ગીતા મહિમા : હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી

- સારંગપ્રીત
ગત અંકમાં અચપલતાને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ મૃદુતાને સમજાવી રહ્યા છે. ગીતાએ જાણે જીવપ્રાણીમાત્ર માટે કરુણાની ગંગા રેલાવી છે. આ ગુણ હૃદયની વિશાળતાને બતાવે છે.
હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી. દયાનું અખૂટ ઝરણું વહેવડાવનાર માણસ જ્યારે જ્યારે કોઈ દુખિયારાને જુએ છે ત્યારે તેનું હૃદય દ્રવી ઊઠે છે. પછી તે પોતાનું સર્વસ્વ લુંટાવીને પણ તેને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કરે છે.
દરિયાદિલ અને કરુણામય વ્યક્તિમાં કરુણાની, સહાનુભૂતિની અને નિષ્ઠાની વિશેષતાઓનો ભંડાર હોય છે. તેઓ પોતાના શીલ અને માનસિક શાંતિ દ્વારા સમાજમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. તે અન્ય લોકોના દુખ-દર્દ અને સમસ્યાઓને સાચી રીતે સમજે છે. અન્ય લોકોના સંજોગોને પોતાના દૃષ્ટિકોણથી નહીં, પણ તેમનાં પરિસ્થિતિઓને ધ્યાને રાખીને જુએ છે. આવા વ્યક્તિત્વથી જ સમતા, સહાનુભૂતિ અને સંવેદનશીલતા જેવા શબ્દોને વાચા ફૂટે છે.
આવા મહાપુરુષોનું જીવન નિ:સ્વાર્થભાવનું અખંડ ઝરણું હોય છે. તે પોતાના ફાયદા માટે નહીં, પરંતુ અન્ય લોકોના હિત માટે કાર્ય કરે છે. કોઈપણ પ્રતિકાર અથવા અપેક્ષા વિના મદદ કરવાનું તેના જીવનનો મૂળમંત્ર હોય છે. પોતાના શ્રમ, સમય અને સંપત્તિનો ઉપયોગ અન્ય લોકોની મદદ માટે કરીને તેઓ સમાજને સદા મદદરૂપ બને છે.
મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે દરિયાદિલ વ્યક્તિ ભેદભાવની દીવાલો તોડી શાંતિ અને એકતા લાવવા માટે કટિબદ્ધ હોય છે. તે સ્નેહપૂર્વક દરેકના દર્દ સાંભળે છે અને સમાજમાં સાર્થક પરિવર્તન લાવે છે. તેમના મીઠાં શબ્દો અને પ્રેરણાદાયક વર્તન અસહાયને આશાવાન બનાવે છે અને નબળાં લોકોને મજબૂત બનાવે છે.
તેઓની દયાળુતાની આચારપત્રિકા માત્ર સાબિત કરે છે કે માનવતાનું મૂલ્ય શિલ્પરૂપે ક્યાંય સુધી ઊંચું જઈ શકે છે. તેઓનાં જીવનમૂલ્યો દુનિયાને વધુ કરુણામય અને સુખદ બનાવવામાં પોતાનું યોગદાન આપવા બધાને પ્રેરિત કરે છે. પરંતુ જે સ્વાર્થી હોય એ જ અંગત સુખમાં રાચે છે, તે અન્યોને અડચરણરૂપ બનતાં અચકાતો નથી. સામાનું સુખ છીનવીને પણ તે પોતાનું સુખ પ્રાપ્ત કરવા મથે છે. તેનું સકુચિત હૃદય તેને ઉદાર થતાં રોકે છે.
સર્વ જનોમાં, સર્વ પ્રાણીઓમાં આપણને મંગલભવનું દર્શન થતું રહે છે, પરિણામે તેમનું સુખ તે આપણું સુખ તેમનું દુ:ખ તે આપણું દુ:ખ એવી ભાવના પેદા થાય છે. સંતોની આજીવન ભાવના હોય છે. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં કહે છે, ‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.’ હૃદય પ્રેમથી છલકાતું હોય ત્યારે માણસ સર્વોચ્ચ અનુભૂતિ કરે છે અને જે જે લોકો એના સંપર્કમાં આવે તે તે લોકોને પ્રેમ કરીને વશ કરી લે છે. પ્રેમનું બંધન એટલું મજબૂત હોય છે કે તે કદીય તૂટતું નથી.
એકવાર હૃદયનો પ્રેમ થઈ જાય એટલે સામા પાત્રની મર્યાદાઓ ક્યારેય નડતી નથી. સામું પાત્ર જેવું હોય તેવું સંપૂર્ણપણે સ્વીકારી લેવાની તૈયારી હોય ત્યારે પ્રેમ પાંગરતો રહે છે. હૃદયમાં સૌ માટે પ્રેમનું અમી ઝરણું ફૂટે ત્યારે દિલ દરિયાની શ્રેણીમાં આવે. આ હૈયાનાં અમૃતને વહાવતા મહાપુરુષો ક્યારેય કોઈના અહિતનો વિચાર નથી કરતા. એમના હૃદયના બધા જ રત્નોને તેઓ બીજા માટે ન્યોછાવર કરી દેતા હોય છે.
આપણ વાંચો: અલૌકિક દર્શન : અવતાર કામક્રોધાદિ આવેગને આધીન હોતો નથી
તા. 3/4/2005ના રોજ એક ભાઈ એના બાળકને લઈને સારંગપુર આવેલા. બાળકના શરીરે હોઝકીન્સ નામનું કેંસર હતું. એને કારણે આખા શરીરમાં ત્રણથી ચાર હજાર જેટલી નાની મોટી ગાંઠો ફૂટી નીકળેલી. પિતાને એમ કે મારા દીકરાને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળે તો સારું થાય. તેઓએ વ્યવસ્થાપકોને વાત કરી. પિતાએ વાત કરી કે ‘બાળકની સ્થિતિ જોતાં તેને સ્વામીશ્રીના રૂમમાં ન લઈ જવાય. એટલે અહીં તમે બાપાના પ્રસાદીનાં પુષ્પો લઈ આવો.’ વ્યવસ્થાપકોએ સ્વામીશ્રીને આ વાત કરી. સ્વામીશ્રી કહે, ‘તેને રૂમમાં લઈ આવો.’ ‘પરંતુ…’ વ્યવસ્થાપકોએ તેના ચેપી રોગની વાત કરી. સ્વામીશ્રીએ કહ્યું, ‘બાળકને રૂમના દરવાજા સુધી તો લઈ આવો, આપણે એની ઉપર પ્રસાદીનું જળ છાટીએ, જેથી તેનું દુ:ખ દૂર થાય. કલ્યાણ થાય.’ બાળકને લાવવાવામાં આવ્યો. સ્વામીશ્રીએ મંત્રોચ્ચાર કરીને તેને ભગવાનનો આશ્રય કરાવ્યો. પ્રસાદીનું જળ છાટ્યું અને બોલ્યા, ‘તું ભગવાનને યાદ કરજે, વધુ દુ:ખ નહીં પડે.’ અલૌકિક ભટ્ટ નામનો આ કેન્સર પીડિત બાળક સ્વામીશ્રીની દરિયાદિલીથી ભીંજાઈ રહ્યો.
તો ચાલો આપણે પણ સત્પુરુષની આ હૃદયભાવનાને આત્મસાત્ કરીએ.