ફોકસ: અક્ષય તૃતીયા પર બનવાનો છે દુર્લભ સંયોગ

-રશ્મિ શુક્લ
અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. સૌથી શુભ મુહૂર્તોમાં અક્ષય તૃતીયાનો સમાવેશ થાય છે. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય ન થાય એ. એટલે કે આ દિવસે કરવામાં આવેલાં કાર્યોનું અનેકગણું ફળ મળે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે પૂજા-પાઠ, દાન-પુણ્ય કરવાનું વિધાન છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ આરાધના કરવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે.
એ દિવસે અતિશય શુભ સંયોગ બનવાનો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બનવાની સાથે શોભન અને રવિનો યોગ પણ બનવાનો છે. એવું કહેવાય છે કે સર્વાર્થ સિદ્ધિ યોગ દરમ્યાન પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે. દાન-પુણ્યની સાથે જ સોના ખરીદવાની પણ પરંપરા છે.
અક્ષય તતીયાના દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે. આ દિવસે વૃંદાવનમાં બાંકે-બિહારીનાં ચરણોના દર્શન થાય છે.
આપણ વાંચો: વિશેષ: મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે
વિધિ-વિધાન સાથે પૂજા:
અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન બાદ સ્વચ્છ કપડા પહેરવા. ત્યારબાદ ભગવાન લક્ષ્મીનારાયણની છબી કે પછી મૂર્તિને સ્થાપિત કરવી. માતા લક્ષ્મીને કુમકુમનો અને ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું. માતા લક્ષ્મીને કમળ અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલ સમર્પિત કરવા. ત્યારબાદ તેમને ભોગ ધરવો. લક્ષ્મીનારાયણની કથા વાંચીને આરતી કરવી.
ધાર્મિક માન્યતા અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવુ અને ગરીબ-જરૂરતમંદ લોકોને યથાશક્તિ દાન આપવું.
અક્ષય તૃતીયા સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. પ્રાચીનકાળમાં એક ધર્મપરાયણ, પરંતુ ગરીબ વૈશ્ય રહેતો હતો. જેને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. એક દિવસ એને જાણ થઈ કે વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને બ્રાહ્મણોને દાન આપવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. એથી તેણે પણ નક્કી કર્યું કે આ તક હાથમાંથી ન જવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનથી પરવારીને વિધિ-વિધાનથી તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરાધના કરવા માંડ્યો. સાથે જ પોતાના સામર્થ્ય મુજબ દાન પણ કર્યું. તેના પુણ્યના પ્રતાપે આગલા જન્મમાં તેણે કુશાવતી રાજાના રૂપમાં જન્મ લીધો હતો.
આવી રીતે અક્ષય તૃતીયાના દિવસે કરેલું દાન-પુણ્ય કદીપણ વ્યર્થ નથી જતું, તેનું ફળ તો અનેકગણું મળે છે.