ધા વ્યક્તિને વિશ્વાસ અને નિર્ભયતા પ્રદાન કરે છે. આ વિશ્વાસ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. જેના ફળ સ્વરૂપ તમે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકો છો.
છાંદોગ્ય ઉપનિષદમાં ગૌતમ ઋષિએ સત્યકામ નામના શિષ્યને વર્ગના પહેલાં દિવસે કહ્યું, આશ્રમની 400 ગાયમાંથી 1000 ગાય થાય ત્યારે તું આશ્રમમાં પરત ફરજે. સત્યકામ ગુરુ પાસે બ્રહ્મવિદ્યા શીખવા આવ્યા હતા, પરંતુ ગુરુના આવા કઠણ આદેશમાં શ્રદ્ધા રાખી એ તો ગાયો લઈ નીકળી ગયા. ગુરુની આજ્ઞા પ્રમાણે એમણે શ્રદ્ધાથી ગાયોની સંભાળ લીધી. અને તેના ફળસ્વરૂપ જ્યારે 1000 ગાયો થઈ ગઈ ત્યારે બ્રહ્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું.
જ્યારે આપણે કોઈ ઉચ્ચ શક્તિ અથવા સિદ્ધાંત પર શ્રદ્ધા રાખીએ છીએ, ત્યારે જીવનની અનિશ્ર્ચિતતાઓ અને પડકારોનો સામનો કરવામાં સરળતા અનુભવીએ છીએ. મહંત સ્વામી મહારાજ કહે છે- શ્રદ્ધા એ વિશ્વાસનો બીજ છે, જે સફળતાના વૃક્ષમાં ફેરવાય છે. શ્રદ્ધા આપણા વિચારો, લાગણીઓ અને કાર્યમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવે છે.
આ પણ વાંચો…ગીતા મહિમાઃ લોભ પાપનું મૂળ…