ચિંતન: કુસંગનો સદાય ત્યાગ કરવો

-હેમુ ભીખુ
નારદ ભક્તિ-સૂત્રનું આ કથન છે. અહીં એક સહજ અને સ્વાભાવિક બાબત તરફ નિર્દેશ કરાયો છે. જીવનને યથાર્થ બનાવવા, જીવનમાં સાત્ત્વિકતાની સ્થાપના કરી તે સાત્ત્વિકતાને વધુ દૃઢતા આપવા, જીવનને યોગ્ય માર્ગે લઈ જવા, જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રભુત્વ કાયમ રાખવા અને જીવનમાં ઉત્તરદાયિત્વ કે ધર્મ પ્રત્યેની નિષ્ઠા જળવાઈ રહે તે માટે દુ:સંગ-કુસંગથી દૂર રહેવાની આ વાત છે. આમ તો આ સામાન્ય સર્વસ્વીકૃત બાબત છે, છતાં પણ તે પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. તેથી જ આ વાત શાસ્ત્રોમાં વારંવાર પુનરાવર્તિત કરવામાં આવી છે.
કહેવાય છે કે જેવો સંગ તેવો રંગ. મજાની વાત એ છે કે આ ઘટના એકતરફી છે. સારી કેરીની વચ્ચે એક બગડેલી કેરી હોય તો બધી જ કેરી બગડી જાય. તેનાથી વિપરીત નથી થતું. જો ખરાબ કેરી વચ્ચે એક સારી કેરી હોય તો બધી કેરી સારી નથી થઈ જતી. હકીકત એ છે કે ખરાબ રંગ લાગવાની સંભાવના વધુ હોય છે, તે રંગનો પ્રભાવ વધારે હોવાની સંભાવના પણ વધુ હોય છે અને તેને કારણે અંતે ઉદ્ભવતી પરિસ્થિતિ પણ વધુ જોખમી હોય છે.
સારપ જાળવી રાખવી જરૂરી છે. સારપ જાળવી રાખવા માટે યોગ્ય પરિસ્થિતિ જળવાઈ રહે તે પણ જરૂરી છે. આજુબાજુની પરિસ્થિતિ જો નકારાત્મક હોય – જોખમી હોય તો તેનાથી સારપ અસરગ્રસ્ત થાય જ. બીજી રીતે જોઈએ તો, સદ્ગુણની પ્રાપ્તિ અઘરી છે, દુર્ગુણ સરળતાથી ગ્રહણ થઈ જાય છે. ઊંચાઈ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, પતન તો સહજમાં શક્ય છે. સદ્ગુણ વિકસાવવા માટે ધીરજ રાખી સાતત્યતાપૂર્ણ પ્રયત્ન કરવા પડે, દુર્ગુણ તો રસ્તે ચાલતાં ચાલતાં ગ્રહણ થઈ જાય. કુસંગ એટલે દુર્ગુણો સાથેનું સાંનિધ્ય. કુસંગ એટલે અસાત્ત્વિક પરિસ્થિતિ પ્રત્યેનો લગાવ. કુસંગ એટલે અંતે નુકસાનકારક સાબિત થઈ શકે તેવી બાબતોનું સામીપ્ય. આ બધાની અસર નકારાત્મક હશે, વધુ તીવ્ર હશે, વધુ કાયમી હશે, વધુ નીંદનીય અને વધુ જોખમી હશે.
આ પણ વાંચો…..ચિંતન: સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી
તેથી જ દરેક જગ્યાએ, દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પ્રકારના પ્રયત્ન કરીને કુસંગથી દૂર રહેવું જરૂરી છે. કુસંગથી અવિવેક, અપવિત્રતા, દુરાચાર, વ્યસન-નશો, અસહિષ્ણુતા, અપવિત્રતા, અભિમાન, માનસિક અશાંતિ, હિંસા, જુઠ્ઠાપણું,
વ્યભિચાર, સ્વાર્થ તથા નિર્દયતા જેવાં દૂષણો પ્રાપ્ત થતાં હોય છે. મન ખોટા વિચારે ચડી જતું હોય છે. સંગ અયોગ્ય હોય તો ખોટી આદત પડે, અસામાજિક તેમ જ અનૈતિક કાર્યમાં જોડાવાની સંભાવના ઊભી થાય. અનુકરણ કરવું એ મનનો સ્વભાવ છે.
મનની દૃષ્ટિએ જે બાબતનું પ્રભુત્વ હોય તેનું અનુકરણ કરવા તે વધુ પ્રેરાય. જીવનમાં જ્યારે કુસંગનું ‘જોર’ વધુ હોય ત્યારે સ્વાભાવિક રીતે કુ-બાબતો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય અને મનને તે મુજબની પ્રવૃત્તિમાં આસક્ત રહેવું ગમે. કુસંગને કારણે ઇન્દ્રિયોને જે પ્રિય છે તે પ્રત્યેનો લગાવ વધે અને જીવન માટે જે શ્રેય છે તે તરફની નિષ્ક્રિયતા વધતી જાય.
કુસંગથી કામના તથા ભોગ પ્રત્યે પ્રીતિ જાગ્રત થાય, વિષયોમાં મન લિપ્ત થવાના સંજોગો ઊભા થાય, અનિચ્છનીય ઇચ્છા તથા અપેક્ષા પૂર્ણ ન થતાં ક્રોધ જાગ્રત થવાની સંભાવના વધે, ભક્તિ તથા સાધનાથી વિમુખ થવાય, ક્યાંક શ્રદ્ધા અને વિશ્વાસ ડગી જાય, ‘ઋણ કરીને પણ ઘી પીવું’ની ભાવના દૃઢ થતી જાય, દુષ્ટ તથા અધર્મી પ્રત્યેનો લગાવ વધતો જાય, અને આ બધાને અંતે જીવનની હકારાત્મક સંભાવનાઓ નાશ પામે. કુસંગથી વ્યક્તિ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ શકે. સત્સંગનો લોપ થતાં સારી પરિસ્થિતિથી દૂર થતાં જવાય. કુસંગને કારણે સત્ય અને ધર્મ દૂર થતાં જીવનમાંથી ‘શિવ’ અને ‘શુભ’ લુપ્ત થતાં જાય.
જીવન એ મર્યાદિત સમયગાળાનો તબક્કો છે. આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તે વ્યક્તિ જાતે નક્કી કરે છે. આ સમયનો ઉપયોગ જીવનને તારવા માટે પણ થઈ શકે અને ડુબાડવા માટે પણ થઈ શકે. જીવનનો સમય મુક્તિ માટેનું માધ્યમ પણ બની શકે અને આ સમય ભવસાગરનાં બંધનો વધુ દૃઢ થાય તે રીતે તેનો વ્યય પણ કરી શકાય. કુસંગથી સમયનો વ્યય જ થતો હોય છે.
આ પણ વાંચો…માનસ મંથન : આત્મચિંતન માટે થોડો સમય રાખો, ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો-મોરારિબાપુ
કોઈ એમ તર્ક કરી શકે કે ઈશ્વર તો દરેક જગ્યાએ, દરેક જીવમાં, દરેક પરિસ્થિતિમાં વ્યાપ્ત છે. તો પછી કુસંગ અને સત્સંગનો ભેદ કેવી રીતે ઉદ્ભવે. જ્યાં દરેક પ્રકારના દ્વંદ્વથી મુક્ત થવાની વાત થતી હોય ત્યાં આ ભેદ શેની માટે. પ્રારંભિક અને બાળસહજ તર્કથી જો વિચારવામાં આવે તો આ વાત સાચી પણ જણાય. સમજવાનું એ છે કે જીવનના પ્રાથમિક તબક્કામાં સાવચેતી જરૂરી છે. જીવનને ટકાવી રાખવા માટે અમુક પ્રકારનો ખોરાક યોગ્ય ગણાય જ્યારે અમુક પદાર્થ અભક્ષ્ય ગણાય. આ એક પ્રકારનો દ્વંદ્વ થયો જે સમજવો અને પાળવો જરૂરી છે. જો આમ કરવામાં ન આવે તો અસ્તિત્વ જોખમમાં આવી જાય. બની શકે કે વ્યક્તિનું શરીર એ પ્રકારનું સામર્થ્ય કેળવે, તે પછી તે સામાન્ય સંજોગોમાં અભક્ષ્ય કહેવાય તેવો પદાર્થ પણ ભોજન તરીકે સ્વીકારી શકે, પણ આ માટે વ્યક્તિએ તે પ્રકારનું સામર્થ્ય કેળવવું પડે. ત્યાં સુધી અભક્ષ્યથી દૂર રહેવું ઇચ્છનીય. સત્સંગ અને કુસંગ માટે પણ આમ જ કહી શકાય.
જ્યાં સુધી મન મજબૂત નથી, જ્યાં સુધી ઇન્દ્રિયો તેના વિષયો પ્રત્યે આકર્ષાયેલી રહે છે, જ્યાં સુધી ચિત્ત સ્થિરતાને પામ્યું નથી, જ્યાં સુધી કામ અને અર્થ આધારિત પુરુષાર્થ માટે પ્રયત્નો ચાલુ છે, જ્યાં સુધી સદ્ગુરુની કૃપા સ્થાપિત નથી થઈ, જ્યાં સુધી મન ભક્તિમાં લીન નથી થયું, જ્યાં સુધી સાધના વિચલિત થતી રહે છે, જ્યાં સુધી યથાર્થ જ્ઞાનની પ્રતીતિ નથી થઈ ત્યાં સુધી સાવચેત રહેવું સારું. ત્યાં સુધી કુસંગથી દૂર રહેવું સારું. હકીકત તો એ છે કે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ કુસંગ પતન નોતરી શકે છે. તેથી જ કુસંગથી સર્વથા દૂર રહેવું ઇચ્છનીય છે.