ફોકસ પ્લસઃ આપો અમને અધિક વેદના એ આપની પ્રીતિ

ડૉ. બળવંત જાની
શ્રીમદ્ ભાગવત પુરાણનો મુખ્ય વિષય ભક્તિ છે, જેમાં કૃષ્ણને તમામ દેવોના દેવ તરીકે ચિત્રીત કરવામાં આવ્યા છે. અગાઉ આપણે આ ગ્રંથ વિશે ઘણું જાણ્યું હવે આગળ… મૂળભૂત રીતે વિવિધ, દૃષ્ટાંત કથાનકોને માધ્યમ બનાવીને ભક્તને પ્રાપ્ત પીડા અને અંતે મોક્ષરૂપ આ પ્રસન્નતા રૂપી ક્ષણની પ્રાપ્તિ મહાભારતનો જે સૂર હતો કુંતિ દ્વારા ‘આપો અમને અધિક વેદના એ આપની પ્રીતિ.’ એ કથન અહીં મહાભારત પુરાણમાં આગવી રીતે, અનોખી રીતે ભક્તિકથાને અનુસંગે પુન:સ્થાપિત થયું છે.
પ્રથમ સ્કંધના ગોકર્ણના ઉપાખ્યાન, અને ધંધુકારીના સમૂદાયમાં એ નિહિત છે. બીજા સ્કંધમાં ચોવીશ અવતારોનું સંક્ષિપ્ત કથન, અશ્ર્વત્થામાના અસ્ત્રથી પરિક્ષિતનું રક્ષણ, પરિક્ષિતનું ચરિત્ર, એમના રાજ્યારોહણથી કળિયુગનું આગમન. ભારતીય કાળગણનાનો યુગાબ્ધ ત્યારથી આરંભાયો અત્યારે 5187નું વર્ષ છે. આપણા પ્રાચીનતાનું ઉદાહરણ વૈદિકકાળ, પુરાણકાળ છે. યુગ દસ્તાવેજી આધાર આપણી ઇ. પૂર્વેની કાળગણાના છે.
બીજો સ્કંધ ભારે તાત્ત્વિક વિધિ-વિધાન અને વ્રત ઉપાસનાનો છે. ભગવત ભક્તિના મહિમાનું કથન છે. સર્વથી નાનો માત્ર દશ અધ્યાયમાં ભક્તિ તત્ત્વની મીમાંસા ભક્તિ તત્ત્વ સાથે સંલગ્ન વિવિધ ચરિત્રો ઉદ્વવ-વિદુર સંવાદરૂપે શ્રીકૃષ્ણનું રૂપ વર્ણન બ્રહ્માની કથા, વિષ્ણુની નાભીમાંથી કમળ દ્વાર એમનું પ્રાગટય. વિવિધ અવતારો ખાસ તો વરાહ અને હિરણ્યકશિપુ-હિચુયાક્ષની કથાસૃષ્ટિ, કર્દમ ઋષિ-દેવહૂતિ, કપિલ પ્રાગટયનું કથાનક તાત્ત્વિક સાંખ્ય શાસ્ત્રોપદેશ અહીં વર્ણવાયેલ છે.
ચોથા સ્કંધ મનુભગવાન-શતરૂપા, શિવ-દક્ષ વૈમનસ્ય, પૃથુસ્તુતિ-સનતકુમારોનો જ્ઞાનોપદેશ પુરંજનની કથા. ચંડકોપ અને કાળ કન્યાના ઉપાખ્યાન દ્વારા સ્ત્રીજીવત યોગથી સંસાર આદિનું આલેખન છે. પાંચમા સ્કંધમાં ઋષભદેવના એકસો પુત્રો. ભરત-ભરતવંશી રાજવી તથા ભરતખંડ ભૂભાગનું, ગ્રહ-નક્ષત્ર માળાનું બ્રહ્માંડનું આલેખન છે.
છઠ્ઠા સ્કંધમાંના અજામિલ, વત્રાસૂર, ચિત્રકેતુના ચરિત્રોની કથાસૃષ્ટિ આખરે તો પીડા-કષ્ટ અને અંતે એમાંથી પ્રસન્નતા-મોક્ષગતિ પ્રાપ્તિની વિગતોને રસપ્રદ રીતે આલેખતી હોઇને ભાવક-ભકતને એના વાચન શ્રવણમાં રસ પડે છે. સાતમો સ્કંધ પ્રહલાદની ભક્તિનો નામસ્મરણની પ્રાપ્તિનો મહિમા કહ્યો છે. એમાં વ્યાસ મુનિએ ભારે રસળતી શૈલીમાં વર્ણાશ્રમ વ્યવસ્થા માનવ-જીવનના આયુષ્યકાળની વિવિધ આશ્રમ વ્યવસ્થા પણ વણી લીધી છે.
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ ગ્રહણના દિવસે દાનનું મહત્ત્વ
આઠમો સ્કંધ ગજેન્દ્ર મોક્ષના કથાનકનો છે. એમાં પણ પીડા અને અંતે પ્રસન્નતાની ક્ષણ છે. સમુદ્ર મંથનનું કથાનક પણ અને બલિરાજાનું કથાનક પણ એ જ મૂળ ભાવને પોષક અને સંવર્ધક છે. નવમો સ્કંધ કદ્રષ, રચ્યન અને અંબરીષની કથા દ્વારા મૂળ ભાવને સંકોરે છે. હરિશ્ચન્દ્રનું, સગરનું આખ્યાન કથાનક અને અંતે રામનું ચરિત્ર, પરશુરામનું ચરિત્ર, નહુષપુત્ર યયાતિ એનો વૈરાગ્યબોધ આખરે ભારતબોધનો પરિચય કરાવે છે. ભરતવંથ અને એમાંથી યદુવંશની કથાસૃષ્ટિ દ્વારા જગતની ઉત્પતિ પછી થયેલા વિકાસની વિગતને કથે છે.
દશમો સ્કંધ શ્રીમદ્ ભાગવતનું હાર્દ છે. કહે કે પ્રાણ છે. એના બે ખંડ છે. પૂર્વાધના 49 અધ્યાય અને ઉત્તરાર્ધના 41 અધ્યાય મળીને 90 અધ્યાયમાં કૃષ્ણ ચરિત્રને ગુંથી લીધું છે. એમાં પણ મૂળ સૂર તો પીડા-દુખ અને કષ્ટનો જ છે. કૃષ્ણજન્મ સમય પછી પુત્રસુખ સ્નેહથી વંચિત દેવકીના રૂદનથી આરંભ, યશોદાને કૃષ્ણની લીલાઓ પીડા ગ્રસ્ત કરે. પોતાનું સંતાન અન્યને સુખ-આનંદ અર્પે પોતાને નહીં એ પીડાની અનુભૂતિ, ગોપાંગનાઓ પણ ક્ષણ માટે મળેલું સુખ પુન:પ્રાપ્ત થાય એ માટે રાહ જુએ-વ્યથા અનુભવે-અભાવની પીડા-વ્યથા વિરહભાવ એમાંથી પ્રગટે છે.
રાસલીલા-ગોપી ગીત એનું ઉત્કૃષ્ટ શૃંગ છે. પછી પાછુ ગોપાંગના, યશોદા, ગોપબાળને કૃષ્ણનો વિરહ. એની પીડા, અંતે યશોદા પાસેથી દેવકીએ પ્રાપ્ત કરેલા કૃષ્ણથી પણ દેવકી સતત અવગણના-વંચના અનુભવે છે. મથુરામાં પરાક્રમમાં રત, કુવલયાપીડ, કુબ્જા, મલ્લ વગેરે સાથે રત છે. દેવકીને આનું ભારે મોટું કષ્ટ છે, પીડા છે. કૃષ્ણના વિવિધ સંદર્ભે અને મથુરા ત્યાગીને દ્વારિકા ગમન, ત્યાં અષ્ટ પટરાણીને પણ ભારે સંઘર્ષ-કષ્ટ વેઠીને પ્રાપ્ત કરી.
રુક્મિણી સાથેનો આંતરકલહ, પ્રદ્યુમ્ન, એના પુત્ર અનિરુદ્ધનું અપહરણ સુદામા કથાનક, કૃષ્ણ દ્વારા દંતવકત્ર અને વિદુરથનો વધ. બલરામ દ્વારા સૂજ્ઞ અને બલ્લવનો વધ. જેવી કથા સૃષ્ટિ પીડા-કષ્ટ-દુ:ખની જ વાચક છે. પણ અંતે એમાંથી તાવણીમાંથી ચરિત્ર દુ:ખાનુભવને બદલે પ્રસન્નતા તો કશાક અમીટ સુખ પ્રાપ્તિનો અનુભવ કરે છે. એટલે ભાગવત પુરાણ પીડાથી પ્રસન્નતા ‘કેઓસ ટૂ કોસમોસ’ નો અનુભવ કરાવતી કૃતિ તરીકેનું મોટું ભારતીય મૂલ્ય ભારતબોધનું કથન કરતી જણાઇ છે.
એકાદશ સ્કંધ યદુકૂળના વિનાશની અને વસુદેવને નારદજીએ કહેલા ધર્માપદેશના આલેખનનો છે. અહીં માયા, મોહનું નિરૂપણ છે. કૃષ્ણે સ્વધામ જવા ચાહતા હોઇને ઉદ્ધવને પ્રાર્થનાસ્તુતિ કરી. બદ્ધ, મુક્ત, સાધુ તથા ભક્તના લક્ષ્ણો વર્ણવીને સત્ય ગુણ તથા દુષ્ટના સંયોગથી પ્રાપ્ત અર્વસ્થિતિનું કથન કહ્યું. બારમો સ્કંધ સૃષ્ટિની ભાવિ અવસ્થિતિ, કળિયુગ કાળના લક્ષણો ચાર પ્રકારના પ્રલય, પરિક્ષિતના મૃત્યુ ભયનું નિવારણ અહીં કેન્દ્રમાં છે. માનવીને મૃત્યુના ભયમાંથી મુક્તિ અપાવતી, મોક્ષ અપાવતી કૃતિ ભાગવત પુરાણ આવા કારણે ભારે મૂલ્યવાન ગણાઇ. એની મહત્તા સ્વીકારાઇ. એને કાળનો કાટ ચડયો નથી. એ કાળજયી કૃતિના સ્થાન અને માનને પામી છે.
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ મહર્ષિ વાલ્મીકિ: જીવન રૂપાંતરની પ્રેરણા આપનાર…



