ધર્મતેજ

ભજનનો પ્રસાદઃ કર્મફળ ને ભાગ્યના આધિપત્યના દુહા

ડૉ. બળવંત જાની

મનુષ્ય માત્ર ભાગ્યને આધિન છે. મનુષ્ય ઉપર એનું પોતાનું નહીં પણ ભાગ્યનું-નિયતિનું આધિપત્ય રહેલું હોય છે. લોકસમુદાયમાં આ એક સ્વીકૃત સત્ય પ્રચલિત છે. માણસની ક્રિયાશીલતા અને કર્મશીલતા પછી પણ ઈચ્છિત ફળ-સ્થિતિ ન પ્રાપ્ત થાય તો એમાં ભાગ્ય-નિયતિને કારણભૂત મનાય છે. આટલું સત્ય, આટલી હકીક્ત માણસ સ્વીકારી લે તો પછી કોઈ પ્રશ્નો કે સમસ્યા એને પજવતા કે પરેશાન કરતા નથી. આ માટેનાં લોકકંઠ પરંપરામાં જળવાયેલા થોડા દુહા અવલોકીએ.

ઉદ્યમ કરે દી રાત, હજાર હુન્નર આદરો
પણ વિધિ લેખ લખાત, કરમ પરમાણે કાનિયા.

માણસ રાત્રી દિવસ ઉદ્યમ કરે, કામ ર્ક્યા કરે, મહેનતશીલ રહે. અનેક પ્રકારના હજારોની સંખ્યામાં કામધંધા કરે પણ વિધિમાં-લલાટમાં જો લખાયેલું ન હોય તો પોતાનાં કર્મની ગતિને કારણે ફળ પ્રાપ્ત થતું નથી.

અહીં શાશ્વત સત્યને દુહાનમાં નિરૂપી દેવાયું છે. પૂર્વ જન્મના ફળ, આ જન્મના ફળ પાછળ કારણભૂત પરિબળ કર્મ છે, ભાગ્ય છે. પણ આ ભાગ્યની પાછળનું પરિબળ માનવે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં કરેલા કર્મો છે. માણસ માત્રને કર્મનું ફળ ભોગવવું જ પડે છે. એવી એક દૃઢ માન્યતાને દુહામાં વણી લેવામાં આવી છે. આ સનાતન સત્યને, જો સ્વીકારી લેવામાં આવે તો માણસને પછી નિરાશ થવાનું રહે નહીં. નિરાશામાંથી, હતાશામાંથી ઉગારી લેનારું ઘટક આ માન્યતા છે. માણસનું ભલું પણ આમાં જ રહેલું છે. બીજો એક દુહો અવલોકીએ.

કોઈ ચડયા તોખાર, કોઈ પગપાળા ચાલતા,
કરી રચના કિરતાર, કોઈ ગજપીઠે માલતા.

આ જગતમાં અનેક લોકો છે પણ એ બધાને કંઈ સરખું સુખ પ્રાપ્ત થયેલું નથી. જે કોઈને જે કંઈ સુખ મળેલ છે એ એના કર્મનું ફળ છે. આ કર્મનાં ફળનાં સ્વરૂપે ભાગ્ય રૂપે કોઈ માણસ ઘોડા ઉપર સવારી કરીને મહાલતા હોય છે, કોઈને ભાગે પગપાળા ચાલવાનું આવે છે. આ સૃષ્ટિના રચયિતા ઈશ્વર-કિરતારે એવી રચના કરી છે કે કોઈ વળી હાથી ઉપર બેસીને મલકાતા હોય છે.

અહીં દુહામાં મધ્યકાલીન સંદર્ભ છે. આજના સંદર્ભમાં કોઈને સાઈકલ, સ્કૂટર હોય તો વળી કોઈને ભાગે મોટર હોય તો કોઈ પગપાળા ચાલતા હોય. આમ જે કંઈ પ્રાપ્તિ છે એ ભાગ્યાનુસારની છે. નિયત્તિ પ્રમાણે તમને સુવિધા-સુફળ મળે. બીજા એક દુહામાં આ વાતને આગવી રીતે કહેવાઈ છે.

ભાવિ પદારથ મરે નહીં, કોટિ ખરચે દામ,
અપંન સેં ભલા હોય તો, કહા દેવસેં કામ઼

જે કંઈ થઈ રહ્યું છે કે થવાનું છે એ થઈને જ રહે છે. એને કોઈ પણ રીતે પૈસા ખરચીને મીટાવી શકાતું નથી. જો આપણામાંથી જ કે આપણાં દ્વારા જ બધું શક્ય હોત તો પછી કોઈ દેવી-દેવતા કે દૈવ અર્થાત ભાગ્યમાં માનવાની આવશ્યક્તા જ ઊભી ન થાત. અર્થાત્ માણસનાં હાથમાં કશું નથી. લાખો રૂપિયા ખર્ચતા પણ કશું કરી શકાતું નથી. બીજો એક દુહો અવલોકીએ.

હાથ સાતાં હૈયુ સાચું, અર્પાયા હૈયુ ને હાથ,
લલાટે લખીઓ સાથ, છોડાવ્યો છુટે નહીં.

દુહામાં કહેવાયું છે કે જે કોઈની સંગત કે સાથ પ્રાપ્ત થાય છે કે જે કોઈને તમારો સાથ-સહવાસ પ્રાપ્ત થાય છે એ પ્રારબ્ધનું ભાગ્યનું ફળ છે. તમારા લલાટમાં એ લખાયેલ છે એમાંથી છુટી શક્વું શક્ય નથી. અર્થાત્ કોઈને પણ કોઈની સંગત થાય છે એની પાછળ દૈવયોગ-સંયોગ કારણભૂત હોય છે. આપણાંથી એ નથી થયું ભાગ્યવશાતે પ્રાપ્ત થયું હોય છે એમાંથી છુટી શકાતું નથી.

દુહાઓ ભારે અસરકારક રીતે, માનવ મનને ઘડતા હોય છે, સંસ્કારિત કરતા હોય છે. આવા કારણથી એની સરાહના થતી રહે છે. લોકચાહના પણ પ્રાપ્ત કરતા હોય છે.

આ પણ વાંચો…પ્રસાદઃ ઈસ્માઈલી ગિનાનનો પડઘો: ગુજરાતી રવેણી ભજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button