ગંગા નદી: પાણી જ નહીં સભ્યતા પણ પ્રવાહિત કરે છે…

ફોકસ – વીણા ગૌતમ
આપણી નદીઓ જીવન પ્રદાન કરનારી છે. આપણી સભ્યતાઓ અને સંસ્કૃતિ નદી કિનારે વિકસિત થઈ છે. નદી વગર જીવન કલ્પી ન શકાય. જોકે વધતા પ્રદૂષણ અને નદીઓ પ્રત્યે લોકોની ઉદાસીનતાને કારણે જળસંકટ વધી રહ્યું છે. એના કારણે નદીઓના અસ્તિત્વ પર પણ સંકટ ઘેરાઈ રહ્યું છે. એથી નદીઓનું સંરક્ષણ તો જરૂરી છે જ સાથે જ આવનારી પેઢીને પણ તેનું મહત્ત્વ સમજાવવામાં આવે.
સૌથી પવિત્ર ગણાતી નદીમાં ગંગાનું સ્થાન મોખરે છે. આ એક નદી જ નહીં, પરંતુ આપણી જીવનરેખા પણ છે. ગંગા નદી પૂજનિય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. નદી આસ્થા, સભ્યતા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવ આપનારી છે. એથી જ કહેવાય છે કે ગંગાના પાવન જળમાં હિન્દુ સભ્યતા પણ વહે છે.
ગંગા નદીની ઉત્પત્તિ હિમાલયના ગોમુખ હિમ નદીમાંથી થાય છે. જ્યાં એને ભાગીરથી કહેવામાં આવે છે. અલકનંદા જ્યારે આ ભાગીરથીમાં મળે છે ત્યારે આ બન્ને નદીઓનો સંગમ ગંગા તરીકે ઓળખાય છે. જે ભારતની સૌથી લાંબી નદી છે. ગંગા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. બાદમાં બાંગ્લાદેશમાં પ્રવેશ કરીને પદ્માના રૂપમાં બંગાળની ખાડીમાં ભળી જાય છે.
આપણાં દેશમાં ગંગાને માતા અને મોક્ષદાયિનીનો દરજ્જો મળે છે. ગંગાના જળને અમૃતતુલ્ય માનવામાં આવે છે. દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક અનુષ્ઠાનમાં ગંગાના જળનો ઉપયોગ કરવામાં આવે છે.
ગંગા નદીના કિનારે જ હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, પ્રયાગરાજ અને ગંગાસાગર જેવા પવિત્ર તીર્થસ્થળ આવેલા છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર જ કુંભમેળાનું આયોજન થાય છે.
નદીનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પરંતુ સાથે જ આર્થિક દૃષ્ટિએ પણ એ અગત્યની છે. કૃષિ અને વેપારની દૃષ્ટિએ એ સૌથી વધુ સમૃદ્ધ છે. ગંગા નદીના કિનારે એક એકથી ચડિયાતા ઔદ્યોગિક નગર સ્થાપિત થયા છે. કોલકાતા, કાનપુર, ભાગલપુર, વારાણસી અને પટના એમાંના જ છે. જ્યાં કાપડ, ખાદ્ય પ્રસંસ્કરણ, વીજળી સંયંત્ર અને કાગળનો ઉદ્યોગ ધમધમે છે. ગંગા નદીનું સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ હોવાની સાથે જ એ પર્યટન માટે પણ લોકોને આકર્ષિત કરે છે. એના કારણે અનેક લોકોને રોજગાર મળે છે.
ગંગામાં આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહે છે. ગંગાનો ઉલ્લેખ ભારતીય સાહિત્ય, કળા, સંગીત અને લોકકથાઓમાં વ્યાપકરૂપે કરવામાં આવ્યો છે.
આમ, સૌને જીવન પ્રદાન કરનારી ગંગા નદી સમક્ષ કેટલાક પડકારો પણ છે. એથી એને પુનર્જીવન આપવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. ગંગા નદીના કિનારે અથવા તો એની આસપાસના વિસ્તારોમાં જેટલા લોકો આશ્રિત છે એની સરખામણીએ દુનિયાની કોઈ નદી પર આવો દબાણ નથી. એથી ગંગા પર વધુ દબાણ, ઔદ્યોગિક પ્રદૂષણ અને ધાર્મિક કર્મકાંડને કારણે પ્રદૂષણ ફેલાયું છે. આ જ કારણ છે કે સરકારે નમામિ ગંગે નામનું મિશન શરૂ કર્યું છે. સાથે જ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ગંગા આપણું ગૌરવ છે. એને સ્વચ્છ અને નિર્મળ રાખવાની આપણી સૌની જવાબદારી બને છે.
આપણ વાંચો : ફોકસ: સિંધુ દર્શન મહોત્સવ