ધર્મતેજ

એકસ્ટ્રા અફેર : મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, કૉંગ્રેસ નહીં સુધરે

-ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકીય પક્ષોને દેશનો વિકાસ કરવાના બદલે પોતાની મતબૅંક કઈ રીતે મજબૂત થાય તેમાં રસ છે. તેના કારણે દેશની વાટ લાગતી હોય તો ભલે લાગે. તેમને કોઈ ફરક પડતો નથી. મતબૅંક માટે થઈને ધર્મ, જ્ઞાતિ વગેરેનો ઉપયોગ કરવામાં પણ તેમને કોઈ શરમ નથી આવતી. તેના કારણે દેશના બંધારણનું અપમાન થાય છે કે લોકોમાં વૈમનસ્યની લાગણી પેદા થાય છે તેની પણ તેમને કોઈ પરવા નથી હોતી. આ ખતરનાક માનસિકતાના કારણે દેશ વિકાસ કરવાના બદલે ધર્મ, જ્ઞાતિ વગેરેની વાડાબંધીમાંથી જ બહાર આવતો નથી. મેરિટની કોઈ કિંમત રહી નથી ને બધું જ ધર્મ કે જ્ઞાતિના આધારે જ નક્કી થાય છે ને તેનું તાજું ઉદાહરણ કર્ણાટકની કૉંગ્રેસ સરકારે બજેટમાં મુસ્લિમો માટે કરેલી જોગવાઈઓ છે.

કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારના બજેટમાં સરકારે મુસ્લિમો માટે લગભગ 4700 કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરી છે અને તેમાં સૌથી મહત્વની જાહેરાત એ છે કે, જાહેર બાંધકામ વિભાગમાં 4 ટકા કોન્ટ્રાક્ટ મુસ્લિમ સમુદાય માટે અનામત રાખવામાં આવશે. આ બજેટમાં મસ્જિદના ઇમામને માસિક 6 હજાર રૂપિયા ભથ્થું, વકફ મિલકતોના રક્ષણ માટે 150 કરોડ રૂપિયા, ઉર્દૂ શાળાઓ માટે 100 કરોડ રૂપિયા અને લઘુમતી કલ્યાણ માટે 1 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે પણ તેમાં મસ્જિદોના ઈમામોને માસિક 6000 રૂપિયાનું ભથ્થું આપવાની જાહેરાતને બાદ કરતાં બાકીની જાહેરાતો જાહેર હિતની છે તેથી ચલાવી લેવાય પણ કોન્ટ્રાક્ટમાં અનામતની જોગવાઈ તો મેરિટના ધજાગરા ઉડાડનારી છે. આ જાહેરાત દ્વારા કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણમાં નવો અધ્યાય ઉમેરી દીધો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

આ પણ વાંચો…મારી સત્યતાના બળ પર હે દેવતાઓ મને તમારા વાસ્તવિક રૂપના દર્શન કરાવો

સિદ્ધરામૈયા સરકારની આ જાહેરાત બંધારણના પણ ધજાગરા ઉડાડનારી છે. આ દેશના બંધારણ પ્રમાણે, ધર્મના આધારે કોઈને પણ અનામત આપી શકાતી નથી છતાં કૉંગ્રેસ સરકારે મુસ્લિમો માટે અનામતની જોગવાઈ કરી નાંખી છે. ધર્મના આધારે અપાતી કોઈ પણ પ્રકારની અનામતને આ દેશની હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ વારંવાર નકારી ચૂકી હોવા છતાં સિદ્ધરામૈયા સરકાર 4 ટકા કોન્ટ્રાક્ટ મુસ્લિમો માટે અનામત રાખે તેનો શો અર્થ ? એ જ કે કૉંગ્રેસ સરકારને આ દેશનું ન્યાયતંત્ર શું કરે છે તેની પરવા નથી કે બંધારણની પણ ચિંતા નથી. બંધારણમાં ગમે તે લખાયેલું હોય કે સુપ્રીમ કોર્ટે ગમે તે કહ્યું હોય, કૉંગ્રેસ માટે એ મહત્વનું નથી. કૉંગ્રેસ માટે મુસ્લિમ મતબૅંક મહત્ત્વની છે અને મુસ્લિમ મતબૅંક માટે તુષ્ટિકરણ કરવામાં તેને કોઈની શરમ નડતી નથી.

ભારતના બંધારણ પ્રમાણે, દેશના તમામ નાગરિકો સમાન છે અને તેમની સાથે ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, વર્ણ કે બીજા કોઈ પણ આધાર પર ભેદભાવ નથી કરી શકાતો. આ જોગવાઈના કારણે સમાનતાના અધિકારનો જ ભંગ થાય છે એ રીતે પણ આ જાહેરાત બંધારણનું અપમાન કરનારી છે.

વધારે આઘાતજનક વાત એ છે કે, આ જોગવાઈ એવા ક્ષેત્રમાં કરાઈ છે કે જ્યાં અનામતની ખરેખર જરૂર જ નથી. જાહેર બાંધકામ વિભાગ દ્વારા નહેરોથી માંડીને સરકારી ઈમારતો સુધીનું બધું બાંધવામાં આવે છે. આ બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ મેળવવાની લાયકાત કોન્ટ્રાક્ટરનો ભૂતકાળનો અનુભવ હોય છે, તેનો ટ્રેક રેકોર્ડ હોય છે પણ સિદ્ધરામૈયા સરકારે તેમાં ધર્મની લાયકાત પણ ઉમેરી દીધી છે. આ વાત જ એટલી વાહિયાત છે કે તેની સામે કોઈ દલીલ જ થઈ શકે તેમ નથી.

સિદ્ધરામૈયા સરકાર આ જોગવાઈ દ્વારા એકદમ ખોટી પરંપરા સ્થાપિત કરી રહી છે. આ દેશમાં સરકારી કોન્ટ્રાક્ટ અત્યાર સુધી નક્કી કરેલાં ધારાધોરણો અને લોએસ્ટ રેટના આધારે અપાતા રહ્યા છે. એ યોગ્ય પણ છે કેમ કે સરકારી પૈસો વેડફવા માટે નથી અને સાથે સાથે કામ પણ સારું થવું જોઈએ. આ સિધ્ધાંતના આધારે સૌથી ઓછા રેટમાં સૌથી સારું કામ કરી આપનારને કોન્ટ્રાક્ટ અપાય છે. આ ધારાધોરણમાં ફેરફારને અવકાશ જ નથી.

કર્ણાટક સરકારની નવી અનામત નીતિના કારણે વિચિત્ર સ્થિતિ સર્જાશે. માનો કે મુસ્લિમો માટે અનામત રખાયેલા કોન્ટ્રાક્ટ માટે કોઈ મુસ્લિમ કોન્ટ્રાક્ટર ના મળ્યો તો શું ? માનો કે મુસ્લિમ કોન્ટ્રાક્ટર મળી ગયો પણ તેનો રેટ લોએસ્ટ નથી તો શું ? મુસ્લિમ કોન્ટ્રાક્ટર જે રેટ પર કામ કરવા તૈયાર થાય તેના કરતાં ઓછા રેટમાં તેના કરતાં વધારે અનુભવી અને બહેતક કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર હોય તો શું ? એ સંજોગોમાં સરકાર પ્રજાનાં નાણાં બચાવવાનો ધર્મ અપનાવીને બહેતર કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપશે કે પછી મુસ્લિમને કોન્ટ્રાક્ટ આપશે ? આ પ્રકારના ઘણા સવાલો ઊભા થશે.

આ પણ વાંચો…અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

કર્ણાટક સરકારનો નિર્ણય એ વાતનો પુરાવો છે કે કૉંગ્રેસ ભૂતકાળમાંથી કશું શીખી નથી અને તેની અક્કલ મુસ્લિમ તુષ્ટિકરણથી આગળ ચાલતી નથી. આ નિર્ણય એ વાતનો પુરાવો છે કે, કૉંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, નેતૃત્વ નથી અને લોકોનું ભલુંપ કરવાની દાનત પણ નથી. કૉંગ્રેસે કેન્દ્રમાં ફરી સત્તા પર આવવું હોય તો ભાજપને હરાવવો જરૂરી છે. ભાજપ કેન્દ્રમાં સત્તા પર ઉત્તર ભારત અને પશ્ર્ચિમ ભારતના રાજ્યોમાં કૉંગ્રેસને સાફ કરીને પહોંચ્યો છે. કૉંગ્રેસે ફરી બેઠા થવું હોય તો ભાજપને હરાવવાની તાકાત મેળવવી પડે ને તેના માટે કૉંગ્રેસે હિંદુઓને ખુશ કરવા પડે પણ કૉંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ દ્વારા હિંદુઓને નારાજ કરી રહી છે. કૉંગ્રેસની છાપ એક મુસ્લિમ પાર્ટી તરીકેની પડી ગઈ છે. આ છાપ દૂર કરવામાં કૉંગ્રેસને કોઈ રસ જ ના હોય એવું લાગે છે.

કૉંગ્રેસ પાસે કર્ણાટક સહિતનાં જે પણ રાજ્યોમાં સત્તા છે ત્યાં તેણે લોકો ખુશ થઈ જાય એવું શાસન કરવું જોઈએ અને લોકોને ખુશ કરી દેવા જોઈએ. લોકોને પડતી તકલીફો દૂર કરીને, જોરદાર વિકાસ કરીને કૉંગ્રેસે પોતાની ઈમેજ સુધારવી જોઈએ પણ તેના બદલે કૉંગ્રેસ મુસ્લિમ રાજકારણના કુંડાળામાં જ રમ્યા કરે છે. તેના કારણે મુસ્લિમોનું કંઈ ભલું થવાનું નથી પણ કૉંગ્રેસનો ઉદ્દેશ મુસ્લિમોનું ભલું કરવાનો પણ નથી. કૉંગ્રેસને તો પોતાને મુસ્લિમોના મસીહા તરીકે સ્થાપિત કરવાની ખંજવાળ છે. કૉંગ્રેસ એવું જ માને છે કે, મુસ્લિમો સામે આવા નાના નાના ટુકડા પેંકી દઈશું
એટલે આખા દેશના મુસ્લિમો આપણને મત આપી દેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button