ચિંતનઃ દિવાળી-પ્રકાશ ને રંગનો સમન્વય | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ચિંતનઃ દિવાળી-પ્રકાશ ને રંગનો સમન્વય

હેમુ ભીખુ

પ્રકાશ એટલે આંખ નામની જ્ઞાનેન્દ્રિય માટે જરૂરી વ્યવસ્થા. આ પ્રકાશને કારણે દૃશ્યમાન જગત ભાસિત થાય છે. આ પ્રકાશને કારણે આજુબાજુની પરિસ્થિતિની સમજ સ્થપાય છે. પ્રકાશ છે એટલે દુનિયા ઉજાગર થાય છે. રંગ એટલે પ્રકાશના વિભાજનથી સ્થાપિત થયેલ ચોક્કસ આવર્તન વાળા પ્રકાશની ઓળખ. રંગ એટલે જે તે પદાર્થની સપાટીનો ચોક્કસ પ્રકારનો ગુણધર્મ. આમ તો રંગ બે પ્રકારના કહેવાય, અપારદર્શક અને પારદર્શક. પરંતુ તેના મૂળમાં તો પ્રકાશનું વિભાજન જ હોય છે.

દ્રષ્ટા, દૃશ્ય અને દર્શનનું અસ્તિત્વ પ્રકાશને કારણે સંભવે છે. દર્શન શક્ય બને છે કારણ કે પ્રકાશ છે. ચોક્કસ માત્રામાં અને શુદ્ધ પ્રકાશની હાજરીમાં દર્શનમાં મલિનતા ન આવે. પ્રકાશમાં જો કોઈપણ પ્રકારની વિકૃતિ ન હોય તો જે તે દૃશ્યની અનુભૂતિમાં વિકાર સંભવી ન શકે.

દૃશ્યમાંથી નીકળતાં પ્રકાશનાં કિરણો જે તે માધ્યમમાંથી પસાર થઈ દ્રષ્ટાના ચક્ષુમાં પ્રવેશ કરે, ત્યાં નેત્ર-પટલ પર ચોક્કસ છાપ ઊભરે અને દૃશ્ય અંકિત થાય. આ દૃશ્યનું પછી મન પોતાની રીતે અર્થઘટન કરે. આ સમગ્ર પ્રક્રિયા પ્રકાશને કારણે જ અસ્તિત્વમાં આવે. આ સમગ્ર પ્રક્રિયાને અંતે રંગની પણ ઓળખ સ્થપાય.

મન અર્થઘટન કરે કે કઈ પરિસ્થિતિનો રંગ કયો છે. ભૌતિક વિશ્વમાં જેમ દ્રષ્ટિ માટે પ્રકાશની આવશ્યકતા છે તેમ આધ્યાત્મિક વિશ્વમાં પણ યથાર્થ દ્રષ્ટિ માટે આત્માના પ્રકાશની આવશ્યકતા છે. આત્માના પ્રકાશની અનુભૂતિથી જ સૃષ્ટિનાં સમીકરણો જાણી શકાય.

એ તો બધા જાણે છે કે સફેદ રંગમાં સાત રંગો સમાયેલા છે. તેવી જ રીતે શુદ્ધ પ્રકાશમાં પણ સાતે રંગો સમાયેલા હોય છે. શરૂઆત નારંગીથી થાય અને જાંબલી પર અટકે અથવા શરૂઆત જાંબલીથી થાય અને નારંગી પર અટકે. અંતે તો સાત રંગનો સમૂહ અગત્યનો છે. દિવાળીના દિવસોમાં જે પ્રકાશ અને રંગના મહત્ત્વનો સમન્વય કરાયો હોય તેમ લાગે છે.

દિવાળીની ઉજવણીમાં દીવાનો પ્રકાશ અને રંગોળીના રંગ એ બંને સ્પષ્ટ, સુદ્રઢ, સાત્વિક, ઉત્સવીય તેમજ સમાવેશીય પ્રતિક છે. જો પ્રકાશ સત્ય છે તો રંગ એ સત્યનું એક સ્વરૂપ છે. જો પ્રકાશ જ્ઞાન છે તો રંગ એ જ્ઞાનનું એક પાસું છે. જો પ્રકાશ સાધન છે તો રંગ તે સાધનનું એક અંગ છે.

જો પ્રકાશ ભૌતિક ઘટના છે તો રંગ તે ભૌતિકતાનું પ્રમાણ છે. જો પ્રકાશ ધર્મનું પ્રતીક છે તો રંગ તે ધર્મના સ્વરૂપનું એક અંગ છે. જો પ્રકાશ આધ્યાત્મિકતાની પ્રતીતિ છે તો રંગ તેના એક અંશની અનુભૂતિ છે. જો પ્રકાશ જીવન છે તો રંગ તે જીવનની એક ઘટના છે. જો પ્રકાશ આદર્શ છે તો રંગ આદર્શથી ઉદ્ભવતું સમીકરણ છે.

જો પ્રકાશ નૈતિકતા છે તો રંગ તે નૈતિકતાનું પરિણામ છે. જો પ્રકાશ ચેતના છે તો રંગ તે ચેતના દ્વારા અનુભવાતી સ્થૂળતા છે. જો પ્રકાશ ઉલ્લાસનું કારણ છે તો રંગ તેનું પરિણામ છે. જો પ્રકાશ શુદ્ધ ભાવના છે તો રંગ એ ભાવના પાછળ છુપાયેલો પ્રેમ છે. પ્રકાશ અને રંગની જુગલબંધી સૃષ્ટિની પ્રત્યેક પવિત્રતા અને શુદ્ધતા સાથે સંકળાયેલી છે.

જો પ્રકાશ કાનજી છે તો રંગ રાધા છે. જો પ્રકાશ ગીતા છે તો રંગ તે ગીતાથી પ્રભાવિત થયેલ અર્જુન છે. જો પ્રકાશ વેદવાણી છે તો રંગ તેના એક અંગ સમાન ઉપનિષદ છે. જો પ્રકાશ ભાગવતના શ્રી વિષ્ણુ છે તો રંગ તે વિષ્ણુનો એક અવતાર છે.

જો પ્રકાશ પ્રગટેલ હોળી છે તો રંગ તે હોળીની એક જ્વાળા છે. જો પ્રકાશ ભક્તિ છે તો રંગ તે ભક્તિને યથાર્થતા બક્ષતી બાબત છે. જો પ્રકાશ યોગનું એક સ્વરૂપ છે તો રંગ તે યોગમાં સંમિલિત થતી સાધના છે. જો પ્રકાશ સાત્વિક કર્મ છે તો રંગ તેમાં છુપાયેલી નિષ્કર્મતા છે. પ્રકાશ અને રંગ વચ્ચેનું સંતુલન સૃષ્ટિની અનેક ઘટના છે.

આ પણ વાંચો…નિષિદ્ધ કર્મથી મુક્તિ જરૂરી

જ્યારે પ્રકાશ આધાર છે ત્યારે રંગ આધારિત છે. જ્યારે પ્રકાશ સમન્વય છે ત્યારે રંગ વિશેષતા છે. જ્યારે પ્રકાશ સમાવેશીય છે ક્યારે રંગ અનોખું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે પ્રકાશ સમગ્રતાની વાત કરે છે ત્યારે રંગ પોતાની ઓળખ સ્થાપિત કરે છે. જ્યારે પ્રકાશ એકત્વની વાત કરે છે ત્યારે રંગ રસપૂર્ણ વિવિધતા સ્થાપિત કરે છે. જ્યારે પ્રકાશ સમરસતાની દલીલ કરે ત્યારે રંગ સમરસતાના પ્રત્યેક અંગને મહત્ત્વ આપવાનું કામ કરે. પ્રકાશ અને રંગ વચ્ચેનું સમીકરણ સૃષ્ટિની કેટલીક ગુઢ બાબતોને ઉજાગર કરવાનું સામર્થ્ય ધરાવે છે.

મનોભાવને પ્રકાશ અને રંગ, બંને સમાન રીતે પણ જુદા જુદા પ્રકારની અસર કરે છે. પ્રકાશ જીવનમાં આશા જન્માવે તો રંગ જીવનને રંગીન બનાવી દે. પ્રકાશ જીવનમાં હકારાત્મક બાબત સ્થાપિત કરે તો રંગ તે હકારાત્મકતાને વધુ નિખારે. પ્રકાશ જીવનમાં ઉત્સાહનું સિંચન કરે તો રંગ તે ઉત્સાહને પ્રોત્સાહનથી ભરી દે.

પ્રકાશ થકી જીવનની અમુક બાબતો ઉજાગર થાય તો રંગ એ બાબતોને આકર્ષક બનાવી દે. પ્રકાશ થકી જીવનમાં એક પ્રકારની જીવંતતા પ્રવેશે તો રંગ જીવનને આકર્ષક બનાવી શકે. ચોક્કસ પ્રકારના પ્રકાશ અને રંગનું સહ-અસ્તિત્વ જીવનને જુદા જ પ્રકારનાં માહોલમાં લઈ જઈ શકે.

દિવાળીના દિવસોમાં પ્રકાશ સમજવાનો છે અને રંગ માણવાના છે, પ્રકાશ સ્વીકારવાનો છે અને રંગ પ્રસારવાના છે, પ્રકાશની અનુભૂતિ કરવાની છે અને રંગની અનુભૂતિ કરાવવાની છે, પ્રકાશને આદર્શ તરીકે લેવાનો છે અને રંગને વાસ્તવિકતા તરીકે જોવાના છે, પ્રકાશ ફેલાવવાનો છે અને રંગો સ્થિત કરવાના છે, પ્રકાશનો અર્થ સમજવાનો છે અને રંગોને સાર્થકતા આપવાની છે, પ્રકાશનો વ્યાપ અસ્તિત્વમાં ઉતારવાનો છે અને રંગોને માયાના સ્વરૂપ તરીકે સમજવાના છે.

દિવાળી માત્ર દિવાળી નથી, તેની ઉજવણીમાં ઉપયોગમાં લેવાતા દીવડાઓ માત્ર દીવડાઓ નથી, તે ઉત્સવમાં આલેખાતી રંગોળી માત્ર રંગોની ગોઠવણી નથી, આ તો એક ભવ્ય પૌરાણિક સમાજ દ્વારા, સાંસ્કૃતિક મૂલ્યોને આધારે સ્થાપિત થયેલી પરંપરા છે. અહીં સાત્વિકતા પણ છે અને ધાર્મિકતા પણ.

અહીં નૈતિકતા પણ છે અને આધ્યાત્મિકતા પણ. અહીં પવિત્રતા પણ છે અને નિર્લેપતા પણ. અહીં શુદ્ધતા પણ છે અને સાતત્યતા પણ. સનાતનની સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યો તથા વારસાને ચરિતાર્થ કરવાની તક આ સંસ્કૃતિના દરેક તહેવારની ઉજવણીમાં સમાયેલી હોય છે. દિવાળી આમાં અપવાદ નથી.

આ પણ વાંચો…ચિંતનઃ મહાભારતનું યુદ્ધ એટલે ન્યાયની સાબિતી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button