ગીતા મહિમાઃ લોભ પાપનું મૂળ… | મુંબઈ સમાચાર

ગીતા મહિમાઃ લોભ પાપનું મૂળ…

સારંગપ્રીત: ગત અંકમાં ક્રોધરૂપી નરકના દ્વારથી ચેતવીને હવે ભગવાન કૃષ્ણ લોભનું પરિણામ બતાવે છે.
ગીતામાં લોભને નાશ કરનારું, નરકનું દ્વાર કહ્યું છે. લોભને થોભ હોય નહીં. લોભી માણસ જેટલું કંઈ મળે તે ભેગું કરે અને જેટલું વિચારે તે ભેગું કરવાના સપના જુવે. હવે ઘણું થયું એવો વિચાર તેને ન આવે. રૂા. 10,000ની આવક હોય તે રૂા. 1,00,000ની ઇચ્છા કરે, રૂા. 1,00,000વાળો 10લાખ રૂપિયાની ઇચ્છા કરે, પરંતુ લોભની ઇચ્છાને ક્યારેય તૃપ્તિ થાય જ નહીં.

લોભ એ માનવ જીવનનો મોટો શત્રુ છે. લોભથી દુ:ખ અને અશાંતિ જ મળે છે. આપણે સૌ લોભથી થતાં ગેરલાભથી અજાણ નથી છતાં પણ એને છોડી નથી શકતા. જુગારી જુગાર રમતા રમતા કોઈક એકાદ વખત જીતી જતાં વારંવાર દાવ અજમાવતા મેળવેલી રકમ તો ગુમાવે છે, પરંતુ સાથે સાથે પોતાની પાસે જે છે તે પણ ગુમાવતા અફસોસ સાથે નિ:સાસા નાખતા મનમાં નથી વિચારતો કે લોભ મારો નાશ કરે છે. કામની આળસ અને પૈસાની લાલચ આપણને લોભમાં રગદોળે છે.

આ પણ વાંચો: ગીતા મહિમા : ક્રોધની વિનાશકતા…

કોઈક સ્વાદિષ્ટ વાનગી જમણવારમાં વધારે પડતી આરોગવા જતા તબિયત કથળે છે. જાણે આવી વાનગી ભવિષ્યમાં મળે કે ન મળે, તો લાવ ખાઇ લઉં એમ વિચારીને પેટની ક્ષમતા જોયા વગર દબાવે જાય અને પછી પરિણામમાં તેની તબિયત નરમ થઈ જાય છે. લોભરૂપી શત્રુની સોબતથી માણસ અવારનવાર મુશ્કેલીમાં મુકાય છે. અરે, કોઈક વખતતો માનવીનું મોત પણ નીવડી શકે. એટલે સમજુ માનવી તો લોભવૃત્તિથી દૂર રહેવામાં જ શાણપણ માને છે.

એક બાળવાર્તા આપણે સૌએ સાંભળેલી હશે, એક વાર એક વૃદ્ધ વાઘ ભૂખથી વ્યાકુળ થઈ ગયો હતો પણ ઘડપણના લીધે એ શિકાર કરવાને સમર્થ ન હતો. ત્યાં જ એણે એક પથિક પસાર થતાં જોયો, પણ પોતે સરોવરની પેલે પાર હોવાથી એણે વિચાર્યું આ પથિક જો સરોવરની આ પાર આવે તો હું એને મારો કોળિયો બનાવી દઉં પણ એમ સામેથી એ કેવી રીતે આવે?

આ પણ વાંચો: ગીતા મહિમા : ગીતા કહે છે કે, કામનાઓની પૂર્તિ ક્યારેય થતી જ નથી.

આથી, એણે એક યુક્તિ કરી. પોતાના આગલા શિકારના જે ઘરેણાં પડ્યા હતા તેનો ઢગલો કર્યો, અને પથિકને ઘરેણાંની લાલચ આપી. પથિકને મનમાં લોભ જાગ્યો, પણ સાથે વિચાર પણ આવ્યો કે આ તો હિંસક પ્રાણી કહેવાય આનો કોઈ ભરોસો ન કરાય. પથિક તેના લોભામણા પ્રસ્તાવ અને મીઠી વાણીમાં આવીને વાઘની પાસે ગયો અને જીવ ગુમાવી બેઠો. આમ, આપણને પણ આ લોભરૂપી શત્રુના આવેશમાં આવીને ન કરવાનું કરીએ છીએ. એટલે જ તો પ્રસિદ્ધ કહેવત છે અતિ લોભ તે પાપનું મૂળ.

લોભ એ એવી અગ્નિ છે જે ક્યારેય બૂઝતી નથી. જે માનવી લોભને જીતે છે, તે જીવનમાં સુખી થાય છે. લોભ તે તમારું સન્માન અને સંતોષ બંને લૂંટી લે છે. લોભ એ જીવનના સત્સંકલ્પોનો વિરોધી છે. એટલે જ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું ઊફિવિં વફત ાજ્ઞિદશમય યક્ષજ્ઞીલવ જ્ઞિં તફશિંતરુ યદયિુ ળફક્ષ’ત ક્ષયયમ બીિં ક્ષજ્ઞિં યદયિુ ળફક્ષ’ત લયિયમ.

આ પણ વાંચો: ગીતા મહિમા: દિવ્ય ગુણોથી મોક્ષ!

લોભી માણસ ક્યારેય શાંતિ ભોગવી શકતો નથી કારણ કે તે હંમેશાં વધુ મેળવવાના આશયમાં મગ્ન રહે છે. તેની લાલસા તેને એક સ્થળેથી બીજા સ્થળે દોડતી રાખે છે, પણ આત્મસંતોષ કે આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. લોભ માનવનું મન અશાંતિથી ભરેલું રાખે છે અને જીવનમાં શાંતિ અને સંતુષ્ટિ માટે અવરોધરૂપ બને છે. તમારી પાસે ગમે તેટલી સુખસુવિધા હશે પણ લોભના કારણે એને તમે સંતોષપૂર્વક ભોગવી નહીં શકો.

સિકંદરને કોણ નથી ઓળખતું? એ પ્રાચીન ઇતિહાસનો એક જાજલ્યમાન તારો હતો. તે પૂર્વે ગ્રીસ અને મેસેડોનિયાનો એક સામાન્ય રાજા હતો, પણ વિશ્વ વિજયના લોભથી ગ્રીસથી છેક ભારત સુધી વિજયકુચ આદરી હતી. લોભના આવેશમાં આગળ વધેલા આ વિશ્વવિજેતાએ પણ છેલ્લે નિસાસા નાખેલા. તેના મૃત્યુથી થોડીવાર પહેલા, પોતાના સરદારોને એક વિચિત્ર સૂચના આપી.

આ પણ વાંચો: ગીતા મહિમા: દયા કરો

તેણે કહ્યું, જ્યારે તેઓ મારી શબપેટી બનાવે, તો તેમાં બને બાજુ બે કાણાં હોવા જોઈએ જેથી મારા બંને ખાલી હાથ બહાર રહે, માત્ર તમને બધાને એ બતાવવા માટે કે મહાન સિકંદર પણ ખાલી હાથે ગયો હતો. આમ લોભનું પરિણામ અશાંતિ અને અજંપો છે. વહેલી તકે લોભના જળને તોડીને બહાર નીકળવામાં સમજદારી છે.

સત્પુરુષ અને અધ્યાત્મની સહાયથી લોભને પરાસ્ત કરી શકાય છે. હવે પ્રયત્ન આદરવો જ રહ્યો. જીવનમાં સમજદારીભર્યું કામ કરવા માટે અંતિમ ક્ષણની રાહ ના જોશો. ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે. આ જ સમય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button