શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય: કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપ શું ખરેખર ધોવાઈ જતા હશે?

– ભરત પટેલ

એક દિવસ કૈલાસ પર વિરાજમાન ભગવાન શિવે માતા પાર્વતીને ‘કાળી’ કહીને સંબોધ્યા. દેવીને થયું કે હવે તો હદ થાય છે. આનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. મારા મૌનને સંમતિ માની સ્વામી આ મશ્કરી મૂકતા જ નથી. પોતાના સ્વામીએ ‘કાળી’ તરીકેનું સંબોધન કરતાં કાળજામાં તીરની માફક ખૂંચી ગયું. માતા પાર્વતીએ ગંભીર મુદ્રા ધારણ કરી લીધી. ભગવાન શિવે ઘણીવાર મનાવવાની કોશિશ કરી પણ દેવી માન્યા નહીં. ક્રોધિત માતા પાર્વતી ગૃહત્યાગ કરીને હિમાલટયના કોઈ ઉચ્ચ શિખર પર પહોંચી ગયાં. ત્યાં તેઓ કઠોર તપ કરવા લાગ્યાં. થોડાંજ સમયમાં માતા પાર્વતી તપમાં તલ્લીન થઈ ગયા. માતા પાર્વતીએ એક પગે ઊભા રહીને તપશ્ર્ચર્યા આદરી. એવામાં એક સિંહ આવી ચઢયો. સિંહે વિચાર્યું કે, વાહ મારું કામ તો થઈ ગયું. ક્યાં સુધી આ સ્ત્રી એક પગે ઊભા રહીને તપ કરશે? ક્યારેક તો બેશુદ્ધ બનીને ઢળી પડશે ને! ઢળી પડશે એટલે આ શિકારથી મારી ભૂખ ભાંગીશ.એને ક્યાં ખબર હતી કે આ તો જગતજનની માતા પાર્વતીજીનું તપ હતું. દિવસોના દિવસો અને મહિનાઓ પસાર થઈ ગયાં. માતા પાર્વતી તપમાં હજીય તલ્લીન હતાં. આદ્યશક્તિના અખંડ તપની પ્રશંસા દેવી-દેવતાઓ કરવા લાગ્યા. દેવર્ષિ નારદ ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે અને કહે છે કે માતા પાર્વતીનું તપ પૂર્ણ કરાવો. ભગવાન શ્રીહરિ વિષ્ણુ કહે છે કે દેવી પાર્વતી બ્રહ્માજીનું તપ કરી રહ્યા હોવાથી બ્રહ્માજી જ આ બાબતે મદદ કરી શકે. દેવગણો ભગવાન શ્રીહરિ વિષ્ણુને લઈ બ્રહ્મલોક પહોંચે છે. બ્રહ્માજી તેમને કહે છે કે યોગ્ય સમયે દેવી પાર્વતીને હું વરદાન આપીશ. તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહો. દેવતાઓ પોત પોતાના લોક પરત ફરે છે. થોડાં જ સમયમાં માતા પાર્વતીનો સ્વર બહ્મલોક પહોંચતાં બ્રહ્માજી પ્રસન્ન થાય છે અને માતા પાર્વતી પાસે પહોંચી વરદાન માગવાનું કહે છે. માતા પાર્વતી તેમને કહે છે કે મેં વરદાનની આકાંક્ષાથી તપ કર્યું નથી. મને હવે જીવનો ખપ નથી, બિચારો સિંહ વર્ષોથી મને ટાંપીને ભૂખ્યો બેઠો છે, મારી રક્ષા કરી છે. માટે તેને વરદાન આપો. બ્રહ્માજીએ વિચાર કર્યા પછી વરદાન આપ્યું કે, ‘હે વનરાજ, તું ભગવાન શિવ અને માતા પાર્વતીનો અનન્ય ભક્ત થા. સંસારમાં કોઈ પ્રાણી તમારાથી બળવાન નહીં થાય.’ બ્રહ્માજી ફરી વરદાન માંગવાનું કહેતા માતા પાર્વતી કહે છે કે, ‘મને એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય અને હું પરમ સુંદરી બનું, જેથી સ્વામી મને કાળી કહી ચીડવી ન શકે.’ બ્રહ્માજી વરદાન આપતાં કહ્યું ‘તથાસ્તુ.’ તથાસ્તુ કહેતાં જ માતા પાર્વતી પરમ સુંદરી બની ગયા. પ્રસન્ન માતા પાર્વતીને લઈ બ્રહ્માજી કૈલાસ પહોંચે છે. માતા પાર્વતી સાથે બ્રહ્માજીને જોતાં ભગવાન શિવ પ્રસન્નતા અનુભવે છે અને શિવગણો માતા પાર્વતી અને બ્રહ્માજીનું સ્વાગત કરે છે.

માતા પાર્વતીને ફરી કૈલાસ આવેલા જોઈ શિવગણો ઉત્સવ મનાવે છે. એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવને કહે છે.

આ પણ વાંચો: શિવ રહસ્ય: એવું વરદાન આપો કે મારું શરીર સુવર્ણ જેવું થઈ જાય ને હું પરમ સુંદરી બનું

માતા પાર્વતી: હે સ્વામિ, લોકમાતા ગંગા નદી પતિતપાવની કહેવાય છે, શું કોઈપણ માનવ શ્રદ્ધાથી ગંગાસ્નાન કરે તો તેનાં પાપો શું ખરેખર ધોવાઈ જતા હશે?

ભગવાન શિવ: દેવી ચાલો હું તમને પ્રત્યક્ષ પ્રમાણ બતાવું.

ભગવાન શિવ એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરે છે અને મુખ્ય રસ્તા પર તેઓ એક કાદવકીચડવાળા ખાડામાં ફસાઈ પડયા અને માતા પાર્વતીને કહ્યું કે તમારે એમ કહેવું કે, ‘આ મારા વૃદ્ધ પતિને કાદવકીચડમાંથી બહાર કાઢનારનું ભોળાનાથ ભલું કરશે, પરંતુ તેમને બહાર કાઢનાર જો તદ્દન નિષ્પાપ નહિ હોય તો મારા પતિનો સ્પર્શ થતાની સાથે જ તે બળીને ભસ્મ થઈ જશે.’

અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગંગાતટે મહોત્સવ હતો. હજારો લોકો ગંગાસ્નાન કરી પોતાના પાપોનું વિસર્જન કરવા અહીં આવ્યા હતા. ગંગાસ્નાન કરી ઘેર જતી યુવાન સ્ત્રીનું રુદન કરવાનું કારણ પૂછતાં માતા પાર્વતી કહેતાં કે, મારા વૃદ્ધ પતિને કાદવકીચડમાંથી બહાર કાઢનારનું ભોળાનાથ ભલું કરશે, પરંતુ તેમને બહાર કાઢનાર જો તદ્દન નિષ્પાપ નહિં હોય તો મારા પતિનો સ્પર્શ થતાની સાથે જ તે બળીને ભસ્મ થઈ જશે. આવી શરત સાંભળી સૌકોઈ વિચારમાં ગરકાવ થઈ જતું કે ગંગાસ્નાન તો શ્રદ્ધાથી જ કર્યું છે પણ સર્વ પાપો નષ્ટ થઇ ગયાં કે કેમ તેની ખબર કેવી રીતે પડે? થોડાંક પાપ જો રહી ગયાં હોય તો તો ધરમ કરતાં ધાડ પડે. આ વૃદ્ધ બ્રાહ્મણને ખાડામાંથી બહાર કાઢવા જતાં રખેને બળીને ભસ્મ થઈ જવાય તો? આવું વિચારી સૌ કોઈ પોતપોતાને રસ્તે રવાના થઈ જતાં. આ વૃદ્ધ બ્રાહ્મણને કાઢવા કોઈ તૈયાર ન થયું.

આ પણ વાંચો: શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…

કોઈક કામી પુરુષો તો યુવાન સ્ત્રીને રસ્તા પર જોઈ તેના તરફ આકર્ષણ અનુભવતા અને કહેતા, ‘કાદવકીચડમાં પડેલા આ બુઢ્ઢાને છોડ અને ચાલ મારી સાથે.’

સાંજનો સમય થવા આવ્યો હતો, ગુરુપૂર્ણિમાનો દિવસ હોવાથી નજીકના ગુરુજીના આશ્રમમાં ભેટ ધરીને ગંગાજીમાં સ્નાન કરી તે પાછો ફરી રહ્યો હતો. પેલી સ્ત્રીની વાત સાંભળીને તેણે કહ્યું, ‘અરે! એમાં શું બહેન, તમારા પતિને હું બહાર કાઢીશ. હું ગંગાસ્નાન કરીને જ આવ્યો છું, હું નિષ્પાપ છું, ગંગાસ્નાન કર્યા બાદ મારાથી અન્ય કોઈપણ પાપ થયું નથી, બહેન તમે રડો નહીં, તમારા પતિને હું અવશ્ય બહાર કાઢીશ. આ તો પરોપકારનું કામ છે.’

ભગવાન શિવને તેણે તુરંત ખાડામાંથી બહાર કાઢયા, ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેમને દર્શન આપતાં તે કૃતાર્થ થઈ ગયો અને ભવોભવના ખાડામાંથી બહાર નીકળી પડયો.

ભગવાન શિવ: ‘દેવી! શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ખરેખર શ્રદ્ધામય સમતા પર જ પરમ જીવનની પ્રતિષ્ઠા છે. સમભાવ સાચી શ્રદ્ધા વિના આવે નહીં. શ્રદ્ધાળુ પાસે નિષ્ફળતા આવી શકતી નથી, હંમેશાં સફળતા જ મળે છે. શ્રદ્ધાને દુર્લભ એટલા માટે કહી છે કે, શ્રદ્ધા મોક્ષનો પાયો છે. શ્રદ્ધા વગર જીવનનો સામાન્ય વ્યવહાર પણ ચાલતો નથી. શ્રદ્ધા એટલે પરમ પવિત્ર પુરુષના ચરણમાં પરમ સમર્પણભાવ. શ્રદ્ધા, ટેક અને વિશ્વાસનો ત્રિવેણીસંગમ પ્રભુને મેળવવાનો માર્ગ છે. સત્ય પર શ્રદ્ધા ન હોય, ત્યારે જ બધાં દર્દ અને દુ:ખો ઊભરાય છે, જીવને કોઈપણ સ્થળે શાંતિ અનુભવી શકતો નથી.

આ પણ વાંચો: શિવ રહસ્ય: હું રાણી વિજયાને કઈ રીતે કહી શકું કે તમારી કુંડળીમાં સંતાન યોગ નથી તેમને આઘાત લાગશે

કહેવાનું તાતર્પ્ય એ છે કે, ગંગાસ્નાન શ્રદ્ધાથી કરો, શ્રદ્ધા અને દૃઢતા એવી પાંખો છે, જેને સહારે તમારા લક્ષ પ્રતિ તત્કાળ ઉડ્ડયન આદરી શકો છો. શ્રદ્ધા એ જીવનનું મોટામાં મોટું બળ છે. શ્રદ્ધા જ નિર્ધનનું ધન છે. શ્રદ્ધા જ દુ:ખમાં આશ્વાસન આપવાની ક્ષમતા ધરાવે છે. શ્રદ્ધા જ સાર્થક જીવન છે. શ્રદ્ધા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. શ્રદ્ધા હૃદયની વસ્તુ છે, બુદ્ધિ કે તર્ક સાથે ટકરાવાથી એના ચૂરેચૂરા થઈ જાય છે. શ્રદ્ધા પોતાના સ્વભાવને જ અનુસરે છે. ઓછેવત્તે અંશે દરેકમાં શ્રદ્ધા છે. જેની શ્રદ્ધા બળવાન તેને ફળ પણ મોટું મળે. શ્રદ્ધા મેરુ પર્વત જેવી ઉત્તુંગ અને અવિચળ હોવી જોઈએ.

શ્રદ્ધાળુ જ્ઞાનને પામે, તલ્લીન ને જિતેન્દ્રિય,
જ્ઞાન પામી, પરશાંતિ, શીઘ્ર તે મેળવી વળી

દરેક મનુષ્યે આત્મશ્રદ્ધા – અંદરની શ્રદ્ધા કેળવવી જોઈએ. ક્ષણે ક્ષણે વિકલ્પો અને કુર્તકો ચિત્તને સતાવ્યા કરે છે. મનમાં આસુરી અને દૈવી પ્રકૃત્તિનું યુદ્ધ ચાલતું જ હોય છે. એટલે માનવે પૂર્ણ શ્રદ્ધા ધરી કામ કરવા જોઈએ.

(ક્રમશ:)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button