ફોકસ -આ કૉલેજના ચેરમેન છે એક અતિ વિશેષ મહાનુભાવ, જાણીને ચોંકી જશો!

કવિતા યાજ્ઞિક
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મોહન રોડ પર એક કૉલેજ આવેલી છે. આ કૉલેજનું નામ સરદાર ભગતસિંહ કૉલેજ છે. હાલમાં આ કૉલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કૉલેજના ચેરમેન બહુ વિશેષ છે. રોજ સવારે 8 વાગ્યે ચેરમેન સાહેબ કૉલેજમાં અચૂક હાજરી આપે છે. તેમની વિશેષ કૅબિન બની છે. તે કૅબિન બહાર તેમના નામની તકતી લગાવેલી છે. તેમનું નામ વાંચીને વ્યક્તિ તરત હાથ જોડીને પ્રણામ કરે છે. 
10 થી 11 વાગ્યાની વચ્ચે કૉલેજના કોન્ફરન્સ હોલમાં ચેરમેનની હાજરીમાં મીટિંગ લેવાય છે, ચર્ચા-વિચારણા થાય છે અને નિર્ણયો લેવાય છે. મીટિંગ પૂરી થયા બાદ ચેરમેન સાહેબ કૉલેજના પરિસરમાં બનેલા રામમંદિરમાં દર્શન કરવા જાય છે. બપોરે લંચ બ્રેક પડે એટલે તેમને બહુ પસંદ છે તેવા ચણાના લોટના લાડુ તેમની કૅબિનમાં પહોંચાડી દેવાય છે. તે ઉપરાંત આ કૉલેજમાં અધ્યક્ષ માટે એક નેનો કાર છે, જેમાં તેઓ દર મંગળવારે રામમંદિરમાં દર્શન કરવા જાય છે. આ ગાડીમાં ડ્રાઈવર અને અધ્યક્ષ સિવાય બીજા કોઈને બેસવાની પરવાનગી નથી. સાંજે કૉલેજ બંધ થાય એટલે ચેરમેન સાહેબની કૅબિન બંધ કરી દેવાય છે.
આપણને થાય કે આ તો સામાન્ય દૈનિક ક્રમ છે, તેમાં એવું તે શું ખાસ છે? આ ચેરમેન એવા તે કેવા વિશેષ વ્યક્તિ છે કે તેની વાત કરવી પડે? સવાલ વાજબી છે. વાત એમ છે કે આ કૉલેજના ચેરમેન ખરેખર વિશ્વમાં અતિ વિશેષ છે! કારણકે લખનઉની આ સરદાર ભગતસિંહ કૉલેજના ચેરમેન કોઈ વ્યક્તિ નહીં, પરંતુ સ્વયં સંકટમોચન હનુમાનજી છે! નવાઈ લાગે તેવી વાત છે ને? પણ આ સત્ય છે.
હનુમાનજી કેવી રીતે આ કૉલેજના અધ્યક્ષ બન્યા તેની વાત ઘણી રસપ્રદ છે. આ કૉલેજની સ્થાપના વર્ષ 2007માં બે મિત્રોએ મળીને કરી હતી. વિવેક તાંગડી અને પંકજ સિંહ ભદોરિયા નામના બે મિત્રો વચ્ચે અતૂટ મૈત્રી હતી. તેમણે લખનઉમાં એક કૉલેજની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. આ સદ્કાર્ય માટે જમીનથી લઈને નાણાંની વ્યવસ્થા તો ઈશ્વરની કૃપાથી થઇ ગઈ. પણ કૉલેજ ચલાવવા મેનેજમેન્ટ તો જોઈએ. 
કોઈએ તેના અધ્યક્ષ બનવું પડે. બંને મિત્રો કોલેજના અધ્યક્ષ બનવા માગતા હતા. પણ બે માંથી એક જ વ્યક્તિ અધ્યક્ષ બની શકે. બંને મિત્રો એકબીજા માટે આ પદ જતું કરવા તૈયાર હતા, જેથી પોતાની મૈત્રીમાં કોઈ ખટરાગ ઊભો ન થાય. આખરે ચર્ચા કરીને તેમણે નક્કી કર્યું કે બંને મિત્રોને જેમાં ખૂબ આસ્થા છે, તેવા હનુમાનજીને કૉલેજના ચેરમેન બનાવી દઈએ! આમ કરવાથી બંને મિત્રો હનુમાનજીના સેવક તરીકે કૉલેજનું કાર્ય સંભાળે અને બંને વચ્ચે સમાનતા રહે. એક બહુ સુંદર
ભજન છે, અબ સૌંપ દિયા ઇસ જીવનકા સબ ભાર તુમ્હારે હાથોંમેં, હૈ જીત તુમ્હારે હાથોંમેં ઔર હાર તુમ્હારે હાથોંમેં. એ હનુમાનજીને અધ્યક્ષ બનાવીને જાણે આ મિત્રોએ હકીકતમાં ચરિતાર્થ કર્યું.
કોન્ફરન્સ હોલમાં પણ અધ્યક્ષના સિંહાસન પર હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે અને નામની પ્લેટ પણ લગાવવામાં આવી છે. તેમની કૅબિનમાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા છે. કૅબિનમાં પ્રવેશ કરવા પૂર્વે રીતસરની અનુમતિ માગવામાં આવે છે, જેવી રીતે કોઈપણ અધ્યક્ષની કૅબિનમાં પ્રવેશ પહેલા માગવામાં આવે છે. અધ્યક્ષ પદ માટે જે નિયમો અને કાયદા છે તે હનુમાનજી માટે પણ સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. સ્વાભાવિક છે કે સારા માર્કથી પાસ થવા માટે ચેરમેન સાહેબને પ્રાર્થના પણ કરવામાં આવે છે!! સ્વયં ભગવાન ચેરમેન પદ પર બેઠા હોય એટલે ધાર્મિક વિધિ વિધાનનું પણ સંપૂર્ણ પાલન કરવામાં આવે છે.
મૈત્રીનું આવું ઉદાહરણ તો બીજે ક્યાંય જોવા-સાંભળવા મળ્યું હોય તેવું ભાગ્યેજ બન્યું હશે. સાથે ભગવાન ખુદ અધ્યક્ષ તરીકે કોલેજ ચલાવતા હોય તેવું તો કદાચ દુનિયામાં બીજે ક્યાંય સાંભળવા નહીં મળ્યું હોય.
 


