વિશેષઃ જ્ઞાનની વિશિષ્ટ મૂડીના માલિક જડભરત! | મુંબઈ સમાચાર
ધર્મતેજ

વિશેષઃ જ્ઞાનની વિશિષ્ટ મૂડીના માલિક જડભરત!

રાજેશ યાજ્ઞિક

આપણે ગુજરાતીમાં એક વિશેષણ વાપરીએ ,છીએ, ‘જડભરત’. આ શબ્દ આમ તો અપમાનજનક રીતે વપરાય છે. પોતાના મંતવ્ય કે વિચારને સત્ય-અસત્યનો વિચાર કાર્ય વિના વળગી રહેનાર ને જડભરત કહીને ઉતારી પાડવામાં આવે છે. પણ જડભરત વિશેષણ હકીકતમાં જેને માટે વપરાયું છે એ ભારતીય સંસ્કૃતિનો એક મહાપુરુષ છે એમ કહીએ તો એ વિશેષણ પણ વામણું પડે તેમ છે.

આ કથા વિશિષ્ટ છે. કેમકે તેનો ઉલ્લેખ નારદ પુરાણમાં મળે છે. સાથે સાથે જૈન સંપ્રદાયમાં પણ આ કથા સાંભળવા મળે છે. કથાનું પાત્ર સમાન છે, રાજા ભરત. સાથે જે લોકો આપણા ઇતિહાસને કાલ્પનિક કથા કહે છે, તેમને સજ્જડ જવાબ પણ છે, કેમકે તેમાં વંશાવલી સાથે એક સમાન કથા જોવા મળે છે.

બ્રહ્માજીના માનસપુત્ર મનુ, જેમના નામ પરથી આપણે સહુ માનવો કહેવાયા. તેમના બે પુત્રો એટલે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એટલે ભક્ત ધ્રુવના પિતા. પ્રિયવ્રતના દસ પુત્રો હતા. તેમાંથી ત્રણ વિરક્ત હોવાથી તેમણે અન્ય સાત પુત્રોમાં પૃથ્વીનો કારભાર વહેંચ્યો. (પૃથ્વીમાં સાત ખંડ છે નિર્વિવાદ હકીકત!). તેમાંથી એક પુત્ર અગ્નિઘ્ર, જેમને જંબુદ્વીપનો કારભાર સોંપાયો.

અગ્નિઘ્રના નવ પુત્રોમાં જંબુદ્વીપનો કારભાર વહેંચાયો. તેમાં સૌથી મોટા એટલે રાજા નાભિ. તેમના નામ પરથી આ ક્ષેત્ર અજનાભ તરીકે ઓળખાતું થયું. રાજા નાભિના પુત્ર ઋષભ. આ ઋષભ એટલે જ જૈન સંપ્રદાયની વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ. તેમના સો પુત્રો, જેમાં સૌથી મોટા ભરત. મહારાજા ઋષભ પછી ભરત રાજા બન્યા. તેમના નામ પરથી અજનાભ ક્ષેત્રને ભારત નામ મળ્યું. જે આજે પણ આપણી વિશિષ્ટ ઓળખાણ છે.

પિતા પાસેથી મળેલા રાજ્યનો સુચારુ વહીવટ કર્યા બાદ મહારાજા ભરત વાનપ્રસ્થાશ્રમમાં પ્રયાણ કરે છે. એક વખત એક ગર્ભવતી હરણી રાજા ભરત જ્યાં ધ્યાનમગ્ન હતા, ત્યાં આવી ચડે છે. તેવામાં સિંહની ગર્જના સંભળાય છે. ગભરાયેલી હરણી નદીમાં કૂદી પડે છે, તેના ગર્ભથી તેનું બચ્ચું બહાર નીકળી પડે છે. હરણી મૃત્યુ પામે છે.

રાજા ભરત તાજા જન્મેલા બાળકને પોતાના શરણમાં લઈને તેનો ઉછેર કરે છે. જીવનના સંધ્યાકાળમાં આસક્તિઓ મૂકીને આવેલા ભરત આ બાળ હરણના પાલનપોષણમાં એટલા આસક્ત થઇ જાય છે, કે જાણે એમનું પોતાનું સંતાન હોય. તેમની આ આસક્તિને કારણે મૃત્યુ પછી તેમને પણ મૃગનો જન્મ મળે છે. પરંતુ મૃગ તરીકે જન્મેલા ભરતના આત્માને પૂર્વજન્મનું જ્ઞાન પણ હોય છે, તેથી વૈરાગ્ય ભાવનાથી એ જ વનમાં આવીને અનાસક્ત ભાવે આયુષ્ય પૂર્ણ કરે છે.

આ પણ વાંચો…વિશેષઃ સૃષ્ટિના સર્જનથી વિસર્જન સુધી સર્વવ્યાપી આદ્ય શક્તિ…

આસક્તિથી મુક્ત થવાના કારણે ફરી મનુષ્ય રૂપે તેઓ એક બ્રાહ્મણના ઘરે જન્મ લે છે. એમના પિતા આંગિરસ ગોત્રના વેદપાઠી બ્રાહ્મણ હતા. તેમને જાતિસ્મરણના કારણે આત્માનું જ્ઞાન પહેલથી જ હોવાથી ગુરુની શિક્ષા કે શાસ્ત્રોના અધ્યયનમાં રસ લેતા નહોતા. શરીર એ પોતે નથી એ જાણતા હોવાથી તેની પણ ઉપેક્ષા કરતા હતા. વસ્ત્રો આદિ પણ મલિન પહેરતા, કારણકે વસ્ત્રથી તો શરીર ઢંકાય છે, પણ પોતે એ શરીર નથી એવી ભાવના દ્રઢ છે! લોકો સાથેના સંવાદ કે કાર્યોમાં કોઈ રુચિ ન હોવાથી જડતા પૂર્વક ઉત્તર આપતા, તેથી નામ પડ્યું જડભરત!

પિતાના મૃત્યુ પછી પરિવાર આ જડભરત પાસે મજૂરી કરાવતો હતો. એકવાર સિંધુ અને સૌવીર દેશનો રાજા રહૂગણ તત્ત્વજ્ઞાાન મેળવવાની ઇચ્છાથી કપિલમુનિના આશ્રમે જતો હતો. ત્યારે તેની પાલખી ઊંચકવાના કામમાં અન્ય કહારો સાથે જડભરત પણ જોડાયો. જ્ઞાની જડભરત કોઈ જીવોની હિંસા ન થાય તેનું ધ્યાન રાખતા ચાર હાથ આગળની ભૂમિ જોઈને સાવધાની પૂર્વક ચાલતા હતા, જ્યારે અન્ય કહારોને તો એવું કંઈ હતું નહીં એટલે એ લોકો તો ઝડપથી ચાલતા હતા. તેથી પાલખી ડગમગવા લાગતી. રહૂગણ તેનાથી અકળાયો અને જડભરત પર ગુસ્સે થયો.

તેને કહ્યું કે તું આવડો જાડા શરીર વાળો છે, છતાં હજી થોડી વારમાં જ પાલખી ઊંચકીને થાકી ગયો? આવું બળશાળી તારું શરીર શું કામનું, આટલો પણ પરિશ્રમ સહન નથી થતો? જડભરત અપમાન સહન કરવું એ જ્ઞાનીનું કર્તવ્ય સમજીને ચુપચાપ ચાલે છે. થોડી વાર પછી રાજા ફરી અકળાયો અને કહે તું મારી અવગણના કરે છે? હું રાજા છું, તું મારું સાંભળતો નથી? તું જીવે છે કે મરેલો છે?

આ વાત સાંભળીને જન્મ-પુનર્જન્મના ચક્રને જાણનાર, આત્માને શરીરથી અલગ ઓળખનાર જડભરત રાજાને જ્ઞાનની એવી વાત જણાવે છે કે રાજા પાલખી પરથી ઊતરીને તેના પગે પડી જાય છે. તેની વાત આગળ કરીશું.

આ પણ વાંચો…વિશેષઃ એક એવું મંદિર જ્યાં દેવી અગ્નિસ્નાન કરે છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button