ગીતા મહિમા: દયા કરો

- સારંગપ્રીત
ગત અંકમાં ધૃતિ'ને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ
દયા’ની છણાવટ કરી રહ્યા છે.
હિંદુ શાસ્ત્રોમાં દયાને ઊંચું સ્થાન અપાયું છે, કારણ કે તે માનવજીવનના આદર્શોને સ્થિર રાખવા અને જીવનમાં પરમશાંતિ લાવવા માટેનો પાયાનો ગુણ છે. આમ, દયાનો ગુણ મૂળભૂત સનાતન સિદ્ધાંતોમાં સ્થાન પામે છે અને તે માત્ર માનવજાતિ માટે જ નહીં, પરંતુ દરેક જીવમાત્ર માટે લાગુ પડે છે. આ ગુણ કેવળ એક માનસિક ભાવના નથી, પરંતુ જીવનની પ્રત્યેક ક્રિયામાં જીવવા જેવો એક આધ્યાત્મિક અભિગમ છે.
એટલે જ ગીતાના અધ્યાય-16માં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો.
ભારતીય સંસ્કૃતિમાં દયાની બારાખડી નાના બાળકને ગળથૂથી જ શિખવાડવામાં આવડતી હોય છે. હા, એકવાર જે `વસુધૈવ કુટુંબકમ’ શીખી ગયા પછી કોણ કોની સાથે નિર્દયતા રાખી શકે. એક ખૂબ જ પ્રખ્યાત વાર્તા છે – કબૂતર અને કીડીની ! કબૂતરે કીડીને તળાવમાં ડૂબતી જોઈ અને દયાના ભાવે એક પાંદડું બચાવવા ફેક્યું. કીડી તરતી થઈ અને દોસ્તીનું ઋણ ચૂકવવા કબૂતરને મારવા આવેલ શિકારીને પગમાં એવી તો કરડી કે શિકારી નિશાન ચૂક્યો, અને કબૂતર ઊડી ગયું. કીડીનો દયાનો ભાવ પ્રગટ કરતું આ કથાચિત્ર બહુ જ પ્રેરક છે.
અનેક પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ દયાના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતકાર સંતનું લક્ષણ વર્ણવતાં કહે છે : સંત દયાવાન અને કણાપૂર્ણ હોય છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં સંતનાં લક્ષણોમાં કૃપાલુતા એટલે કે દયાને સર્વ પ્રથમ ક્રમે મૂકે છે તો માતા દેવહુતિને બોધ આપતાં કપિલમુનિ પણ સંતનાં લક્ષણોમાં દયાને અગ્રતા ક્રમ આપે છે. તુલસીદાસજી રામ ચરિત માનસમાં કહે છે : સંત હૃદય નવનીત સમાના… પરદુખ દ્રવે સૌ સંત પુનીતા’
આમ સૌ શાસ્ત્રોનો સાર એટલો જ છે કે `જે વ્યક્તિ બીજા પર દયા કરે છે, તે સાચો ધર્મ નિભાવે છે.’ આ વિચાર આપણને એ સમજાવે છે કે દયા માત્ર એક ભાવનાત્મક ક્રિયા નથી, પરંતુ આ આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ.
આ પણ વાંચો…ગીતા મહિમા : તમે વિશિષ્ટ છો !
એક વાર એક વીંછી પાણીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો. આ એક સજ્જન સાધુએ જોયું અને તે વીંછીને મદદ કરતા હાથ લંબાવ્યો, અને તરત જ વીંછીએ ડંખ માર્યો, સાધુએ પાછો દયા સ્વભાવે મદદનો પ્રયત્ન કર્યો અને વીંછીએ પાછો ડંખ માર્યો, આમ તો ચાલ્યા રાખ્યું. આ જોતાં એક વ્યક્તિએ સાધુને કહ્યું કે `સાધુ મહારાજ! વીંછી ડંખ મારે છે છતાં કેમ એને કાઢવાનો પ્રયત્ન કરો છો?’ સાધુ મહારાજ કહે, જો વીંછી પણ પોતાનો સ્વભાવ નથી છોડતો તો હું મારો દયાનો ગુણ શા માટે છોડું?
દયા માત્ર પ્રાણીઓને બચાવવાનો અભિગમ નથી; તે જીવમાત્ર પ્રત્યે કણાભાવ પ્રદર્શિત કરવાની અંદરથી પ્રગટ થતી માનસિકતા છે.
શ્રીમદ્ આદિ શંકરાચાર્યજી લખે છે,
પર દુ:ખે જેનું માખણસમ હૈયું દયાથી પીગળી જાય છે તે સંત છે.
પ્રમુખસ્વામી મહારાજે કચ્છના ભૂકંપ પછી માનવસેવાનું વિશાળ કાર્ય કર્યું, દરેક પીડિતને સહાય આપી અને તેમને આશાવાદથી ભર્યા. તેમની સેવાઓથી અનેક જીવનોમાં સુધારો અને શાંતિ આવી. પીડિતોની ભોજનની ચિંતા, તેમના રહેવાની ચિંતા, તેમના અભ્યાસની ચિંતા, અરે! આટલા સમય બાદ તેમના નખ વધી ગયા હશે એ પણ ચિંતા સાથે તેમણે દરેક માટે રાહત સામગ્રીમાં નૈલકટર પણ મુકાવ્યા.
આ છે સંતની દયા ! વૃક્ષની જેમ કોઈ પણ સ્વાર્થ વિના, કેવળ પરોપકાર બુદ્ધિથી લોકોનું હિત ઇચ્છવું ! જ્યારે વરસાદ વરસે છે, ત્યારે તે માત્ર પૃથ્વી પર તાજગી અને હરિયાળી લાવતું નથી, પરંતુ તે માનવ હૃદયમાં પણ મૃદુલતા અને સહાનુભૂતિની લાગણી પ્રગટાવે છે. તેમ દયાની શૃંખલા સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને એક સુંદર આત્મીય સ્થાન બનાવે છે જ્યાં રહેનાર દરેક પ્રેમ અને ઉષ્માનો અનુભવ કરી શકે છે. આધુનિક યુગમાં જ્યારે ભૌતિકતાની પ્રબળતા છે અને માનવની લાગણીઓ પૈસાથી તોળાય છે ત્યારે દયાના પ્રભાવને વધુ ઊંડે સમજવાની જરૂર છે. મહંત સ્વામી મહારાજ પણ કહે છે, “દયા એ તાકાત છે, કમજોરી નહીં. જોકે આજના યુગમાં પણ યજ્ઞ, અન્નદાન, ગૌસેવા, જલસેવા, મફત ચિકિત્સા સેવા વગેરે ધર્મકર્મ પણ દયાનાં પ્રતીકરૂપે ગતિમાન છે.
હા, અંતે એટલું કહેવાનું કે દયા એ માનવ જીવનમાં શ્રેષ્ઠતમ ગુણ છે, જે વ્યક્તિને બીજા માટે કૃતકૃત્ય બનવા અને અંતમાં પરમ તત્ત્વ સાથે એકરૂપ થવા માટે માર્ગ પ્રશસ્ત કરે છે.
આ પણ વાંચો…ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી