ધર્મતેજ

ગીતા મહિમાઃ વિધિ ને વિજ્ઞાન

સારંગપ્રીત

ગત અંકમાં વિધિ-વિધાનોમાં હેતુની શુદ્ધિ આવશ્યક કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વારા કથિત તે વિધિવિધાનોમાં વૈજ્ઞાનિકતાને સમજીએ.

ગીતામાં નિત્ય, નૈમિત્તિકાદિ કર્મોને અનિવાર્ય કહીને તેને ક્યારેય ન છોડવાની વાત કરી છે. પણ આવાં ‘ધાર્મિક કર્મો કે વિધિવિધાનની શી જરૂર ? વળી, 21મી સદીના માનવને લાખો-હજારો વર્ષ પૂર્વેના શાસ્ત્રીય કર્મોથી શું લાભ ? આજે તેની આવશ્યકતા, પ્રાસંગિકતા કેટલી?’ ચાલો, એવાં કંઈક સળવળતા સવાલોને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે ઉત્તર આપીએ.

એક સામાન્ય પ્રાથમિક વિધિ એટલે નમસ્કારથી આરંભ કરીએ. ‘આ હેન્ડસેકનાં (હસ્તધૂનન) સ્થાને હાથ જોડી ‘નમસ્તે’ કહેવાની વિધિથી શું લાભ?’ જેનાં જવાબમાં આજે વિજ્ઞાન કહે છે કે ‘બે હાથ જોડાતા હાથમાં એક્યુપ્રેશર થાય છે, જેને યોગવિજ્ઞાનમાં ‘અંજલિમુદ્રા’ કહે છે. જેથી સમગ્ર શરીરમાં પ્રાણશક્તિ પ્રવાહિત થાય છે.

આપણા મસ્તિષ્કમાં બે ન્યુરોલોજિકલ સિસ્ટમ છે એક “Amygdala'(અમીગડલા-જ્યાં લાગણી તથા બુદ્ધિ જન્મે છે અને જે વાતાવરણમાં સ્ટ્રેસને તપાસે છે.) તથા “Prefrontal cortex’ (પ્રોફ્રન્ટલ કોર્ટેક્શ જે સ્ટ્રેસ દૂર કરે છે)’ અન્યને નમસ્કાર કરતી વખતે સહજ લાગણી જન્મે છે ને માનસિક આનંદ પ્રાપ્ત થાય છે.

એટલે આ બન્ને ન્યુરોલોજિકલ સિસ્ટમ ‘નમસ્તે’ કરવાથી એક્ટિવેટ થાય છે. હજારો વર્ષ પૂર્વે ‘દ્વાપર યુગે’ થયેલ ‘મહાભારતગ્રંથમાં’ સ્થિત ‘ભગવદ્ગીતા’ માં કહેવાયુ છે કે ‘વિદ્યા પ્રાપ્તિ માટે સર્વપ્રથમ ગુરુને નમસ્કાર કરો.’ જેથી આ તમામ લાભ શૈશવથી જ મળે.

બીજો મુદ્દો છે -પ્રાર્થના અને સ્તુતિ! વેદોથી માંડીને તમામ શાસ્ત્રોમાં આ અગત્યનું વિધાન છે. ‘પ્રાર્થના શા માટે ?’ ઘણાં કહે છે ‘મદદ માટે લંબાવેલા એક હાથની કિંમત એ કાકલૂદી કરવા જોડાયેલા બે હાથથી વધુ હોય છે.’ આવી નાસ્તિકતા પણ આજે ખોટી પડી છે. કારણકે વિજ્ઞાને તેની સાબિતી આપી છે.

આજે વિશ્વનો ‘મહાસત્તા’ કહવાતો ‘અમેરિકા’ દેશ જ્યારે દર્દીને દવા આપે ત્યારે ડોક્ટર દ્વારા અવશ્ય પ્રિ-સ્ક્રિપ્સનમાં દવા બાદ એવું લખવામાં આવે છે કે ‘પ્રત્યેક અઠવાડિયે 2 કલાક સમાજસેવા કરવી ને રોજ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી.’

સાયન્સને આધુનિકતાથી ભરપૂર દેશો પણ જ્યારે ‘પ્રાર્થના’ અને ‘સોશ્યલ સેવા’ કરવા સૂચવે, જે આપણા ભારતદેશનું જ મહામૂલું બીજ છે. સર્વે ઉપનિષદોમાં પ્રથમ કહી શકો એવા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ને ‘પ્રાર્થના ઉપનિષદ’ કહેવું યોગ્ય છે.

કારણકે અખિલ ગ્રંથમાં 22 ટકાથી વધુ મંત્રોમાં પ્રાર્થના જ શોભે છે તો અધ્યાત્મગ્રંથ વચનામૃત ‘સેવા(સેલ્ફલેસ સર્વિસ)’ માટે કહે છે ‘(સેવાથી) અંત:કરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.’ એટલે કે ઈર્ષ્યા, માન, ક્રોધ આદિ.

અને તે અંગે વિશ્વવિખ્યાત ‘હાર્વર્ડ યુનિવર્સિટી’નાં સંશોધક ડેવિડ લૂઈસે કહ્યું કે ‘સેવાથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.’જે વાત સહજતાથી આપણે ધાર્મિક વિધિવિધાનોમાં વણી લીધી તે વિજ્ઞાન માટે આજે મહાન આવિષ્કાર છે.

ધર્મ વિષયક માન્યતા માટે જેઓ ‘પ્રશ્નાર્થ ચિહ્ન’ બતાવતાં હતા તેઓની મુખમુદ્રા પર આજે સતત ‘આશ્ર્ચર્યચિહ્ન’ જોવા મળે છે. તે દર્શાવે છે કે આ સનાતન ધાર્મિક વિધિવિધાનોની સમગ્ર વિશ્વને ખૂબ જ જરૂર છે. અને સનાતન સર્વ હિતકારી ધર્મ જો સર્વકલ્યાણ માટે હોય તો એના વિધિવિધાનો પણ સર્વમાનવોપયોગી કેમ ન હોય?!

‘પૂજા પાઠ શા માટે? અને એ પણ બ્રાહ્મમુહૂર્ત (વહેલી સવારે)માં જ કેમ?’ કારણકે ‘પૂજા વખતે કરવામાં આવતું ધ્યાન Harvard Medical School ના અભ્યાસ પ્રમાણે મગજના ‘પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ’ને મજબૂત બનાવે છે, જે માનસિક શાંતિ માટે જરૂરી છે. ત્યારે મંત્રો જપવાથી પલ્સ રેટ અને હાર્ટ રેટમાં સુધારો થાય છે.

સમૂહમાં મહાપૂજા, યજ્ઞ આદિ વિધિ સમયે જે ધૂમાડો થાય છે તે નુક્સાનકારક બેક્ટેરિયાને જીવાણુનો નાશ કરે છે ને પર્યાવરણ શુદ્ધ કરે છે.’ એક પૂજાવિધિ અનેકને લાભદાયી નીવડે છે અને સવારે જો આ પૂજાવિધિ કરવામાં આવે ત્યારે 41 ટકા ઓક્સિજન, 55 ટકા નાઈટ્રોજન ને માત્ર 4 ટકા કાર્બન ડાયોક્સાઈડ હોય છે.

બપોર ને રાત સુધીમાં તેનું પ્રમાણ વધીને 60 ટકા થઈ જાય છે ત્યારે ધ્યાન કે પ્રાણાયામ વખતે વાયુ લાભ તો ન જ કરે પરંતુ આયુષ્યનાશક પણ થઈ શકે તેથી પૂજા સવારે કરવામાં આવે છે જે સંપૂર્ણ વિજ્ઞાનસંમત છે. એટલે જ ગીતા કહે છે કે વિધિ રહિત કર્મ એ તામસ કર્મ જ બની રહે છે. કેમ કે આ શાસ્ત્રીય વિધિઓ કેવળ યાંત્રિક કાર્ય નથી પરંતુ વૈજ્ઞાનિક ઋષિઓનાં હજારો વર્ષોનાં અનુભવોનું સારરૂપ ઝરણું છે.

આ પણ વાંચો…ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button