શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો? | મુંબઈ સમાચાર
ધર્મતેજ

શિવ રહસ્ય : શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી ને પાર્વતીનો સહકાર હતો?

-ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
માતા પાર્વતીની વિનંતી સાંભળી ભગવાન શિવે કહ્યું, ‘પ્રિયે પૃથ્વીવાસીઓ મારા નવ આશુતોષ અવતારોનું શ્રવણ અથવા 11 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરશે તેમના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવી શકશે.’ તો માતા પાર્વતીએ કહ્યું, ‘પૃથ્વીવાસીઓના કલ્યાણ માટે પ્રથમ તમે તમારા નવ અવતાર અને 11 જ્યોતિર્લિંગ વિશે જણાવો.’ ભગવાન શિવે કહ્યું કે ‘હું શ્ર્વેત, સુતાર, દમન, સુહોત્ર, કંક, લોકાક્ષિ, ઋષભ નામે અવતાર લઈશ. તેમજ કળિયુગમાં હું સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકારેશ્ર્વર-મમલેશ્ર્વર, વૈજનાથ, ભીમાશંકર, રામેશ્ર્વર, નાગેશ્ર્વર, વિશ્ર્વેશ્ર્વર, કેદારેશ્ર્વર અને ઘૃષ્ણેશ્ર્વર નામે પ્રગટ થઈશ. જે માનવ આ જ્યોર્તિલિંગની પૂજા-અર્ચના કરશે તેના પાપોનો નાશ થશે અને ધન, યશ અને મનોવાંછિત ફળ મેળવશે. માતા પાર્વતીએ તેમને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાગટ્ય વિશે માહિતી આપવા જણાવતાં ભગવાન શિવે કહ્યું,

ચંદ્ર દેવ દક્ષ પ્રજાપતિની 27 પુત્રી સાથે પરંપરાગત રીતે લગ્ન કરે છે. ચંદ્ર દેવ દ્વારા રોહિણી પ્રત્યે વિશેષ પ્રેમ દર્શાવાતા તેની અન્ય પત્નીઓમાં રોહિણીની ઈર્ષ્યા થતી. દક્ષ પ્રજાપતિએ ચંદ્ર દેવને વારંવાર સમજણ આપી, પણ રોહિણી પ્રત્યેનો તેમનો પ્રેમ યથાવત રહ્યો અને અન્ય પત્નીઓને ન્યાય ન આપી શકવાના ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા (ક્ષયરોગ) થવાનો શાપ આપ્યો, દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્રદેવ પથારીવશ થઈ ગયા.

ચંદ્રદેવની સ્થિતિ જોઈ દક્ષ પ્રજાપતિ તેમના આરાધ્ય ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ક્ષીરસાગર પહોંચ્યા. ભગવાન શ્રીહરી વિષ્ણુ જણાવે છે કે, તમારો શ્રાપ ચંદ્રદેવે ભોગવવો જ પડશે, પણ એ શ્રાપથી ભગવાન શિવ જ રક્ષણ કરી શકશે. ચંદ્રદેવ અને તેમની પત્નીઓ જો ભગવાન શિવના શરણે જશે તો ચંદ્રદેવની રક્ષા થઇ શકશે. ચંદ્રદેવ અને તેમની 27 પત્નીઓ ભગવાન શિવની આરાધના કરે છે. તેમનો સ્વર કૈલાસ સુધી પહોંચતાં ભગવાન શિવ પ્રભાસ ખાતે જ્યાં ચંદ્રદેવ અને તેની પત્નીઓને સાક્ષાત દર્શન આપે છે અને કહે છે, હે ચંદ્રદેવ, તમારું પૂર્ણપણે શ્રાપ મુક્ત થવું શક્ય નથી. પરંતુ સમસ્ત સંસારના સમતુલન માટે હું તમારા શ્રાપને હળવો કરી શકું છું. આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન નિરંતર વધતી રહેશે અને બીજા પક્ષમાં તમારી કલા પ્રતિદિન ક્ષીણ થતી રહેશે.

આ પણ વાંચો…શિવ રહસ્ય: ચંદ્ર દેવના વર્તનથી ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિએ તેમને કદરૂપા થવાનો શાપ આપ્યો!

આમ નિરંતર તમારી કલા એક પક્ષમાં વધશે અને એક પક્ષમાં ઘટશે. એજ સમયે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્મદેવ ત્યાં પધારે છે અને બ્રહ્મદેવ કહે છે, હે દેવાધિદેવ, તમારા આશીર્વાદથી ચંદ્રદેવ અને તેમની પત્નીઓનું કલ્યાણ થયું મારી વિનંતી છે કે સમસ્ત સંસારના માનવીઓના કલ્યાણ માટે તમે અહીં પ્રભાસતીર્થ ખાતે જ્યોર્તિર્લિંગ તરીકે સ્થાપિત થાઓ. બ્રહ્મદેવની વિનંતી સાંભળતા જ ભગવાન શિવના હૃદયમાંથી એક જ્યોત નીકળી અને એક જ્યોર્તિર્લિંગ તરીકે સ્થાપિત થાય છે જે આજે સૌરાષ્ટ્રના પ્રભાસ તીર્થે સોમનાથ જ્યોર્તિર્લિંગ તરીકે પ્રખ્યાત છે.
*
માતા પાર્વતી: સ્વામી હવે બીજી જ્યોર્તિર્લિંગ વિશે જણાવો.
એજ સમયે આકાશ માર્ગે સ્વર્ગલોકની અપ્સરાઓ જવા માંડી.
માતા પાર્વતી: પ્રભુ આ અપ્સરાઓ ક્યાં જઈ રહી છે.
ભગવાન શિવ: પાર્વતી આ અપ્સરાઓ દેવરાજ ઇન્દ્રના આદેશથી ગજાસુરની આરાધના તોડવા જઈ રહી છે.
*
દેવરાજ ઈન્દ્રના આદેશથી સ્વર્ગલોકની અપ્સરાઓ ગજાસુર પાસે પહોંચી અને નૃત્ય કરવા લાગી. અપ્સરાઓના નૃત્યથી ગજાસુરની આરાધનામાં વિક્ષેપ થતા તેને ક્રોધ આવ્યો. ક્રોધાવશ ગજાસુરે અપ્સરાઓને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દીધી. ગભરાયેલા દેવગણો બ્રહ્માજી પાસે પહોંચ્યા.

દેવરાજ ઇન્દ્ર: બ્રહ્મદેવ તમારા ભક્ત ગજાસુરને વરદાન નહીં આપવા અમારી વિનંતી છે.

બ્રહ્માજી: દેવરાજ તમને ખબર છે કે આરાધ્ય આરાધકને વરદાન આપવા બંધાયેલા છે. તેમની મનોકામના પૂર્ણ કરવી એ આરાધ્યની જવાબદારી છે. તમે ચિંતા ન કરો હું દેવતાઓને અન્યાય થાય તેવું વરદાન નહીં આપું.
*
ગજાસુરની આરાધનાનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચવા લાગતાં બ્રહ્માજી વરદાન આપવા ગજાસુર પાસે પહોંચે છે.

બ્રહ્માજી: ગજાસુર આંખ ખોલો અને વરદાન માગો.

ગજાસુર: પ્રભુ વરદાન આપવું જ હોય તો મને અમર બનાવો કોઈ મારો વધ ન કરી શકે એવું વરદાન આપો.

બ્રહ્માજી: અમર થવાનું વરદાન આપવું મારા હાથમાં નથી, પણ તમને એવું વરદાન આપું છું કે તમારો વધ ફક્ત એ જ કરી શકે જેણે કામને વશ કર્યો હોય.

ગજાસુર: અવશ્ય પ્રભુ મને ચાલશે એવું વરદાન બ્રહ્માજી: તથાસ્તુ.
*
વરદાન આપી બ્રહ્માજી પરત ફરે છે. એ જ સમયે દેવર્ષિ નારદ બ્રહ્મલોક પધારે છે.

દેવર્ષિ નારદ: પરમ પિતા તમે ગજાસુરને આવું વરદાન આપ્યું હવે તેના અત્યાચારો સંસારવાસીઓએ સહન કરવા પડશે.

બ્રહ્માજી: પુત્ર નારદ, ચિંતા કરશો નહીં, તમે ફક્ત કાશી જઈ ત્યાંના સમગ્ર સાધુ-સંતોને ભગવાન શિવને પ્રસન્ન કરવા મહાયજ્ઞ કરવા કહો, યોગ્ય સમયે ભગવાન શિવ ગજાસુરને દંડિત કરશે.
*
બીજી તરફ ગજાસુર વરદાન મેળવી અસુરગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચે છે.

ગજાસુર: ગુરુદેવ મેં બ્રહ્મદેવ પાસે અમર થવાનું વરદાન માંગ્યું હતું, તેમણે વરદાન આપતા કહ્યું કે કામદેવને વશ કરનાર વ્યક્તિ જ તમારો વધ કરી શકશે.

અસુરગુરુ શુક્રાચાર્ય: અસુર શિરોમણી તમે પણ છેલ્લે બ્રહ્મદેવની કૂટનીતિમાં ફસાઈ જ ગયા. તમારા પિતા પણ આવી બ્રહ્મદેવની કૂટનીતિથી વિરગતિને પ્રાપ્ત થયા હતા.

ગજાસુર: ગુરુદેવ મને જણાવો કે મારા પિતાનો વધ કોણે કર્યો.

અસુરગુરુ શુક્રાચાર્ય: તમારા પિતાનો વધ ત્રિદેવીઓની શક્તિ મેળવનાર જગદંબાએ કર્યો હતો.

ગજાસુર: શું મારા પિતાનો વધ કરવામાં સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીનો સહકાર હતો?

શુક્રાચાર્ય: હા ત્રણે દેવીઓએ પોતાની શક્તિ અને શો દેવી જગદંબાને આપ્યાં હતાં.

ગજાસુર: હું મારા પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ.

એટલું કહી ગજાસુર ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે.
*
ગજાસુર પોતાના પિતાના વધનો બદલો લેવા બ્રહ્મલોક પહોંચે છે.

બ્રહ્મદેવની બાજુમાં માતા સરસ્વતીને બેઠેલા જોઈ કહે છે, હવે તમારો વધ નિશ્ર્ચિત છે દેવી સરસ્વતી. તમે મારા પિતાજીના વધમાં સામેલ હતાં, તેનો દંડ હું તમને અવશ્ય આપીશ.

આટલું બોલી ગજાસુર માતા સરસ્વતી પર હુમલો કરે છે. આ જોઈ માતા સરસ્વતી કોધિત થાય છે અને તેમણે હાથમાં રહેલું કમળનું ફૂલ ગજાસુર પર ફેંકતા ગજાસુર બ્રહ્મલોકથી પછડાઈને પૃથ્વીલોક પર પડે છે.

(ક્રમશ:)

આ પણ વાંચો…શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button