ફોકસઃ આ મંદિરો જાણો છો, જ્યાં બેઠા છે સૌથી વધુ ગેરેન્ટી વાળા વિઝા એજન્ટ!

કવિતા યાજ્ઞિક
આપણા દેશના હજારો યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ માટે અથવા વધુ સારી નોકરી માટે વિદેશ જવાના ઇચ્છુક હોય છે. જોકે, એ હજારોમાંથી કેટલાય એવા હોય છે, જેમને નસીબ સાથ નથી આપતું. ઘણીવાર કમનસીબે લેભાગુ એજન્ટોની જાળમાં ફસાઈને ભોળા, આશાસ્પદ લોકો રૂપિયા પણ ગુમાવે છે અને વિદેશ જવાની તક તો મળતી જ નથી. તો આજે તમને દર્શન કરાવીએ એવા ગેરંટીવાળા વિઝા એજન્ટોના, જ્યાં ભલભલાની વિઝા અરજીઓ માન્ય કરાવવાની તાકાત છે!
વિઝા હનુમાન મંદિર- અમદાવાદ
શરૂઆત આપણા ગુજરાતથી કરીએ. તમે હનુમાનજીના અનેક નામ સાંભળ્યા હશે પણ આ વિઝા હનુમાનજી અનોખા છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં, દેસાઈની પોળમાં આવેલું આ મંદિર હવે તો જગવિખ્યાત છે. એવું કહેવાય છે કે વર્ષોથી જેમના વિઝા અટકી ગયા હોય, તેમના પણ વિઝા આ મંદિરમાં પ્રાર્થના કરવાથી આવી જાય છે. રોજ હજારો લોકો પોતાના પાસપોર્ટ લઈને હનુમાનજીના ચરણે ધરીને વિઝા માટે પ્રાર્થના કરે છે. એક શ્રદ્ધાળુના ત્રણ વાર રિજેક્ટ થઇ ગયેલા વિઝા ચમત્કારિક હનુમાનજીના દર્શન કરતા પાસ થઇ ગયા હોવાનું પણ પત્રકારોને જાણવા મળ્યું છે. અહીંના સ્થાનિક લોકો માને છે કે ભગવાન હનુમાનને પ્લાસ્ટિકનું વિમાન ચઢાવવાથી વિદેશ જવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. આ મંદિર લગભગ 300 વર્ષ પુરાતન હોવાનું કહેવાય છે.
ચિલકુર બાલાજી વિઝા મંદિર
ચિલકુર બાલાજી (હાલમાં તેલંગાણામાં સ્થિત), પણ વિઝા મંદિર તરીકે ઓળખાય છે, તે હૈદરાબાદથી 40 કિલોમીટર દૂર ઉસ્માન સાગર તળાવના કિનારે આવેલું છે. ચિલકુર બાલાજી મંદિરમાં લોકોને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે.
વિઝા અને પાસપોર્ટ તેમ જ કારકિર્દી સંબંધિત સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો આ 500 વર્ષ જૂના મંદિરની મુલાકાત લે છે. સૌપ્રથમ, બાલાજી મંદિરની 11 પરિક્રમા કરીને માનતા માનવામાં આવે છે. અને જ્યારે ઈચ્છા પૂર્ણ થાય છે, ત્યારે ભક્ત ફરીથી મંદિરમાં આવીને મંદિરની 108 પરિક્રમા કરીને માનતા પૂર્ણ કરે છે. અમદાવાદના મંદિરની જેમ અહીં પણ એવી માન્યતા છે કે વિમાન ચઢાવવાથી વિદેશ પ્રવાસ માટે ઝડપથી વિઝા મળે છે. એટલા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ભગવાનને કાગળ કે રમકડાના વિમાન ચઢાવે છે.
આ પણ વાંચો…ફોકસઃ એક એવું મંદિર જેનું નામ જ ચમત્કાર છે!
શહીદ બાબા નિહાલ સિંહ ગુરુદ્વારા, પંજાબ
પંજાબના તલ્હાન ગામમાં, શહીદ બાબા નિહાલ સિંહ ગુરુદ્વારા વિઝા આશીર્વાદ માટે જાણીતું છે. એરોપ્લેન ગુરુદ્વારા તરીકે ઓળખાતા આ ગુરુદ્વારામાં ભક્તો તેમની વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવા માટે રમકડાના વિમાનો અર્પણ કરે છે. આ ગુરુદ્વારા વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને વિદેશ સ્થળાંતર કરવાની આશા રાખતા પરિવારો માટે એક આસ્થાનું કેન્દ્ર છે.
એટલું જ નહીં માતા-પિતાઓ પોતાની દીકરીઓ માટે વિદેશી મુરતિયાની પ્રાર્થના લઈને પણ આ ગુરુદ્વારામાં માથું ટેકવવા આવે છે! ડંકી ફિલ્મના એક દૃશ્યમાં શાહરુખ ખાન અને તાપસી પન્નુ અહીં પ્રાર્થના કરતા જોવા મળે છે, જેનાથી આ ગુરુદ્વારાની લોકપ્રિયતામાં હજી વધારો થયો છે.
શ્રી સિદ્ધિ પીઠ ચમત્કારી હનુમાન મંદિર, દિલ્હી
હનુમાનજીએ વિદેશ યાત્રા કરી છે એટલે કદાચ વિઝા અરજી માટે ભક્તોમાં તેમની લોકપ્રિયતા વધારે હોય એવું લાગે છે! લોકો દક્ષિણ દિલ્હીના નેબ સરાઈના ઇગ્નુ રોડ પર સ્થિત હનુમાન મંદિરમાં પણ ભગવાનને વિઝા માટે પ્રાર્થના કરવા આવે છે. આ મંદિર બહુ પ્રાચીન નથી. તેનું નિર્માણ 2007માં જ થયું છે. પણ આ મંદિરના નિર્માણ સમયથી જ વિઝા માટે તેમાં આસ્થા જોવા મળે છે. અહીં ભક્તો 41 દિવસ માટે માંસ, લસણ અને દારૂનો ત્યાગ કરવાની માનતા માને છે, એવી આશામાં કે તેમની વિઝા વિનંતીઓ મંજૂર થશે. અને કહે છે કે તેમની માનતા પૂર્ણ પણ થાય છે. અહીંયા ભગવાનને ચિઠ્ઠીમાં લખીને વિઝાની વિનંતી કરવામાં આવે છે.
આ ઉપરાંત ચેન્નાઇ શહેરમાં શ્રી લક્ષ્મી વિઝા ગણપતિ મંદિર પણ છે જ્યાં વિદેશ જવા ઈચ્છુકો પોતાનો પાસપોર્ટ લઈને ભગવાન પાસે વિનંતી કરવા આવે છે. અને કહે છે કે ત્યાં પણ ભગવાન વિઝા અરજી મંજૂર કરી આપે છે. આખરે આપણે તો માત્ર અરજી કરવાની, પછી જેવી ભગવાનની મરજી!
આ પણ વાંચો…ફોકસ પ્લસઃ ગ્રહણના દિવસે દાનનું મહત્ત્વ