ફોકસઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ…

ડો. ભુપેન્દ્રસિંહ વી. અભાણી
સોમનાથ દરિયા કિનારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કાકા સાહેબ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીલ, નવાનગર હાલનું જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ, આરઝી હકૂમતના વડા શ્રી શામળદાસ ગાંધી તથા અન્ય
સૌરાષ્ટ્રના સાગરકાંઠે ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દેશભરમાં પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગ પૈકી અતિ પવિત્ર અને મહત્ત્વના ગણાતા આ શિવ મંદિરનો મહિમા દેશ અને વિદેશમાં વસતા હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સૃષ્ટિના સર્જન જેટલું જ આ પ્રાચીન સોમનાથ તીર્થ મનાય છે. વૈદિક કાળમાં જોઈએ તો સ્કંદપુરાણ પ્રભાસ ખંડમાં સોમનાથના લિંગનું વર્ણન આપેલું છે. સોમનાથ પાછળની દંત કથા તો આપણે જાણીએ છીએ કહેવાય છે કે બ્રહ્માએ સોમને અને તેની પત્ની રોહિણીને સોમનાથના લિંગની સ્થાપના માટે પ્રેરણા આપેલી.
ભગવાન સોમનાથનું આ મંદિર અનેક અનેકવાર તૂટયું અને ફરી બંધાયું. પ્રથમ મંદિર ત્યાર પછી બીજું મંદિર ચાંદીનું કૃષ્ણરાજે બંધાવ્યું. ત્રીજું મંદિર આઠમી સદીમાં બંધાયેલું. સોમનાથનો ઉલ્લેખ ચાણક્યના સમયમાં ઈ.સ. 960 દરમિયાન પણ મળે છે.
મહંમદ ગજનીએ ઇ.સ. 1025 ની 26 નવેમ્બરના રોજ એક લાખ માણસો સાથે મુલતાનથી કુચ કરી 40 દિવસમાં એટલે કે છઠ્ઠી જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પહોંચ્યો અને ત્રણ દિવસમાં સોમનાથ કબજે કરી આશરે 50000 મૃતદેહોને સોમનાથના પ્રાંગણમાં રઝળતા મૂકી કરોડો રૂપિયાની કીમતી સામગ્રી લુંટી મુલતાન પાછો ફર્યો. આ રીતે ત્રીજું મંદિર પણ નાશ પામ્યું.
ઈ.સ. 1226માં અલાઉદ્દીન ખીલજી ગાદીએ આવ્યો. તેણે સોમનાથની ભવ્યતાની વાતો સાંભળી અને સોમનાથને લૂંટી લિંગના ટુકડા કરી બધો ખજાનો દિલ્હી લઈ ગયો. ત્યારબાદ મહમદ બેગડાએ 1469માં સોમનાથ પર ચડાઈ કરી લિંગને મંદિરમાંથી દૂર કરી ત્યાં મંદિરને મસ્જિદમાં ફેરવી નાખી, પરંતુ તેનો મસ્જિદ તરીકે ઉપયોગ થાય તે પહેલા જ ઈ.સ. 1500 પૂર્વે મંદિર ફરી બંધાયું. આ પછી ઈ.સ. 1783માં ઇન્દોરના રાણી અહલ્યાબાઈએ ખંડિત મંદિર જોઈ તેની બાજુમાં નવું મંદિર બંધાવ્યું.
ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો ત્યારે જૂનાગઢ પર મુસ્લિમ નવાબ રાજ કરતો હતો. આઝાદી પછી જૂનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી ગયો અને જૂનાગઢનો કબજો આરઝી હકૂમતે મેળવ્યો. ત્યારે ભારત સરકારના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમની સાથે પ્રધાનમંડળના તેમના સાથીઓ કાકાસાહેબ, એન. વી. ગાડગીલ, નવાનગર હાલનું જામનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી, ભારતનું બંધારણ ઘડનાર કમિટીના મેમ્બર તથા ગુજરાતના પનોતા પુત્ર એવા લેખક શ્રી કનૈયાલાલ મુનશી વગેરે સોમનાથની મુલાકાતે ગયા. એક જમાનામાં ભારતની કીર્તિસમાન સોમનાથ મંદિરની બિસ્માર, ઉપેક્ષિત અને એકાકી હાલત જોઈને સરદારશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું.
સોમનાથ દરિયા કિનારે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કાકા સાહેબ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીલ, નવાનગર હાલનું જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ, આરઝી હકૂમતના વડા શ્રી શામળદાસ ગાંધી તથા અન્ય તેઓ તુરંત સાગર કિનારે પહોંચ્યા અને સમુદ્ર જળ હાથમાં લઇ તેમણે ભગવાન સોમનાથના મંદિરનો પુન:નિર્માણ કરવાનો સંકલ્પ લીધો.
આ દિવસ હતો તા. 13 નવેમ્બર, 1947 વિક્રમ સંવત 2004 કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ જેવો શુભ દિવસ. સરદાર સાહેબે જાહેરમાં ઘોષણા કરતા કહ્યું; `નૂતનવર્ષના આ શુભ દિવસે આપણે સંકલ્પ કર્યો છે કે સોમનાથના મંદિરનું પુન: નિર્માણ થવું જોઈએ. આપણું આ પરમ કર્તવ્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ.’
પુન: નિર્માણના ઐતિહાસિક કાર્યમાં જામસાહેબે રૂપિયા એક લાખનો ફાળો આપવાની જાહેરાત કરી તો આરઝી હકૂમતના વડા શ્રી શામળદાસ ગાંધીએ રૂપિયા 51,000 ફાળો આપવાની જાહેરાત કરી. આ કાર્યમાં શ્રી કનૈયાલાલ મુનશીને શરૂઆતથી જ જોડવામાં આવ્યા. સોમનાથ મંદિરની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે અહીંથી દરિયા માર્ગે સીધી લીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ જમીન નથી. આ માટે ત્યાં એક સ્તંભ પર નિશાન બતાવેલ છે.
આ પણ વાંચો…સોમનાથ મંદિરમાં લૂંટાયેલા ખજાનાની કિંમત આજે કેટલી થાય? જાણીને ચોંકી જશો!
આ મંદિર સાથે સંકળાયેલ કેટલીક ત્વારીખો પર દ્રષ્ટિપાત કરીએ તો તે અસ્થાને નહીં ગણાય.
- તા. 13 નવેમ્બર 1947 શ્રી સરદાર પટેલ દ્વારા મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ.
- તા. 19 એપ્રિલ 1950 સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈના હસ્તે ગર્ભગૃહ ભૂમિ પૂજન.
- તા. 15 ડિસેમ્બર 1950 સોમનાથ મંદિરના પુનનિર્માણના પ્રણેતા સરદાર પટેલ આપણી વચ્ચે રહ્યા નહીં, આ મહાન હસ્તીનો દેહવિલય થયો.
- તા. 8 મે 1950 નવાનગરના જામસાહેબ દિગ્વિજયસિંહના હસ્તે શિલાન્યાસ.
- તા. 11 મે 1951 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી.
- 14 વર્ષ પછી સભા મંડપનું કાર્ય પૂં થતાં તારીખ 13 મી મે 1965 ના રોજ 21 તોપની સલામી સાથે સોમનાથ મંદિરના 155 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને કળશ પ્રતિષ્ઠાપન વિધિ કરવામાં આવી.
- તા. 28 નવેમ્બર 1966 જામસાહેબના પત્ની ગુલાબ કુંવરબા દ્વારા દિગ્વિજય દ્વારનો શ્રી કનૈયાલાલ મુનશીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવેલ.
- તા. 4 એપ્રિલ 1970 મુકસેવક શ્રી રવિશંકર મહારાજના હસ્તે સોમનાથ મંદિરની સામે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
- તા. 19 મે 1970 સત્ય શ્રી સાઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વાર ખુલ્લો મુકાયો.
- 1995 ના પહેલી ડિસેમ્બરે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્માના વરદહસ્તે નૃત્ય મંડપ પર કળશ પ્રતિષ્ઠાન વિધિપૂર્વક કરવામાં આવ્યું અને તે પ્રસંગે અતિદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
આ રીતે 1947 ની 13 મી નવેમ્બર સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુન:નિર્માણનો જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ પહેલી ડિસેમ્બર 1995 ના રોજ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ છે ભગવાન સોમનાથની ભવ્યાતીભવ્ય કથા. આ લખતા લખતા મારા હૃદયમાં એક સુર ઉઠ્યો: `પ્રથમ સોરઠ સોમનાથ, નિત્ય દર્શન દીજીએ, પ્રભુ નિત્ય દર્શન દીજીએ.’
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું મહાકાર્ય કૉંગ્રેસીઓએ જ પાર પાડેલું…



