ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા

- સારંગપ્રીત
ગત અંકમાં લોભની વિભીષિકા વર્ણવીને હવે ભગવાન કૃષ્ણ શાસ્ત્રોનો મહિમા કહીને સોળમાં અધ્યાયનું સમાપન કરે છે.
ગીતા કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે તે સુખી થાય છે અને તેથી વિરુદ્ધ આચરણ કરે તે નરકગામી થાય છે. હિંદુ ધર્મમાં શાસ્ત્રોનો આટલો મહિમા શા માટે છે? હા, જે આપણી પર શાસન કરે, આપણને દિશાદર્શન કરે, આપણું રક્ષણ કરે તેનું નામ છે શાસ્ત્ર. શાસ્ત્રો ફક્ત ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનનો સ્ત્રોત નથી પણ સમાજના પાયાને પણ મજબૂત બનાવે છે.
શાસ્ત્રોમાં સમાયેલ જ્ઞાન આપણને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. સામાજિક અને નૈતિક જીવનની દિશા સ્પષ્ટ કરે છે અને જીવનનો હેતુ સમજવામાં મદદ કરે છે. શાસ્ત્રોનો હેતુ ફક્ત ધાર્મિક માન્યતાઓ જાળવવાનો નથી, પરંતુ તે આપણને જીવન જીવવાની સર્વોચ્ચ અને આદર્શ રીત પણ શીખવે છે.
માનવજીવનની બધી જ ભાવનાઓને વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત, વધુ ઊંડી અને વધુ ઉન્નત બનાવવા શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડતાં રહ્યાં છે. તે સિદ્ધાંતોને અનુકૂળ વિધિ-વિધાનો પ્રેરતાં રહ્યાં છે. તેને પ્રતિકૂળ લાગે તેનો નિષેધ પણ કરતાં રહ્યાં છે. અને આ બધાને અનુસરવા માટેના ઉપાયોનું સુંદર નિરૂપણ કરી અનુશાસિત કરતાં રહ્યાં છે.
સંસ્કૃત ભાષામાં એક સુભાષિતમાં કહેવાયું છે કે શાસ્ત્ર સર્વસંશયોનો ઉચ્છેદ કરે છે, પરોક્ષ લાગતા સિદ્ધાંતોને પ્રત્યક્ષ કરી આપે છે, શાસ્ત્ર જ માનવીનું સાચું નેત્ર છે. તેથી જેને શાસ્ત્રનો સંબંધ નથી તે ખરેખર આંધળો જ છે.
ગાંધીજીએ શ્રીમદ્ ભગવદ્ગીતા વિષે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું, ‘મને જન્મ આપનારી માતા તો અત્યારે મૃત્યુ પામી, પરંતુ સંકટના સમયે આ ગીતારૂપી માતા પાસે જવાનું શીખી ગયો. હું તો ચાહું છું કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં, પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવામાં આવે.’
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં વાત કરી છે કે જો વેદ, બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ, ભગવદ્ગીતા, વાસુદેવમાહાત્મ્ય, વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે અને એકાંતિક ધર્મનો ઉદય થાય.
નિસ્સંદેહ, જ્ઞાનનાં મૂળ સ્રોત આપણાં પ્રાચીન શાસ્ત્રો છે. તેઓ આપણને ધર્મ, સત્ય, અહિંસા અને શાંતિના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે અને તેથી જ મુમુક્ષુ આત્મ-સાક્ષાત્કાર અને પરમાત્મા સાથેના જોડાણના માર્ગ પર આગળ વધે છે. વ્યક્તિને તેનાં કર્તવ્યો, જવાબદારીઓ અને અધિકારો વિશેનું મૂળભૂત માર્ગદર્શન સહસ્ત્રો વર્ષોથી શાસ્ત્રો જ કરાવતા રહ્યાં છે.
ફક્ત મહાભારતની જ વાત કરીએ તો પણ મસ્તક નમ્રતાથી નમી જાય એવું છે. મહાભારતમાં 100,000થી વધુ શ્ર્લોકો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો મહાકાવ્ય બનાવે છે. તે માત્ર યુદ્ધની કથા નથી, પણ રાજનીતિ, નૈતિકતા, ભક્તિ અને જીવન જીવવાની કળાનો મહાન માર્ગદર્શન છે. ધર્મ, દર્શન, નીતિ, કળા અને વિજ્ઞાનથી યુક્ત આ ઐતિહાસિક શાસ્ત્ર માટે કહેવાયું છે કે ‘ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ’ એ ચાર પુરુષાર્થની બાબતમાં જે આ મહાભારતમાં ઉપદેશાયું છે તે જ સકળ જગતમાં દેખાય છે. અને જે અહીં નથી કહેવાયું તે ક્યાંય જોવામાં નથી આવતું.’
પરંતુ ભારતીય શાસ્ત્રોનું મૂળ પ્રયોજન તો મોક્ષની પ્રાપ્તિ છે. અને તે માટે શાસ્ત્રોમાં બ્રહ્મવિદ્યા જ આલેખાયેલી છે. મુંડક ઉપનિષદમાં ગુરુ અંગિરા શિષ્ય શૌનકને કહે છે કે, (મુંડક ઉપનિષદ: 1/2/ 13). આ વાક્ય બ્રહ્મવિદ્યાનું લક્ષણ બાંધે છે. જેના વડે અક્ષર અને પુરુષનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય.’ અહીં અક્ષર શબ્દથી અક્ષરબ્રહ્મ અને પુરુષ શબ્દથી પુરુષોત્તમ પરબ્રહ્મની વાત કરી છે. ફલિતાર્થ એ થયો કે પ્રત્યેક મુમુક્ષુને ભવનાં બંધનોમાંથી મુક્ત કરવા માટે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સ્વરૂપ, ગુણો તથા ઐશ્વર્ય વગેરેનું તાત્વિક નિરૂપણ કરવું એ જ સઘળાં ઉપનિષદોનું મુખ્ય લક્ષ્ય છે.
આમ, શાસ્ત્રોનો અભ્યાસ કરીને વ્યક્તિ પોતાના આત્માને શુદ્ધ કરીને ભગવાન સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરે છે. પરિણામે આત્મ-સાક્ષાત્કારના માર્ગ પર તે નિર્વિઘ્ન આગળ ધપે છે. ઈતિહાસ સાક્ષી છે કે હ્યુ-એન-ત્સાંગ, હેન્રી ડેવિડ થોરો, વોરન હેસ્ટિંગ્સ જેવા તો ઘણા વિદેશીઓએ અમસ્તું જ કે પછી કોઈ હેતુસર આપણા શાસ્ત્રોમાં ડોકિયું કર્યું ને તેને સમર્પિત થઈ ચૂક્યા હતા. એટલે જ મહંતસ્વામી મહારાજ કહે છે- શાસ્ત્રો જીવનમાં જ્ઞાન અને મૂલ્યોના પ્રકાશથી મનુષ્યને ધર્મ અને કર્મનો ઉપદેશ કરીને માનવને સુખ અને શાંતિ મેળવવાની દિશા દર્શાવે છે.
આપણ વાંચો: માનસ મંથનઃ જ્યાં સુધી દેશ પાસે રામકથા-કૃષ્ણકથા ને શિવકથા છે ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ સદાય ઉન્નત રહેશે