ધર્મતેજ

અલૌકિક દર્શન: યજ્ઞ એટલે સમર્પણની સાધના

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
અંશુમાન યજ્ઞનો ઘોડો લઈને પાછા ગયા. યજ્ઞ પૂરો થયો. અંશુમાને ગંગાના અવતરણ માટે તપશ્ર્ચર્યા કરી, પરંતુ તેમને સફળતા મળી નહીં. તેમના પુત્ર દિલીપે પણ તે માટે તપશ્ર્ચાર્યા કરી, પરંતુ સફળતા મળી નહીં. દિલીપના પુત્ર ભગીરથે દીર્ધ સમય સુધી ઉગ્ર તપશ્ર્ચર્યા કરી અને ગંગાજી પ્રસન્ન થયાં તથા પૃથ્વી પર ઊતરવા સંમત થયાં.

ગંગાજી તો પૃથ્વી પર અવતરવા સંમત થયાં, પરંતુ પૃથ્વી પર તેમનો ભાર ઝીલે કોણ? મહારાજ ભગીરથે પુન: તપશ્ર્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી ગંગાજીનો ભાર ઝીલવા સંમત થયા.

ગંગાજી વિષ્ણુના ચરણકમળમાંથી નીકળ્યાં, પણ બ્રહ્માજીના કમંડલુમાં સમાઈ ગયાં. તેમાંથી નીકળીને શિવજીની જટામાં સમાઈ ગયાં, તેમાંથી નીકળીને પૃથ્વી પર વહેતાં થયાં અને પૂર્વ સાગરને કિનારે સગરપુત્રોની ભસ્મ પરથી પસાર થયાં અને સગરપુત્રોની મુક્તિ થઈ.

Also read: અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે

આ કથાને તેના સ્થૂળ અર્થમાં સમજી શકાય તેમ નથી. આ કથાની સ્થૂળ અર્થાત્ બાહ્ય ઘટનાની પાછળ કોઈક મૂલ્યવાન આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. આપણે કથાના કોચલાને ભેદીને અંદર જઈએ તો આ અધ્યાત્મસારનો સ્વાદ મળી શકે.

આ કથાના બાહ્ય સ્વરૂપમાંથી કેટલાક પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે. આપણે આ પ્રશ્ર્નોનો અર્થ સમજીએ તો કથાના સૂક્ષ્મ અને સાંકેતિક અર્થને સમજી શકીએ અને તેના અધ્યાત્મસારને પામી શકીએ.

  1. યજ્ઞ એટલે શું?
  2. યજ્ઞનો ઘોડો એટલે શું? ઘોડાનું ચોરાઈ જવું એટલે શું?
  3. સાઠ હજાર સગરપુત્રો કોણ છે?
  4. પૃથ્વી ખોદવી એટલે શું?
  5. ગંગા એટલે શું?
  6. તપશ્ર્ચર્યા એટલે શું?
  7. ગંગાનું અવતરણ એટલે શું?
  8. ગંગાનાં ત્રણ સોપાન એટલે શું?
  9. સગરપુત્રોની મુક્તિ એટલે શું?

હવે આપણે ક્રમશ: આ પ્રશ્ર્નોના ઉત્તરો મેળવવા પ્રયત્ન કરીએ અને એ રીતે ગંગાવતરણની ઘટનાના આધ્યાત્મિક અર્થને સમજીએ.

  1. યજ્ઞ એટલે શું?

યજ્ઞ એટલે સમર્પણની સાધના. સાધક પોતાના આધ્યાત્મિક વિકાસ માટે જે સાધન કરે છે તે યજ્ઞ જ છે. અહીં સગરરાજાના અશ્ર્વમેધયજ્ઞનો પ્રસંગ છે. અશ્ર્વ પ્રાણનું પ્રતીક છે. યજ્ઞનો અશ્ર્વ ચારે દિશામાં પૃથ્વી પર વિહરે છે. વસ્તુત: આ ક્રિયા પ્રાણમય ચેતનાના સ્થૂળ ચેતના (પૃથ્વી) પરના વિજયની ક્રિયા છે. અશ્ર્વરૂપી પ્રાણ પૃથ્વીરૂપી સ્થૂળ ચેતના પર આધિપત્ય સ્થાપિત કરવા માટે નીકળે છે તેવો અશ્ર્વમેધયજ્ઞનો સાંકેતિક અર્થ છે.

  1. યજ્ઞનો ઘોડો એટલે શું? ઘોડાનું ચોરાઈ જવું એટલે શું?

યજ્ઞનો ઘોડો એટલે સાધકની સાધનામાં પ્રયુક્ત થતી સાધકની પ્રાણશક્તિ.

આ પ્રાણશક્તિ માત્ર પોતાના જ બળથી, પોતાના જ જ્ઞાનથી સ્થૂળ ચેતના પર વિજય મેળવી શકે નહીં-આધિપત્ય સિદ્ધ કરી શકે નહીં અને માત્ર પોતાની જ ચેતના દ્વારા સ્થૂળ ચેતનાનું રૂપાંતર કરી શકે નહીં. તે માટે ઉચ્ચતર ચેતનાની સહાય અનિવાર્ય છે.

સગર રાજાના યજ્ઞમાં માત્ર પ્રાણશક્તિ (અશ્ર્વ)નો જ વિનિયોગ થાય છે, તેથી અશ્ર્વ બંધાઈ જાય છે- પ્રાણશક્તિ અવરુદ્ધ થઈ જાય છે. ઊર્ધ્વ ચેતનાની સહાય વિના પ્રાણશક્તિ સ્થૂળ ચેતના પર વિજય મેળવી શકે નહીં અને મેળવવા પ્રયત્ન કરે તો પોતે જ સ્થૂળ ચેતનામાં બંધાઈ જાય છે તેવો અશ્ર્વના ચોરાઈ જવાનો અને બંધાઈ જવાનો અર્થ છે.

  1. સાઠ હજાર સગરપુત્રો કોણ છે?

સગરપુત્રો યજ્ઞના અશ્ર્વના રક્ષકો છે, અર્થાત્ અશ્ર્વરૂપી પ્રાણની જ સેના છે. પ્રાણના જે અસંખ્ય પ્રવાહો છે, તે જ આ સગરપુત્રો છે. વૈશ્ર્વિક પ્રાણમય ચેતનામાં અસંખ્ય સત્ત્વો છે અને વૈયક્તિક પ્રાણમય ચેતનાના અસંખ્ય પ્રવાહો તે જ સગરપુત્રો છે.

કોઈ વ્યક્તિને સાઠ હજાર પુત્રો હોઈ શકે નહીં, છતાં કથાકાર સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા તેમ કહે છે. કથાકાર હેતુપૂર્વક અતિશયોક્તિ કરે છે. તેઓ આ અતિશયોક્તિ દ્વારા એમ સૂચવે છે કે આ કથાને કોઈએ માત્ર સ્થૂળ દૃષ્ટિથી જોવાની નથી. આટલી મોટી અતિશયોક્તિ કરવાનો હેતુ એ છે કે તે રીતે કવિ આપણને સૌને સૂક્ષ્માર્થ તરફ દૃષ્ટિ રાખવાનો સંકેત કરે છે.

  1. પૃથ્વી ખોદવી એટલે શું?

પૃથ્વી ખોદવી એટલે સ્થૂળ ચેતનામાં સાધના કરવી. માત્ર સ્થૂળ ચેતનામાં સાધના કરવાથી યથાર્થ આધ્યાત્મિક રૂપાંતર સિદ્ધ થઈ શકે નહીં. પૃથ્વી ખોદવાથી અશ્ર્વ મળે નહીં, અર્થાત્ માત્ર સ્થૂળ સ્વરૂપે સાધના કરવાથી પ્રાણમય ચેતના પર અંકુશ સિદ્ધ થઈ શકે નહીં. સગરના પુત્રોએ અશ્ર્વ શોધવાનો બહુ મોટો પ્રયત્ન કર્યો, પોણી પૃથ્વી ખોદી નાખી. તેમનાં નામ પરથી સાગર રચાયો. અશ્ર્વ જોયો પણ ખરો, પરંતુ અશ્ર્વ પાછો મળ્યો નહીં, પરંતુ તેઓ જ ભસ્મીભૂત થયા, અર્થાત્ પ્રાણના પ્રવાહોરૂપી સગરપુત્રો પૃથ્વીમાં જ સમાઈ ગયા.

અંશુમાન અશ્ર્વને અને સગરપુત્રોના અવશેષને શોધે છે. અંશુ એટલે કિરણ અંશુમાન એટલે જેનામાં પ્રકાશ અર્થાત્ વિવેક છે. તે અંશુમાન વિવેકી છે. અંશુમાન સગરપુત્રોની જેમ પૃથ્વી ખોદતા નથી, પરંતુ વિવેકપૂર્વક શોધ કરે છે. વિવેકી અંશુમાન અશ્ર્વને પાછો મેળવે છે, યજ્ઞ પરિપૂર્ણ થાય છે. સગરપુત્રોના ઉદ્ધારનો ઉપાય પણ અંશુમાન મેળવે છે.

  1. ગંગા એટલે શું?

ગંગા એટલે ઊર્ધ્વ ચેતના. અસ્તિત્વ ઘણું ગહન અને રહસ્યપૂર્ણ છે. આપણે જેટલું અસ્તિત્વ સ્થૂળ ચક્ષુઓથી જોઈએ છીએ તેના કરતાં અનેકગણું ચક્ષુઓથી અતીત પણ છે.

અસ્તિત્વના અનેક સ્તરો છે. પ્રાચીન વૈદિક રહસ્યવિદ્યા પ્રમાણે અસ્તિત્વ સપ્તસ્તરી છે. તેને જ ચેતનાના સાત સ્તરો કે સપ્તલોક પણ કહે છે. ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક અને સત્યલોક – આ સાત લોક છે.
ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોકને નિમ્ન ગોળાર્ધ ગણેલ છે. જનલોક, તપોલોક અને સત્યલોકને ઊર્ધ્વ ગોળાર્ધ ગણેલ છે અને મહર્લોક તેમને જોડતી વચલી કડી છે.

આ વર્ગીકરણ બીજી રીતે પણ થાય છે. અન્નમય, પ્રાણમય અને મનોમય ચેતના નિમ્ન ગોળાર્ધ છે, વિજ્ઞાનમય ચેતના વચલી કડી છે અને સત, ચિત અને આનંદલોક ઊર્ધ્વ ગોળાર્ધ છે. ઊર્ધ્વ ગોળાર્ધની ચેતના માટે અહીં ગંગા શબ્દ પ્રયુક્ત થયો છે, તેથી જ ગંગાને વિષ્ણુચરણમાંથી નીકળેલી માનવામાં આવે છે. વિષ્ણુ એટલે પરમ ચૈતન્ય. પરમ ચૈતન્યમાંથી ઊર્ધ્વ ચેતનાનો જે પ્રવાહ નીકળે છે તે જ ગંગાજી છે.

  1. તપશ્ર્ચર્યા એટલે શું?

અંશુમાન, દિલીપ અને ભગીરથ-એમ ત્રણ પેઢીની તપશ્ર્ચર્યાને અંતે ગંગારૂપી ઊર્ધ્વ ચેતનાનું અવતરણ થાય છે. આ તપશ્ર્ચર્યા શું છે? કેવી તપશ્ર્ચર્યા દ્વારા ગંગાજી પૃથ્વીલોક પર અવતરે છે? તપશ્ર્ચર્યા એટલે અભીપ્સા. પરમ ચેતનાના અવતરણ માટેની તીવ્ર અભીપ્સા તે જ તપશ્ર્ચર્યા છે. આ અભીપ્સા આપણી સાધનાનો પાયો છે. અભીપ્સામાંથી જ પ્રાર્થના, ચિંતન, ધ્યાન, જપ આદિ અનેક સાધનસ્વરૂપો પ્રગટે છે. અભીપ્સા અધ્યાત્મસાધનનો પ્રાણ છે. આ તીવ્ર અભીપ્સાના પ્રતિભાવસ્વરૂપે ઊર્ધ્વચેતનારૂપી ગંગાજી આપણા પૃથ્વીલોક પર અર્થાત્ નિમ્ન ચેતનામાં અવતરવા માટે સંમત થાય છે, પરંતુ ઊર્ધ્વ ચેતનાનું અવતરણ સરળ નથી. દીર્ઘ તપશ્ર્ચર્યા – ત્રણ પેઢીની તપશ્ર્ચર્યાને અંતે ગંગાજી નીચે પધારવા સંમત થાય છે.

  1. ગંગાનું અવતરણ એટલે શું?

ઊર્ધ્વ ચેતનાનું નિમ્ન ચેતનામાં અવતરણ તે ગંગાનું અવતરણ છે. માનવ-ચેતનાની જે ભૂમિકા પર હોય તે જ ભૂમિકા પર રહીને તે ભૂમિકાનું રૂપાંતર કરી શકે નહીં. પ્રાણના પ્રશ્ર્નો પ્રાણની ભૂમિકા પર રહીને ઉકેલી શકાતા નથી. તે જ રીતે મનની સમસ્યાઓનું નિરાકરણ મનની જ ભૂમિકા પર રહીને શોધી શકાય તેમ નથી, એટલું જ નહીં, પરંતુ માનવ ચેતનાની જે ભૂમિકા પર જીવતો હોય તે જ ભૂમિકાની શક્તિ દ્વારા તે પોતાની ચેતનાનું રૂપાંતર સાધી શકે નહીં.

ચેતનાના કોઈ પણ સ્તરનું યથાર્થ રૂપાંતર કરવાનો અને તે રીતે ચેતનાની ભૂમિકાની સમસ્યાઓનું યથાર્થ નિરાકરણ કરવાનો સાચો ઉપાય એક જ છે: ઊર્ધ્વ ચેતનાનું નિમ્ન ચેતનામાં અવતરણ.

સગરના પુત્રોની અસદ્ગતિ તે સ્થૂળ ચેતના અને પ્રાણમય ચેતનાની સમસ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ શરીર, પ્રાણ, મનરૂપી નિમ્ન ગોળાર્ધના ઉપાયો દ્વારા મળી શકે નહીં. શરીર-પ્રાણ-મનનું રૂપાંતર તે જ ભૂમિકાનાં પરિબળો દ્વારા થઈ શકે નહીં. તે માટે ઊર્ધ્વ ગોળાર્ધની ચેતનાના પ્રવાહને નિમ્ન ગોળાર્ધમાં ઉતારવો જોઈએ. આ ઘટના તે જ ગંગાનું અવતરણ છે. સગરના પુત્રોની અસદ્ગતિ તે નિમ્ન ચેતનાની સમસ્યા છે. નિમ્ન ચેતનાની સમસ્યાઓનું નિરાકરણ અને નિમ્ન ચેતનાનું રૂપાંતર થાય તે માટે ઊર્ધ્વ ચેતનાને નીચે ઉતારવી જોઈએ. તપશ્ર્ચર્યા દ્વારા પ્રસન્ન થઈને ગંગાજીરૂપી ઊર્ધ્વ ચેતના નિમ્ન ગોળાર્ધમાં આવવા સંમત થાય છે.

Also read: ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

  1. ગંગાનાં ત્રણ સોપાન એટલે શું?

ગંગાનું એક નામ ત્રિપથગા છે. ગંગા સ્વર્ગમાં, અંતરીક્ષમાં અને પૃથ્વી પર એમ ત્રણે લોકમાં વહે છે, તેથી તેને ત્રિપથગા કહેવામાં આવે છે.

ગંગા વિષ્ણુના ચરણમાંથી નીકળે છે. તે તેનું મૂળ સ્થાન છે. વિષ્ણુલોક ચેતનાનો સર્વોચ્ચ સ્તર છે. ગંગા વિષ્ણુચરણમાંથી નીકળીને બ્રહ્માજીના કમંડલુમાં આવે છે. આ ગંગાના અવતરણનું પ્રથમ સોપાન છે. આ ભૂમિકાને સ્વર્ગલોક કે કારણજગત પણ કહેવાય છે. બ્રહ્માજી સૃષ્ટિના કારણ છે, રચયિતા છે. ગંગાજી બ્રહ્માજીના કમંડલુમાંથી નીકળીને શિવજીની જટામાં સમાઈ જાય છે. શિવજીની જટા સૂક્ષ્મ જગત છે. સૂક્ષ્મ જગત ઘણું અટપટું છે, ગહન છે. ઊર્ધ્વચેતનારૂપી ગંગા પણ પ્રારંભમાં તો તેમાં ગૂંચવાઈ જાય છે, પરંતુ આખરે તેમાંથી બહાર નીકળે છે અને પૃથ્વી પર પધારે છે. પૃથ્વી એટલે સ્થૂળ જગત. ગંગાજીનું પૃથ્વી પર આવવું તે તૃતીય સોપાન છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button