વિશેષ: ગૂગલ મેપ જેવું શાસ્ત્રોનું માર્ગદર્શન, આપણે વારંવાર રસ્તો બદલ્યા કરીએ છીએ…!

-રાજેશ યાજ્ઞિક
લંકાના યુદ્ધ મેદાનમાં વિભીષણના મનની શંકા દૂર કરતા ભગવાન શ્રી રામ જે ધર્મ રથનું વર્ણન કરે છે. તેમાં એક બીજી વાત પણ ઉમેરે છે કે કેવાં શસ્ત્રોથી યુદ્ધ જીતી શકાય? આમ તો આ રામ-રાવણનું યુદ્ધ છે. પરંતુ તેના દ્વારા શ્રી રામ વિભીષણને, અને તેના દ્વારા સમગ્ર જગતને માર્મિક ઉપદેશ આપે છે. શ્રી રામ જે યુદ્ધની વાત કરે છે તે રણમેદાનમાં નહિ, પરંતુ આપણા જીવનના મેદાનમાં લડાતું યુદ્ધ છે. જીવન અને મૃત્યુ વચ્ચે અનંતકાળથી યુદ્ધ ચાલ્યું આવે છે. જેમાં હંમેશાં મૃત્યુ જીતી જાય છે. મૃત્યુને કાયમ માટે હરાવી દેવું, એ જ મોક્ષ છે. મૃત્યુ જ્યાં સુધી હારે નહીં ત્યાં સુધી જન્મ-મૃત્યુના અનંત ચક્રમાંથી આપણી મુક્તિ અસંભવ છે.
તો આવા યુદ્ધ માટે કેવાં શસ્ત્રો જોઈએ? પ્રભુ કહે છે. ‘અમલ, અચલ મન ત્રોન સમાના’ શુદ્ધ (પાપ રહિત) અને અચળ (સ્થિર) મન એક ભાથા જેવું છે. તુલસીદાસજી શ્રી રામના મુખે જે કહેવડાવે છે તે અદભુત વાત છે. બાણ તો સારા જોઈએ જ, પણ તે જેમાં રહેશે તે ભાથું પણ ઉત્તમ જોઈએ! કેવું હોવું જોઈએ? શુદ્ધ અને અચલ મન રૂપી ભાથામાં જ બાણ રહી શકે.
આ નિર્મળ મનની વાત તો શાસ્ત્રકારોએ અનેક વખત, અનેક રીતે અને વારંવાર કહી છે. નિર્મળ મન કેવું? તો નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવ જન જેવું. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભક્તનાં લક્ષણોમાં આ વાત કહેવાઈ છે.
આપણ વાંચો…વિશેષ: મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે
આપણે બાળકોને ભગવાનનું રૂપ કહીએ છીએ, કારણકે તેમનું મન નિર્મળ હોય છે. તેમાં લોભ, કપટ વગેરે હજી આવ્યા નથી હોતા. જો આપણું મન પણ બાળક જેવું રહી શકે, તો આપણે પણ ભગવદ સ્વરૂપ જ બની શકીએ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ બધી ગડબડ અહીંયા જ છે! આપણે તો મંદિરમાં ઊભાઊભા પણ સ્વાર્થ, કપટ, મારું-તારું, નિંદા, ક્રોધ જેવા અવગુણો છોડી શકતા નથી, ત્યાં મંદિરની બહારની તો વાત જ શું કરવી? એટલે જ તો ભક્તિ ગીતમાં ગવાય છે,
મૈલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આઉં, હે પાવન પરમેશ્વર મેરે, મન હી મન શરમાઉં.
મનની મલિનતા દૂર ન થાય ત્યાં સુધી ઈશ્વરના સાચા સ્વરૂપના દર્શન થતા નથી, ન સાચી ભક્તિ થાય, ન સાચું તપ થાય, ન સાચો સ્વાધ્યાય થાય.
પાછું મન કેવું હોવું જોઈએ? અચળ, એટલે કે સ્થિર હોવું જોઈએ. સ્થિર મન એટલે શું? એક તો અર્થ એ કે, એકાગ્ર ચિત્ત હોવું. જેમ ધ્યાન કરતી વખતે મન ભટકતું હોય, જાતજાતના વિચારોમાં અટવાયેલું હોય તો ધ્યાન થઇ શકતું નથી. વિદ્યાર્થીનું ચિત્ત એકાગ્ર ન હોય તો અભ્યાસ થઇ શકતો નથી. એકાગ્રતા કેવી જોઈએ? પક્ષીની આંખ સિવાય કંઈ ન દેખાય તેવી! ધર્મમાં બીજો અર્થ એ છે કે, જેને તમે પૂજનીય માન્યા છે, તે એક ઈશ્વરની ભક્તિમાં લીન રહો. સંત કવિઓએ આ વાત પર ઘણા કટાક્ષભર્યા શબ્દોમાં ઉપદેશ આપ્યો છે.
અખો કહે છે, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.
આ પણ વાંચો…વિશેષ: ધર્મના માર્ગમાં એક્સેલરેટર ને બ્રેક બંને જોઈએ!
આમ નહીં, તમે જેના ઉપાસક હો તેની ઉપાસનામાં સ્થિર રહો. શિવની ઉપાસના કરો છો, તો તેમની, કૃષ્ણની કરો છો, તો તેમાં, રામની કરો છો તો ત્યાં મન લગાડો. કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, સર્વ દેવ નમસ્કારાન કેશવમ પ્રતિ ગચ્છતિ.. અર્થાત જેમ આકાશમાંથી વરસતો વરસાદ ગમે ત્યાં વરસ્યો હોય, તેનું જળ કોઈ પણ રસ્તે અંતે તો સાગરમાં જઈને ભળે છે. તેવી રીતે કોઈ પણ દેવને વંદન કર્યા હોય, તે અંતે કેશવને પ્રાપ્ત થાય છે. તેથી પંથોના વિવાદમાં પડવું નહીં. પોતાના દેવ ઊંચા ને બીજાના નીચા જેવી ભાવના રાખશો તો અંતે તમારા આત્માનું નુકસાન થવાનું છે. ઉપરાંત આપણાં કર્મોને કારણે નાહકનો ધર્મ બદનામ થાય છે, પરંતુ સ્થિરતા આવતી નથી.
આપણી ભક્તિ, તપ, સાધના અને સ્વાધ્યાય બધું સ્વાર્થ માટે છે. કોઈ કહે ફલાણા દેવળમાં માનતા માનો તો માગો એ મળી જાય તો ત્યાં દોડીએ, કોઈ કહે ફલાણી દરગાહ પર ચાદર ચઢાવો તો ત્યાં પહોંચી જઈએ, કોઈ કહે પેલા મંદિરમાં દેવ હાજરાહજૂર છે એટલે ત્યાં દોટ મૂકીએ. શાસ્ત્રકારોએ ગૂગલ મેપ જેવું માર્ગદર્શન આપ્યું છે. પાછું ભટકાવી દે એવું નહીં હોં, એકદમ ચોક્કસ! આપણે તેને અનુસરતા રહેવાનું છે. આપણાથી આ થતું નથી. આપણે વારંવાર રસ્તો બદલ્યા કરીએ છીએ અને લક્ષ્ય સુધી પહોંચાતું નથી. એટલે જ સ્થિરતા જરૂરી છે. શ્રદ્ધા જો સાચી હોય તો આ સ્થિરતા અનાયાસ જ આવી જાય છે.
જો આ બંને પ્રકારની સ્થિરતા, શુદ્ધ મન સાથે જોડાય તો જીવન-મૃત્યુના ચક્રને ભેદનાર ધર્મના માર્ગમાં વાંછિત લક્ષને પામવું સરળ બની જાય છે.