ગરબાઃ જાણો છો કે ગરબા બેઠાં બેઠાં પણ રમાય?! | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ગરબાઃ જાણો છો કે ગરબા બેઠાં બેઠાં પણ રમાય?!

  • ખુશ્બુ મુલાણી ઠકકર

મા અંબે આપણે આંગણે પધાર્યા છે. ઠેર ઠેર ગલ્લી મહોલ્લામાં ગરબાની રમઝટ જામી છે. ઊર્જાનો આ ઉત્સવ હવે તો એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. માની તસવીર અને દીવાથી પ્રકાશિત ગરબાની આસપાસ વર્તુળમાં ફરતાં ખૈલયાનાં દૃશ્ય બધે નજરે ચઢે ત્યારે કેટલાકને જમીન પર બેસીને ગરબા ‘રમતા’ તમે જોયાં છે? જોયા હશે તો એના વિશે જિજ્ઞાસા પણ જાગશે …

આવા બેઠા ગરબા આમ તો નાગરોમાં રમાય ને વખાણાય. જુનાગઢ, ભાવનગર, જામનગરમાં એ ખાસ રમાતાં ગવાતાં. સૌરાષ્ટ્રનું વડનગર (વડા પ્રધાન મોદીજીનું જન્મસ્થળ!) અને સથોદરા કોમના બેઠા ગરબા પણ ખાસ વખણાય છે.

બેઠા ગરબા સાથે એક વાર્તા સંકળાયેલી છે. 1946માં જુનાગઢના નવાબે સ્ત્રીઓને જાહેરમાં ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના વિરોધ સ્વરૂપે સ્ત્રીઓેએ ઘરમાં ગરબા રમવાનું ચાલુ કર્યુ અને ત્યારથી બેઠા ગરબાનું ચલણ ચાલુ થયું.

બેઠા ગરબામાં વચ્ચે માતાની છબી મૂકવી, દીવો કરવો, ભોગ ધરવો અને પછી બેસીને જ માતાના ગરબા ગાવા. આ ખૂબ જ જૂની ચાલતી આવતી પ્રથા છે. જે આજે પણ પ્રચલિત છે.

મુંબઈના ઉપનગર વિલેપાર્લામાં રહેતાં 80 વર્ષના પ્રતિભા વોરાનું કહેવું છે કે, ‘અહીં અમારું બેઠા ગરબા માટે એક ખાસ ગ્રુપ સક્રિય છે. એની સ્થાપના 1985માં થઈ હતી, જેનું નામ છે, ‘નાગર ભગીની ગરબા મંડળ’. આ મંડળમાં 30 થી 35 બહેન છે કે નવરાત્રિમાં અમે સૌ એક બીજાના ઘરે જઈને બેઠાં બેઠાં જ ગરબા ‘રમીએ’ એટલે કે બેસીને જ ગાઈએ … ગરબાના લય સાથે ઢોલ મંજીરાની સાથે બીજી બહેનોનો પણ તાલ પુરાવે.

બેઠા ગરબા નવરાત્રિમાં જ યોજાય એવું નથી. મન થાય કે કોઈ આનંદનો અવસર હોય ત્યારે બેઠા ગરબા કરીએ જેમકે, દીકરીના લગ્નમાં આણા વખતે કે પછી દિવાસાનું જાગરણ જ કેમ ન હોય ત્યારે પણ એ થાય.’

આમ તો નવરાત્રિમાં બેઠા ગરબાનું વિશેષ આયોજન થાય. એકમથી લઈને નોમ સુધી રોજ બેઠા ગરબાનો પ્રોગ્રામ ગોઠવાય. મા અંબેની પ્રતિમા વચ્ચે મુકી, તેને ચૂંદડી, ફુલ અને હારથી સુશોભિત કરી દીપ પ્રજવલન કરવામાં આવે છે. શરૂઆતમાં ધીમી લયથી શરૂઆત થાય અને ધીરે ધીરે ગરબા ઊપડે. કોઈ એક જણ ગાય અને બીજા બહેનો તેને જીલે.
પ્રતિભાબહેન ઉમેરે છે કે અમારા પ્રયાસ એવા છે કે આજની ડિજિટલ દુનિયામાં પણ આપણી આ ભારતીય સંસ્કૃતિ ધબકતી રહે.

આપણ વાંચો:  અલૌકિક દર્શનઃ અનુલોમ-વિલોમને પ્રાણાયામના એક પ્રકાર તરીકે ગણાવેલ છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button