માનસ મંથન: જો આપણા વ્યક્તિગત અહંકારને તોડવામાં આવે તો શાંતિ રૂપી જાનકી રાષ્ટ્રને મળી શકે તેમ છે

-મોરારિબાપુ
એક વાત સાંભળો. આ કથા ક્યાં સુધી સાચી છે એ મને ખબર નથી પણ ક્યાંક વાંચી છે. પણ છે ખૂબ પ્યારી. એક વખત ભોજરાજાને માથાનો દુ:ખાવો થયો. માથું ફાટી જાય તેવો દુ:ખાવો રહે. ભયંકર આધાશીશી ચઢી. રાજા તો હેરાન પરેશાન થઇ ગયો હતો. રાજવૈદ, બીજા વૈદ, હકીમ કેટલાયે ભેગાં થયા પણ ઈલાજ ન કરી શક્યા. સરદર્દ વધતું જતું હતું. રાજા નારાજ થઇ ગયો હતો. કોઈ મારો ઉપચાર નથી કરી શકતા ? સમ્રાટનો સ્વભાવ તેજ, કહે કે આ બધાને દેશનિકાલ કરો, બધા જુઠો બકવાસ કરે છે. આટલા અનુભવી વૈદ, હકીમો ભેગાં મળીને પણ મારું સરદર્દ મિટાવી નથી શકતાં ? એક શિરદર્દ નથી મટાવી શકતા? બધાને તાત્કાલિક દેશનિકાલ કરો, એણે તો હુકમ છોડ્યો. આ તો ભાઈ રાજા, વાજા ને…એ વખતે એક વૈદ આવે છે ને એણે રાજા ભોજને પ્રાર્થના કરી કે ઠીક છે, આપનો હુકમ છે તો બધાને કાઢી મુકો, આપના હુકમનો કોણ અનાદર કરી શકે? પણ એક વાર મને તો પ્રયોગ કરવા દો. સફળ થઈ જાય તો ઠીક. રાજાએ પણ વિચાર્યું કે આટલા પ્રયોગ કર્યા તો એક વધુ થઈ જાય. શું ખરાબ વાત છે ?
Also read: ઈશ્ર્વરના ન્યાયનું સત્ય
એ વૈદ આવ્યા, રાજાને તપાસીને કહ્યું કે રાજાજી, તમારા મગજમાં એક માછલી ઘૂમી રહી છે જેને કારણે સરદર્દ મટતું નથી. રાજા સહીત બધા વિચારમાં પડી ગયા કે મગજમાં માછલી? આ તે વળી કેવો રોગ? વૈદ બહુ નિષ્ણાંત હતા, કહે ઓપરેશન કરવું પડશે. પણ વાત કંઈ જામી નહિ. રજા કહે જરા સમજાવો તો ખરા કે મગજમાં માછલી કેવી રીતે આવી જાય ? વૈદ કહે, આપને હું એ જ સમજાવું છું. કેટલાક દિવસો પહેલાં જળાશયમાં કે સરોવરમાં આપ સ્નાન કરવા ગયા હતા? રાજા કહે હા, ગયો હતો. તો મહારાજા થયું છે એવું કે ડૂબકી લગાવવામાં અજાણતા જ તમે પાણી પી ગયા હતા. થોડું પાણી પીવાઈ ગયું હતું. ખરું ? કહે હા. વૈદ કહે કે પાણી પી ગયા પછી નાકમાંથી થોડું પાણી નીકળ્યું ત્યારે તમે બેચેન થઈ ગયા હતા ? રાજા ને ધીમે ધીમે વાત નો તાળો મળવા લાગ્યો, કહે, ‘હા’, એકદમ બેચેની જેવું લાગવા માંડ્યું હતું. તો વૈદ કહે કે આ જળાશયમાં એક માછલીએ ઈંડા મૂક્યા હતા. તમેં જ્યારે તમે ડૂબકી મારી અને એ વખતે થોડું પાણી પીવાઈ ગયું, થોડું નાકમાંથી બહાર આવ્યું અને તમે બેચેન થયા. એ વખતે માછલીનું એક ઈંડું તમારાં મગજમાં ચઢી ગયું અને એમાંથી માછલીનું બચ્ચું જન્મ્યું. પછી તો એ ધીરે ધીરે મોટું થયું અને અત્યારે તે તમારાં મગજમાં ફરી રહ્યું છે. મહારાજ, આપના શિરદર્દનું ખરું કારણ આ છે અને તેથી મગજનું ઓપરેશન કરવું પડશે ! રાજાને આખી વાત ગળે ઊતરી ગઈ. પછી વૈદે ચિકિત્સા કરી. ખોટું ખોટું ઓપરેશન કર્યું, કોઈ ઔષધિ લગાવી, ઘા રુઝાઈ ગયો. રાજા બહુ પ્રસન્ન થયો. વૈદનું સન્માન કર્યું અને ખૂબ બધી ભેટ સોગાદો આપી.
શંકર વૈશ્વિક અહંકાર છે અને શિવનું ધનુષ અહંકારનું પ્રતિક છે. માણસ અહંકાર તોડે તો ભક્તિરૂપી જાનકી એના ગળામાં જયમાળા પહેરાવી દે. એટલા બધા રાજા હતા પણ કોઈ ધનુષ તોડી શકતા નથી ! સમસ્યા એ હતી કે દરેક રાજા વિચારતા હતા કે તોડું તો હું જ તોડું અને જો હું ન તોડી શકું તો કોઇથી પણ ન તૂટે એવી પ્રાર્થના કરું. રાષ્ટ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે કે સમસ્યાનો જવાબ અમે જ આપીએ અને જો અમારાથી ન થઈ શકે તો કોઈનાથી થવા ન દઈએ ! જો આપણા વ્યક્તિગત અહંકારને તોડવામાં આવે તો શાંતિરૂપી જાનકી રાષ્ટ્રને મળી શકે તેમ છે. ભગવાન રામે ક્ષણના મધ્યભાગમાં ધનુષ તોડ્યું.
राशिद किसे सुनाउं गली मेें तेरी गजल,
उनके मकां का कोई दरीचा न था|
આપણે પંથવાળા ને પ્રાંતવાળા થઈ ગયા છીએ ! આપણે જાતિવાળા ને ભાષાવાળા થઈ ગયા છીએ ! આપણે દેશવાળા ને ધર્મવાળા થઈ ગયા છીએ ! વિશ્વ-માનુષનાં એક-એક અંગને કાપતાં જઈએ છીએ ! આ વિચાર વિનોબાના છે. જાતિવાળા થવું એ ખરાબ નથી પરંતુ વિશેષ જાતિવાળા બીજાને નિમ્ન સમજે તો એ વિશુદ્ધ અધર્મ છે. એનાથી વધારે મોટો બીજો કોઈ અધર્મ ન હોઈ શકે. જાતિ, પ્રાંત, પંથ, ધર્મ એ બધાંને લઈને આપણે ખંડ-ખંડમાં વહેંચાઈ ગયાં છીએ !
Also read: સાંભળો, સંસારમાં કે ધર્મમાં સાચે માર્ગે આગળ વધવાની પૂર્વશરત…
બાપ, આપણા મસ્તકમાં અહંકારની માછલીઓ ફરતી હોય છે. ક્યાંય કોઈ જળાશયમાં ડૂબ્યા હોઈશું, ક્યાંક ડૂબકી લગાવી હશે અને મગજમાં પાણી ચઢી ગયું હશે. અને અહંકારની માછલીએ સરદર્દ આપ્યું, પણ એ તો કોઈ સદ્દ્ગુરુનો વરદ હાથ જ એને મિટાવી શકે. કોઈના શિર પર હાથ રાખવો તે બૌદ્ધિક ઓપરેશન છે પણ હાથ એનો હોવો જોઈએ જે નિષ્ણાત હોય. અમને મદ આવી ગયો છે તેથી હે ગોવિંદ, તું અમારું ઓપરેશન કર. મસ્તકમાં અહંકાર છે, છાતી સંતાપથી ભરાયેલી છે અને હૃદય કામનાગ્રસ્ત છે. હે ગોવિંદ, તારો વરદ હસ્ત અમારા શિર પર ધરી દે જેથી અમારો અહંકાર, અમારી કામનાઓ અને અમારો સંતાપ મિટે.
- સંકલન : જયદેવ માંકડ