ફોકસઃ એ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિને માનવની જેમ લોહી નીકળે છે!

- કવિતા યાજ્ઞિક
ભગવાન નરસિંહ શ્રી વિષ્ણુના ચોથા અવતાર છે, જેમણે ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ભગવાન નરસિંહને સમર્પિત મંદિરો ભારતમાં ફક્ત થોડાં જ સ્થળોએ આવેલાં છે. તેમાંથી એક મંદિર અત્યંત વિશેષ છે. કારણકે એવું મનાય છે કે અહીં ભગવાન નરસિંહની પ્રતિમા જીવંત છે.
ભગવાન નરસિંહનું આ મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે. રાજ્યના મુલુગુ જિલ્લામાં આવેલા મલ્લુર ગામમાં સ્થિત શ્રી હેમચલા લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર એક એવું મંદિર છે, જ્યાં ઈશ્વરની પ્રતિમા જીવંત મનુષ્ય જેવી હોવાની માન્યતા છે. મંદિરની મૂર્તિ જેટલો જ રોચક આ મંદિરનો ઇતિહાસ પણ છે.
એવી માન્યતા છે કે આ મંદિર લગભગ 4000 વર્ષ પૌરાણિક છે. મંદિરની રચના વિવિધ સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ છે અને મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પરંપરાગત ગોપુરમ જેવું દેખાય છે, અને તેનું શિખર દક્ષિણ ભારતીય સ્થાપત્યની મુખ્ય શૈલી જેવું જ છે. આ મંદિર આશરે 1500 ફૂટ ઊંચા પર્વતની ટોચ પર આવેલું છે. આ દૈવી મંદિર સુધી પહોંચવા માટે, ભક્તોએ લગભગ 150 પગથિયાં ચઢવા પડે છે. મંદિર પરિસરમાં સ્થાપિત ધ્વજસ્તંભ પણ 60 ફૂટ ઊંચો છે.
એવું કહેવાય છે આ પર્વતને હેમચલા નામ અગસ્ત્ય ઋષિએ આપ્યું હતું. આ સ્થળ રાવણે પોતાની બહેન શૂર્પણખાને ભેટમાં આપ્યું હતું. એવું પણ મનાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન રામે ખર અને દુષણ સહિત 14000 રાક્ષસોનો વધ કર્યો હતો. તેથી આ સ્થળનું પૌરાણિક ધાર્મિક મહત્ત્વ ઘણું છે. સાથે, અહીં સ્થાપિત ભગવાનની ચમત્કારિક મૂર્તિ અહીંની દિવ્યતામાં વધારો કરે છે. લોકો માને છે કે આ મંદિરમાં રહેલી મૂર્તિ દૈવી ઊર્જાથી ભરેલી છે.
મૂર્તિની આંખો અને ચહેરો એક અનોખું તેજ અને ઊર્જા પ્રગટ કરે છે. અહીંની દિવ્યતાનું કેન્દ્રબિંદુ ભગવાનની વિશિષ્ટ મૂર્તિ છે. આ મૂર્તિ 10 ફૂટ ઊંચી છે, અને તેની ત્વચા જીવંત માનવ જેવી જ મુલાયમ લાગે છે! જેવી રીતે મનુષ્યના શરીરની ત્વચાને જોરથી દબાવીએ તો થોડી ક્ષણો માટે ખાડો પડી જાય અને ક્યારેક નિશાન પણ રહી જાય. તેવી રીતે એવું કહેવાય છે કે આ મૂર્તિ પર દબાણ આપવાથી તેની ત્વચા પર એક નિશાન રહી જાય છે.
એવું પણ કહેવાય છે કે આ મૂર્તિની ચામડી એટલી નરમ છે કે જો મૂર્તિ પર નખ લાગી જાય અથવા વધુ જોરથી દબાવવામાં આવે તો તેમાંથી લોહી નીકળવા લાગે છે. આ એક અદ્ભુત અને અકલ્પનીય ઘટના છે. એક બાજુ ભગવાન નરસિંહનું ઉગ્ર રૂપ અને બીજી બાજુ કમળપત્ર જેવી તેમની મુલાયમ ત્વચા! પરમાત્માની આવી નાજુક અને જીવંત પ્રતિમાના રક્ષણ માટે પુજારીઓ મૂર્તિ પર હંમેશાં ચંદનનો લેપ લગાવે છે. વર્ષમાં માત્ર એક વાર અક્ષય તૃતીયાના દિવસે ચંદનના લેપ વિના ભગવાનની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
મંદિરની નજીક એક જળ પ્રવાહ વહે છે, જે ભગવાન નરસિંહના ચરણમાંથી નીકળતો હોવાનું માનવામાં આવે છે. રાણી રુદ્રમ્મા દેવીએ આ પ્રવાહને ‘ચિંતામણિ’ નામ આપ્યું હતું અને સ્થાનિક લોકો તેને ‘ચિંતામણિ જલપથમ’ કહે છે.
આ જળમાં ઔષધીય ગુણ હોવાની લોકોમાં શ્રદ્ધા છે. મૂર્તિની જીવંતતા એટલી માન્ય છે કે, મંદિર સાંજના 5.30 વાગ્યે દર્શન માટે બંધ કરી દેવામાં આવે છે. કારણકે માન્યતા છે કે તે પછી ભગવાન આસપાસના અરણ્યમાં ફરવા માટે નીકળે છે. દેશના મંદિરો સાથે જોડાયેલી આ શ્રદ્ધા ઈશ્વરમાં રહેલી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક તો છે જ, સાથે ઈશ્વરને પોતીકા માનવાની ભાવનાનું પણ દર્શન કરાવે છે.
આપણ વાંચો: દુહાની દુનિયાઃ વીજળીના લીસોટા જેવી તેજોધવલ પ્રાચીન ગાથા