ધર્મતેજ

સમ્યકદર્શનમાં બાધક આઠ મદ…

વિશેષઃરાજેશ યાજ્ઞિક

જ્ઞાનં પૂજાં કૂલં જાતિં, બલમૃદ્ધિં તપો વપુ:
અષ્ઠાવાશ્રિત્ય માનિત્વં, સ્મયમા દુર્ગત સ્મયા

જૈન ધર્મના શ્રાવકોના આચાર માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ રત્નકરન્ડ શ્રાવકાચારમાં મનુષ્યમાં કેવા પ્રકારના મદ હોય છે તેનું સંક્ષિપ્ત, પરંતુ માર્મિક વર્ણન કર્યું છે. શ્ર્લોકમાં દર્શાવ્યું છે તેમ, જ્ઞાન, પૂજા (પ્રતિષ્ઠા), કુળ, જાતિ, બળ, ધન, તપ અને શરીરનું સૌંદર્ય આ આઠ બાબતો પર આશ્રય કરવો તેને મદ કહ્યો છે. કહેવાનો આશય એ છે કે આ આઠ પ્રકારના મદ મનુષ્યને મોક્ષ માર્ગમાં બાધા બનનારા છે. કેવી રીતે? તો, આ આઠ મદ કરનારનું સાંખ્યકત્વ દૂષિત થાય છે. અને જેનું સમ્યકત્વ દૂષિત થયું તેનો મોક્ષમાર્ગ પણ દૂષિત થયો સમજવો.

જ્ઞાનનો મદ
જે પોતાને જ્ઞાની કહે છે તે ખરેખર તો અજ્ઞાની છે!!! આજે લોકો પોતાની ડિગ્રી અને શિક્ષણનું જ્ઞાન મેળવી લે એટલે પોતાને મહાજ્ઞાની સમજવા લાગે છે. બીજાને અભણ અને અજ્ઞાની માનવા લાગે છે. પણ હકીકત એ છે કે જે વિષયના જાણકાર કે નિષ્ણાત હોવાનો તેઓ દાવો કરતા હોય છે તેનું પણ સંપૂર્ણ જ્ઞાન તેમની પાસે હોતું નથી. જ્યારે આ વિશ્વ, પૃથ્વીથી લઈને બ્રહ્માંડમાં અગણિત ચીજોનું જ્ઞાન આપણને ક્યાં છે? જ્ઞાની માણસ શું વિચારે? માને છે કે તેનું જ્ઞાન તેની ઇન્દ્રિયો પર આધારિત છે; જ્ઞાનના સમુદ્રની તુલનામાં, તેનું જ્ઞાન એક ટીપા જેવું છે! અસંખ્ય વખત, એક, બે, ત્રણ, કે ચાર ઇન્દ્રિયોવાળો હું બન્યો, છતાં બધી ઇન્દ્રિયો પણ મળી નહોતી! નિગોદમાં, અક્ષરના અનંત ભાગનું જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું!

પૂજા/પ્રતિષ્ઠાનો મદ
મારી પૂજા થવી જોઈએ, સમાજમાં મારું નામ અને પ્રતિષ્ઠા હોવી જોઈએ, લોકો મને ઓળખે, આવી લાગણીઓ રાખવી અને તેને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી કામ કરવું એ પૂજા/પ્રતિષ્ઠાનો મદ છે. ધર્મ અને સમાજ સેવાના માર્ગ પર ચાલતા લોકોને આ મદ થવાનું જોખમ અનેકગણું છે. આપણી સામે એવાં અનેક ઉદાહરણો છે જેમાં કહેવાતા ધર્માચાર્યો કે સંતો પણ આ મદથી મુક્ત થઇ શક્યા નથી. તેવી જ રીતે સત્તાના નશામાં આળોટતા અનેક નેતાઓ પણ આ મદના માર્યા લોકોને તુચ્છ સમજવા લાગે છે.

જ્યારે જ્ઞાની વિચારે છે કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ માન-સન્માન છે, જે કંઈ પણ પ્રાપ્ત થાય છે તે તો ઈશ્વરની કૃપા છે. તેમાં મારે મદ કરવા જેવું શું છે?

કુળ અને જાતિનો મદ
પિતાના વંશનો મદ કરવો એ કુળ મદ છે. અને માતાના વંશનો મદ કરવો એ જાતિ મદ છે. મારો જન્મ કેવા ઉચ્ચ કુળમાં થયો છે, પ્રસિદ્ધ અને જ્ઞાની અને લોકોમાં પૂજાતા લોકો મારા કુળમાં છે તેવો ઘણાને મદ હોય છે. મારી માતા અતિ તેજસ્વી છે, તેના વંશમાં રૂપવાન, ગુણવાન અને જ્ઞાનવાન સ્ત્રીઓના જન્મ થયા છે. મારા શરીરમાં પણ આવા ઉચ્ચ ગુણો ધરાવનારનું લોહી વહે છે, તેવો મદ થાય છે.

જ્ઞાની માને છે કે, કયા કુળમાં કે કઈ જાતિમાં જન્મ થવો એ આપણા હાથમાં નથી, તો તેનું અભિમાન શેનું? ચોર્યાસી લાખ જન્મોના ફેરામાં અનંત વાર તુચ્છ એવા જન્મો મને મળ્યા હતા, જેના જન્મ કે મૃત્યુની કોઈએ નોંધ પણ નહોતી લીધી. ભાગ્યવશ એક જન્મ સુંદર મળ્યો છે તે મારે ધર્મના માર્ગે આગળ વધવાનો વિચાર કરવાનો હોય, નહીં તો આ જન્મ પણ એળે જશે.

બળનો મદ
આ મદ તો રાવણને પણ હતો. એક હાથે પર્વત ઊંચકીને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા ગયો અને મહાદેવે તેને ભાન કરાવ્યું કે તે કેટલો પામર છે. જૈન દર્શનમાં ભગવાન મહાવીરના જન્મ સમયની ઘટનાનું વર્ણન છે. જેમાં ઇન્દ્રની શંકાનું નિરસન કરવા મહાવીર સ્વામીએ અંગૂઠાથી સ્પર્શ કરીને મેરુ પર્વત કંપાયમાન કર્યો. તેમ છતાં તેમણે તેનો મદ કર્યો નહોતો.

જ્ઞાનીજન વિચાર કરે છે, કે યુવાનીમાં જે બળ છે એ વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થઇ જશે. આ શક્તિનો ઉપયોગ તપસ્યા કરીને ધર્મના માર્ગને પ્રશસ્ત કરવાની જરૂર છે.

ઋદ્ધિનો મદ
પ્રાપ્ત કરેલી સંપત્તિનો મદ અનેક લોકોને હોય છે. જો ત્યાગી હોય તો મેં આટલી સંપત્તિનો ત્યાગ કર્યો તેવો મદ આવી જાય. તપસ્વી હોય તો તપોજનિત શક્તિઓનો મદ આવી જાય. આ મદ મનુષ્યને ધર્મના માર્ગમાંથી વિચલિત કરી દે છે.

તપનો મદ
સાધક માટે લાલબત્તી સમાન છે આ મદ. મોક્ષના માર્ગે આગળ વધતો મુમુક્ષુ અહમનું વિસર્જન ન કરે તો આ મદ તેનામાં પ્રવેશતા વાર લાગતી નથી. હું મહાત્યાગી, હું મહાતપસ્વી છું. મારા જેવો તપસ્વી અન્ય કોઈ નથી કે કોઈએ ન કર્યા હોય તેવા તપ મેં કર્યા છે, તેવો ભાવ મનમાં પેદા થાય એટલે તપ અને સાધના કરીને મેળવેલ પુણ્યાઈ પર પાણી ફરી વળતા વાર નથી લાગતી. જ્ઞાની તપ કરે છે, પણ તેને માત્ર પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ માને છે.

રૂપનો મદ
રૂપના મદમાં ભાન ભૂલેલી સ્વર્ગની અપ્સરાઓનું પણ પતન થયું છે, તો સાધારણ મનુષ્યની શી વિસાત?! જ્ઞાની સાધક શરીરને ગૌણ કરી નાખે છે. શરીરના રૂપ કરતા આત્માના રૂપની ચિંતા વધુ કરે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button