શાશ્ર્વત ભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ: પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ...
ધર્મતેજ

શાશ્ર્વત ભાવોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ: પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓ…

દુહાની દુનિયા – ડૉ. બળવંત જાની

પ્રાકૃત-અપભ્રંશમાં પ્રચલિત ગાથાઓને એકત્ર કરીને એના સંચયની કામગીરીમાં જે રાજાઓના યોગદાનની અનેક દંતકથાઓ પ્રચલિત છે એવા કવિ હાલ હકીકતે તો કથાસરિત્સાગરમાં સોમદેવે જે પ્રાકૃત ભાષાપ્રેમી અને કવિવત્સલ રાજવી સાતવાહનની જે વાત કરી છે.

તે જ સાતવાહન ઉપરથી સાસવાણ્ણ એમાંથી સાસાહણ્ણ એમાંથી સાસ અને લોકબોલીમાં હાલ તરીકે સુપ્રસિદ્ધ થયા. આ કવિ હાલ રચિત અને એકત્રિત ગાહાકોશ, ગાથાસપ્તશતી સૌથી પ્રાચીન સંચય ગણાય છે. ઈ.સ.ની બીજી-ત્રીજી શતાબ્દીથી પ્રચલિત આ બધી ગાથાઓ ત્યાર પછી અન્ય કવિઓએ એમના ગ્રંથોમાં ઉદાહૃત કરી અને એમ સચવાઈ રહી.

નવમી શતાબ્દીના કવિશ્રી સ્વયંભૂએ અને એ પછી હેમચાંચાર્યે એમના ગ્રંથોમા કવિ હાલની ઘણી બધી પ્રાકૃત ગાથાઓને ઉદાહૃત કરી છે. બીજી-ત્રીજી શતાબ્દીથી કવિ હાલ વિષયક અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. ગુણાઢય, પાદલિપ્ત આદિનોએ આશ્રયદાતા માનય છે. સંસ્કૃતભાષા પરત્વેનું એનું પોતાનું અજ્ઞાન અને પ્રાકૃત આદિ લોકબોલી પરત્વેનો પ્રેમ, વિલાસી પ્રકૃતિ તથા વિક્રમાદિત્ય જેવા રાજવીને યુદ્ધમાં પરાજિત ર્ક્યાના ઉલ્લેખો પણ એમના સંદર્ભે સાંપડે છે.

હાલ-સાતવાહન રચિત અને સંગ્રહિત ગાથાઓ એની કવિત્વ શક્તિની, સૌંદર્યદૃષ્ટિની અને કલ્પનાશક્તિની પરિચાયક છે. ગાથાઓની વિષયસામગ્રીમાં કેન્દ્રસ્થાને રહેલ ભાવવિશ્વ સનાતન અને શાશ્ર્વત કોટિનું કોઈને આજે પણ આપણાં ચિતને પ્રસન્ન કરે છે. પ્રાચીન ભારતીય લઘુ કવિતાના ઉમા ઉદાહરણરૂપ આ ગાથાઓના વિપુલ પ્રવાહમાંથી ખોબો ભરીને થોડી ગાથાઓનું રસપાન કરાવવાનો ઉપક્રમ છે.

દાંપત્યજીવનમાં રીસામણાં-મનામણાં તો ચાલે પણ એમાં મહિમા રીસાયેલી સ્ત્રીને મનાવી લેવાનો છે. પુરુષને મનાવવાની વાતને નહીં પણ આવા સમયે સ્ત્રીને મનાવીને એનો પતિ ખરા અર્થમાં કેવી રીતે સ્વામીપદને પ્રાપ્ત કરે છે એ ભારે મર્મથી કવિએ કહ્યું છે.

નૂમેંતિ જે પહાું કૂવિઅન દાસવ જે પસાઅંતિ;
તે-ચ્ચિઅ મહિલાણ પિખા સેસા સામિ-ચ્ચિઅ વરાઆ.

જે પતિઓ પોતાનું સ્વામીપણું પ્રગટ કરવાને બદલે દાસ-સેવક જેવા થઈને રિસાયેલી કે કોપેલી પ્રિયતમાને-પત્નીને મનાવી લે છે, તેઓ જ ખરા અર્થમાં સ્ત્રીઓના- પ્રિયતમના-પ્રિયતમ બાકીના તો બિચારા માત્ર સ્વામી.

અહીં કોણ પ્રિયતમ બની શકે અને કોણ માત્ર સ્વામીપદ જાળવી શકે એનો નિર્દેશ કરીને મહિમા સ્વામીપદનો નહીં પણ પ્રિયતમપદ પ્રાપ્ત કરવામાં છે, અને એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનો સંકેત પણ ભારે માર્મિક રીતે કરાયો છે. બીજી એક ગાથામાં પણ પ્રિયતમાના દૃષ્ટિબિંદુથી પ્રિયતમના વ્યવહારને ભારે મર્મપૂર્ણ ભાષામાં અભિવ્યક્તિણ પ્રાપ્ત થઈ છે.

જે સમુહાગઅ-વોલંત-વલિઅ-પિઅ-પેસિઅચ્છિ-વિચ્છોહા;

અમ્હં તે મઅણ-સરા જણસ્સ જે હોંતિ તે હોંતુ.

મનાવવા માટે ખૂબ જ નજીક સરીને આવેલા, નહીં મનાવાને કારણે પછીથી ચાલતા થયેલા, કદાચ હવે રીસ-ક્રોધ ઊતરી ગયો હશે. એમ માનીને મુખને પાછું ફેરવીને દૃષ્ટિપાત કરતા પ્રિયતમની ક્ષ્ાોભ સંકોચસભર દૃષ્ટિ જ અમારે મન તો કામદેવનાં બાણ
સમાન છે. બીજા લોકો ભલેને જુદાં જ કામબાણ હોવાનું કહેતા હોય.

આવા કામબાણ ફેંક્તો પ્રિયતમ જયારે પ્રિયતમાને ચુંબન કરે ત્યારે પ્રિયતમા પણ પ્રિયતમને તડપાવવા માટે આનાકાની કરીને માથું ઘુણાવે અને એ દૃશ્ય ખડું થાય એના સુંદર શબ્દચિત્રોવાળી ગાથા જુઓ.

ભરિમો સે ગહિઆહ2-ઘુખ-સીસ-પહોલિરાલઆઉલિઅં;
વઅઙાં પરિમલ-તરલિઅ-ભમરાલિ-પઈઙણ-કમલં વ

ચુંબન કરવા પ્રિયતમે તેનો હોઠ ગ્રહ્યો ત્યારે માથું ધુણાવતાં ધુણાવતાં તેના ગોરા ચહેરા પર વાળની લટો નાચી રહી હતી. પવનના ઝાપટાને કારણે ચંચળ બનેલી ભ્રમરાવલિથી છવાયેલા કમળ સમાન પ્રિયતમાનો એ ચહેરો અમારી સ્મૃતિમાં તીવ્ર રીતે ઊપસી આવે છે.

એક બીજું હૃદયસ્પર્શી ગાથાચિત્ર પણ આસ્વાદીએ. અહીં પડખું ફેરવીને – રિસાઈને પડેલી પ્રિયતમાની પીઠ પાછળ
પડખું ફરીને નિસાસા નાખી રહેલો પ્રિયતમ પહેલા હૈયું બાળીને હવે પીઠ બાળી રહ્યો છે. પ્રિયતમાનાં ઉક્તિરૂપે કહેવાયેલી એ ગાથા જુઓ.

ઉઙહાઈ નીસસંતો કીસ મહ પ2મ્મુહીઅ અસણદ્ધે;
હિઅઅં પલીવિઉં અણુસએણ પુટ્ટિ પલીવેસિ.

મારું પથારીના અર્ધા ભાગમાં પડખું ફેરવીને સુતેલીનું હૈયું બાળીને હવે પાછળથી પશ્ર્ચાતાપના ઉષ્ણ નિસાસાઓ નાખ્યા કરીને હવે તું મારી પીઠને કાં બાળી રહ્યો છે? આવા રિસામણાં-મનામણાંની પ્રક્રિયા વચ્ચે જેણે જીવન જીવ્યું છે – બધું જીરવ્યું છે એ દંપતીની જોડી ખંડિત થાય ત્યારે પાછળ રહેલી વ્યક્તિની શું સ્થિતિ સર્જાય?

એના ભાવને એક ગાથામાં ભારે અસરકારક અભિવ્યક્તિ સાંપડી છે. ગાથામાં પાછળ રહી ગયેલ, ખંડિત થઈને જીવતા સ્ત્રી કે પુરુષની જીવવા છતાં મૃત્યુ પામેલા જેવી સ્થિતિ સર્જાય છે, ગાથામાં કહેવાયું છે કે-

સમ-સોક્ખ-દુકખ-પરિવડ્ઢિઆણ કાલેણ રૂૂઢ-પેમ્માણ;

મિહુણાણ મરઈ જં તં-ખુ જિઅઈ ઈઅરં મુઅં હોઈ.
સુખદુ:ખના પ્રસંગોમાં સહભાગી બનીને જેમણે વર્ષો સાથે સહવાસમાં વિતાવ્યાં છે અને જેમનો પ્રેમ અત્યંત દૃઢ બનેલો છે તેવા દંપતીમાંથી જે પહેલાં મૃત્યુને વરે છે તે જ જીવી જાય છે અને પાછળ બાકી રહી જાય તે ખરા અર્થમાં મૃત્યુ પામેલ
ગણાય છે.

દામ્પત્યજીવનમાં પ્રેમ, વિરહ અને અભાવ જેવા શાશ્ર્વત-સનાતન ભાવોને ગાથાના રચયિતાઓએ કેટલાં બધાં વર્ષો પૂર્વે કેવી બળકટ અભિવ્યક્તિ અર્પી છે એનો સુંદર પરિચય અહીંથી થાય છે.

ભારતીય કાવ્યસાહિત્યની ઉજજવળ પરંપરાનું તેજસ્વી પ્રકરણરૂપ આવી ગાથાઓ સાંપ્રત કવિઓને દિશાબોધ આપીને કેવા સાહિત્યિક વારસાના અનુસંધાનરૂપે વાહકરૂપ બનવાનું છે એનો પડકા2પણ ફેંકે છે. એકાદ પરિસ્થિતિ અને એમાં રહેલા ભાવને અભિવ્યક્ત કરીને માનવજીવનની યાદગાર ક્ષ્ણોના રેખાચિત્રો સાહિત્યકૃતિ દ્વારા કેટલા લાઘવ અને કેવા હૃદયસ્પર્શી રીતે પ્રગટ કરી શકાય એના તેજસ્વી ઉદાહરણરૂપ ગાથાઓને આપણી સંસ્કૃત સુભાષિત અને ગુજરાતી દુહા કે અર્વાચીન ગઝલના શેરની સાથે કોઈએ તુલનાવીને અભ્યાસ કરવો જોઈએ.

આ પણ વાંચો…દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button