ધર્મતેજ

ગીતા મહિમાઃ તપનો ઉદ્દેશ્ય

સારંગપ્રીત

શારીરિક અને માનસિક તપની રૂપરેખા બાંધ્યા પછી હવે ભગવાન કૃષ્ણ તપના મૂળભૂત ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે. તપ એટલે ઇન્દ્રિયોના આહારને રોકીને ઇન્દ્રિયોને આત્મસન્મુખ કરવી! ‘તપ’ એ શબ્દમાં માત્ર વ્રત કે ત્યાગ જ છુપાયેલો નથી, પરંતુ સંયમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઊંચાઈનો અર્થ પણ સમાવિષ્ટ થયેલો છે.

ભગવદ્/ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ તપને એક એવા સાધન તરીકે રજૂ કરે છે, જે મન, વાણી અને શરીરને નિયંત્રિત કરીને માનવીને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. તપ એ માત્ર ઋષિમુનિઓની જ અનુભૂતિ નથી, પણ એ દરેક માણસના જીવનમાં શક્ય અને જરૂરી સાધના છે. એક સામાન્ય વ્યક્તિ પણ તપ દ્વારા પોતાની અંદરની ક્ષમતાને ઊજાગર કરી શકે છે.

ભગવદ્/ગીતા (અધ્યાય 17)માં તપના ત્રણ મુખ્ય સ્વરૂપોનો ઉલ્લેખ છે. કાયિક (શરીરથી કરાતું તપ), વાચિક (વાણીથી), અને માનસ (મનથી). કાયિક તપ એટલે સ્વચ્છતા, બ્રહ્મચર્ય, અહિંસા અને ગુરુજનોનું સન્માન. રોજિંદા જીવનમાં પણ, જેમ કે ઘરના કામમાં નિષ્ઠા રાખવી, નિયમિત પૂજા કરવી કે વડીલોની સેવા કરવી આ બધું કાયિક તપ છે.

આપણ વાચો: ગીતા મહિમા: સહજતા

જ્યારે વાચિક તપનો અર્થ છે નમ્ર, સત્ય અને હિતકારક વાણીનો ઉપયોગ કરવો. આ માટે ગુસ્સો આવે તે સમયે મૌન રહેવું, નિંદાથી દૂર રહેવું કે સાંભળનારને દુ:ખ ન થાય એ રીતે વાત કરવી એ અગત્યનું છે. મનને શાંત રાખવું, મૌન ધારણ કરવું, ઈર્ષા કે ક્રોધના વિચારોથી મુક્ત થવાનો પ્રયાસ કરવો એ જ માનસ તપ.

તપનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માની શુદ્ધિ, ઇન્દ્રિયો પર વિજય અને આધ્યાત્મિક ઉન્નતિ છે. તપ માણસને ‘સ્વ’નું ઊંડાણ દર્શાવે છે. ભગવદ્/ગીતા સ્પષ્ટપણે કહે છે કે જે તપ નિ:સ્વાર્થભાવથી અને શ્રદ્ધાથી કરવામાં આવે છે તે સાત્ત્વિક હોય છે અને એ તપ જીવનમાં શાંતિ અને સમતાનું સર્જન કરે છે.

બીજી બાજુ જો તપ માત્ર દેખાડવા માટે કે લોકપ્રિયતા માટે કરવામાં આવે તો તેને રાજસ તપ કહેવાય છે, જેનાં પરિણામો સાંસારિક હોય છે, આત્મિક નહીં. વળી, કોઈને નુકસાન કરવા માટે જો તપ કરવામાં આવે તે તામસિક તપ છે. આને આસુરી તપ પણ કહેવામાં આવે છે.

આપણ વાચો: ગીતા મહિમાઃ આત્મનિયંત્રણ

સાચું તપ એ છે જે ઇચ્છાઓથી મુક્ત હોય, ફળની અભિલાષા વિના હોય અને ઈશ્વરપ્રાપ્તિના માર્ગે દિશા આપે. આવી તપસ્યા એ જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ દોરી શકે છે. જ્યાં મનુષ્ય માત્ર લોક ચાહના માટે નહીં, પણ આંતરિક ઉન્નતિ માટે જીવવાની તૈયારી કરે છે.

તપ એ ત્યાગનું તેજ છે જે અંદરથી ઉજાસ આપે છે. જીવનના દરેક ક્ષેત્રે, તપસ્યા દ્વારા આપણે શાંતિ, સંતોષ અને પરમાર્થના માર્ગે આગળ વધી શકીએ છીએ. એટલે જ તપનો ઉદ્દેશ માત્ર પીડા સહન કરવો નહીં, પણ પોતાની જાતને પરમ તત્ત્વ માટે તૈયાર કરવો છે. એક એવો ઉત્કૃષ્ટ ધ્યેય, જ્યાં આત્મા અને પરમાત્મા સાથે એકતાર થઈ જાય.

આજના ભૌતિકવાદી યુગમાં, જ્યાં વ્યક્તિ માત્ર ભૌતિક સુખ અને ભોગવિલાસ પાછળ દોડે છે, ત્યાં તપસ્યાનું મહત્ત્વ વધુ ઊંડું બની જાય છે. તપ એ જીવનને સંતુલિત રાખવાનું સાધન છે. જ્યારે આપણે આપણા જીવનમાં નિયમિત પ્રાર્થના, મૌન, ઉપવાસ, અભ્યાસ કે ધ્યાન અપનાવીએ છીએ, ત્યારે આપણે આપમેળે તપના માર્ગે ચાલી રહીએ છીએ. એ તપ જ છે જે આપણને પોતાની અંદર ઊતરવા પ્રેરે છે.

આપણ વાચો: ગીતા મહિમા-મનની પ્રસન્નતા

સૌથી મહત્ત્વની બાબત એ છે કે તપ એ અન્યને બદલવાનું સાધન નથી પણ પોતાને બદલવાનું સાધન છે. તે માણસને આત્મવિશ્વાસ આપતું સાધન છે. સાચો તપસ્વી એ છે જે પોતાની અંદર ઊંડાણથી નિરીક્ષણ કરે છે, પોતાની ખામીઓ ઓળખે છે અને તેને સુધારવા ધીરજથી પ્રયત્નશીલ રહે છે. આવા તપસ્વીનું જીવન પોતાનાં માટે નહીં, પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે.

જેમ તાપથી સોનું અગ્નિમાં શુદ્ધ થાય છે, તેમ તપ દ્વારા આત્માનું શુદ્ધિકરણ થાય છે. મહંત સ્વામી મહારાજનું જીવન એ તપસ્યાનું જીવંત પ્રતીક છે. તેમના માટે તપનો અર્થ છે ભગવાન માટે જીવવાનું, સતત સેવા કરવી અને પોતાના દેહની સુવિધાને અવગણવી. છેલ્લા નવ દાયકાઓથી તેમણે સુખ-સગવડો ત્યાગી, હજારો ભક્તોના અંતરમાં શાંતિ અને આધ્યાત્મિક ઊંચાઈ પેદા કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે.

અંતમાં કહીએ તો તપ એ આત્માર્થના પવિત્ર માર્ગ પરનું એક પગરણું છે. તપસ્યાનો હેતુ જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ લાવવાનો છે. જે તપથી પોતાના મન, વાણી અને ક્રિયાઓ ઉપર સંયમ લાવવામાં આવે છે, તે વ્યક્તિ જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને પરમાર્થ પ્રાપ્ત કરી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button