ફોકસ પ્લસઃ આ મંદિરમાં ઘી કે તેલ નહીં પણ પાણીથી દીવા પ્રગટે છે!

કવિતા યાજ્ઞિક
દિવાળીમાં આજકાલ ઇલેક્ટ્રિક દીવાઓ બહુ વપરાય છે. તેમાં એવા દીવાઓ પણ મળે છે, જે પાણી નાખવાથી પ્રગટી ઉઠે! ખેર તેની ટેક્નોલોજી તો આપણને ખબર છે. તેમાં બેટરી પણ વપરાય છે, તે આપણે જાણીએ છીએ. ફિલ્મનું પેલું ગીત યાદ છે? `દીપાવલી મનાયે સુહાની, મેરે સાંઇ કે હાથોંમેં જાદુ કા પાની.’ આ ગીત શિર્ડીના સાઈબાબા માટે લખાયું છે. કહેવાય છે કે તેમના જીવનમાં એક પ્રસંગે તેમણે પાણીથી દિપક પ્રગટાવ્યા હતા. પણ એક મંદિર એવું છે જ્યાં નિયમિત રીતે પાણીથી દિપક પ્રગટે છે. એટલું જ નહીં, એ પાણી પણ એક વિશિષ્ટ નદીનું જ હોય છે, અન્ય પાણીથી દિવા પ્રગટતા નથી. અને હા, એ દીવામાં કોઈ બેટરી લાગેલી નથી હોતી!
આ અશક્ય લાગે તેવી હકીકત મધ્ય પ્રદેશમાં બને છે. આ મંદિર કાલી સિંધ નદીના કિનારે, આગર-માલવાના નલખેડા ગામથી લગભગ 15 કિમી દૂર, ગડિયા ગામ પાસે આવેલું છે. નલખેડા સ્વયં એક અતિ પ્રસિદ્ધ યાત્રાધામ છે. કારણકે નલખેડામાં દસ મહાવિદ્યાઓમાંથી અષ્ટમ, માતા બગલામુખીનું મંદિર આવેલું છે. પણ આપણે અત્યારે વાત કરવી છે ગડિયા ગામે આવેલા મા ભાવનીના મંદિરની. આ મંદિર ગડિયાઘાટ વાલી માતાજીના નામથી પ્રખ્યાત છે.
આ મંદિર ઘણું પુરાતન છે. ત્યાં નિયમિત જ્યોત પ્રજ્વલિત રહે છે. પણ પૂજારીના કહેવા મુજબ આજથી લગભગ 10-12 વર્ષ પહેલા તેને સ્વપ્નમાં દેવીએ દર્શન આપીને કહ્યું કે પાણીથી દિપક પ્રગટાવ. પૂજારી જેની પૂજા નિયમિત મંદિરમાં કરતા હતા તે દેવી સ્વયં સ્વપ્નમાં આવ્યા એટલે તેણે ખાતરી કરવા એક દીવો પ્રગટાવવાનું નક્કી કર્યું. જોકે, તેના મનમાં આશંકા હતી કે આ સ્વપ્ન જ હતું કે ભ્રમ? એટલે તેણે કોઈને તેના વિશે જાણ કરી નહોતી.
બીજે દિવસે સવારે મંદિર પાસે વહેતી કાલી સિંધ નદીનું પાણી તેણે દીપકમાં પૂર્યું અને રૂની વાટ પણ મૂકી. ત્યારબાદ જેવી સળગતી માચીસની કાંડી દીવામાં રાખેલી રૂની વાટ નજીક લાવ્યા કે અહોઆશ્ચર્યમ! દીવો પ્રજ્વલિત થઇ ગયો!! પૂજારી આ જોઈને ગભરાઈ ગયા. કોઈ આ ઘટનાને અંધશ્રદ્ધા કે તુત કહીને નકારી કાઢશે એ ભયે બે મહિના સુધી કોઈને આ વાતની જાણ કરી નહીં. પણ દેવીએ સ્વપ્નમાં આપેલી આજ્ઞા મુજબ પાણીથી રોજ દીવો પ્રગટાવતા રહ્યા. એ પણ નિશ્ચિત હતું કે જળ માત્ર કાલી સિંધ નદીનું જ વાપરતા હતા. કેમકે એ જ જળ દેવીની નિયમિત પૂજાવિધિમાં પણ ઉપયોગમાં લેવાતું હતું.
બે મહિના પછી તેમણે ગામના કેટલાક આગેવાનોને સ્વપ્નની વાત કરી. સ્વાભાવિક રીતે કોઈએ તેમની વાત ઉપર વિશ્વાસ ન કર્યો. પૂજારીએ તેમને ખાતરી કરવા વિનંતી કરી. એટલે આગેવાનોએ પણ એક દીવામાં ઘી કે તેલને બદલે નદીનું પાણી પૂર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ખરેખર દીવો પ્રજવલિત થયો! પછી તો વાત શું કરવી? આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરમાં ઘી કે તેલને બદલે માત્ર પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે.
હવે આવે છે બીજો ચમત્કાર. પાણીથી દીવો પ્રગટે છે એ તો સાબિત થયું. સાથે બીજી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે પાણી માત્ર કાલી સિંધ નદીનું હોય તો જ દીવો પ્રગટતો હતો. નળમાંથી લઈને કે અન્ય સ્રોતથી પાણી લાવીને દીવો પ્રગટાવવાની કોશિશ નિષ્ફ્ળ જતી હતી. એવું કહેવાય છે કે જ્યારે દીવામાં પાણી રેડવામાં આવે છે, ત્યારે તે ચીકણું પ્રવાહી બની જાય છે અને દીવો પ્રગટે છે.
આ મંદિર કાલી સિંધ નદીના પટને અડીને જ આવેલું છે. ચોમાસાની ઋતુમાં અહીં પાણીનું જળસ્તર એટલું વધી જાય છે કે દેવીનું મંદિર પાણી નીચે ગરકાવ થઇ જાય છે. તેથી દર્શન-પૂજન બંધ થઇ જાય છે. જોકે, શારદીય નવરાત્રીના પહેલા દિવસે એટલે કે ઘટસ્થાપનાના દિવસે, દીવો ફરીથી પ્રગટાવવામાં આવે છે, ખરેખર કેટલીક ઘટનાઓ આપણા તર્ક અને સમજની બહારની હોય છે.
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ આપો અમને અધિક વેદના એ આપની પ્રીતિ



