માનસ મંથન : ભગવાનના દર્શનની યાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ?

- મોરારિબાપુ
આજે મારી પાસે એક સરસ જિજ્ઞાસા આવી છે. એમણે પૂછયું છે કે, `બાપુ, ભગવાનને પણ ન માગવા? ભગવાનના દર્શનની પણ યાચના ન કરવી? જુઓ, મારા કેટલાક વ્યક્તિગત વિચાર છે. એને તમે માની ન લેશો. પરંતુ જો મારી વાત કરું તો હું ભગવાનને પણ ન માગું. મને ભગવાન મળે ને એમ કહે કે મોરારિબાપુ, માગ ! તેં બહુ કથાઓ કહી છે, માગ ! તો હું કહીશ કે મારે આપ નથી જોઈતા, મારે આપનું ભજન જોઈએ છે. કેમ, કેમ કે આપ તો ઓલરેડી મળેલા છો.
પત્ર તો જે લોકો વિદેશ ગયા હોય તેને લખવાનો હોય. જે આપણી સાથે ઓરડામાં બેસીને જ્યુસ પી રહ્યા હોય એને પત્ર કેવો ? પરમાત્મા ઓલરેડી મળેલા છે. એવો કોણ અભાગી હોય કે જેને પરમાત્મા ન મળ્યા હોય ? મારી આ શ્રદ્ધાને દૃઢ કરવા મારા આ વિચારો આપની સમક્ષ મુકું.
શિવ બ્રહ્મ છે. રામ બ્રહ્મ છે. શિવના હૃદયમાં રામ છે. રામના હૃદયમાં શિવ છે. રામના દરબારમાં આવીને `માનસ’ના શિવ જે સ્તુતિ કરે છે ! સ્તુતિનો સાર શું છે ? રામ દરબારમાં સ્તુતિ કરી અને પછી અંતે શું કહે છે ?
બાર બાર બર માંગહું હરષિ દેહુ શ્રી રંગ,પદ સરોજ અનપાયની ભગતિ સદા સત્સંગ.
આ પણ વાંચો: ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…
એમણે રામને ના માગ્યા કે ચાલો મારી સાથે કૈલાસ! મહાદેવ એ માગી શકતા હતા કે આપ જ મને મળતા રહો; પરંતુ ન માગ્યું. હર્ષિત થઈને શું માગ્યું ? ભજન માગ્યું. રામને ના માગ્યા રામની ભક્તિ માગી. અને કહ્યું કે જો હું અનઅધિકારી હોઉં તો મને ભક્તિ ના આપો તો પણ કોઈ ફરિયાદ નથી પરંતુ ઠાકુર, મારી એક માગ પૂરી કરજો; બહુ દૂરથી આવ્યો છું, મને સત્સંગ આપજો. ખોવાઈ ગયું છે ભજન. ભગવાન નથી ખોવાયા. પરમાત્મા સદા સદા આપણી સાથે છે. ખોવાઈ ગયો છે સજ્જનોનો સંગ; શુભ સોબત; મંગલ કરનારી એક સારી કંપની ખોવાઈ ગઈ છે. આજે વિશ્વમાં જો સૌથી મોટી ક્રાઈસીસ કોઈ હોય તો એ છે કે સંગ કોનો કરવો? જ્યાં સંગ કરો ત્યાં થોડા થોડા સમય પછી દગો મળે છે! ધોખો મળે છે ! લુચ્ચાઈ નીકળે છે.
મારા યુવાન ભાઈ- બહેનો, મારી માનસ વાટિકા નાં ફૂલો, છતાં પણ આપના મનમાં ભગવાનને માગવાની ઈચ્છા હોય તો આપ સ્વતંત્ર છો. પરંતુ હું તો એટલો જ ઈશારો કરું કે જે ઓલરેડી મળી ચૂકેલા છે એને શું માગવા ? આપણે નહોતા ત્યારે પણ તેઓ હતા; આપણે છીએ ત્યારે પણ તેઓ છે અને આપણે નહીં હોય ત્યારે પણ તેઓ રહેશે. ગુરુની પ્રાપ્તિ થયા બાદ પણ જો મોરારિબાપુ મોક્ષની કામના કરે તો મોરારિબાપુ ગુરુ અપરાધ કરી રહ્યા છે! શાની કામના ? શું બાકી રહ્યું છે ? ગુરુ મળ્યા એને બધું મળ્યું. ગુરુ મળ્યા એ પર્યાપ્ત છે.
આપણી સાથે વાતો કરે એવા કોઈ બુદ્ધ પુરુષ મળી જાય, આપણી સાથે બેઠા બેઠા શ્વાસ લે એવા કોઈ બુદ્ધ પુષ મળી જાય એ પર્યાપ્ત છે. મનની વાતો દિલની વાતો કોને પૂછવી જોઈએ ? `માનસ’ નું સૂત્ર કહે છે કોઈ સર્વજ્ઞ મળી જાય એને પૂછવી. સર્વજ્ઞનો એક અર્થ થાય છે જે બધું જ જાણે છે; જેની જાણકારી બહાર કશું નથી, એને આપણે સર્વજ્ઞ કહીએ છીએ, પરંતુ મારી વ્યાસપીઠ કહે છે જે સર્વેશ્વર ને જાણી લે છે એ સર્વજ્ઞ છે. શાસ્ત્ર સમજાય કે ના સમજાય કોઈ ચિંતા નહીં, યોગ સમજમાં આવે કે ના આવે કોઈ ચિંતા નહીં, સર્વેશ્વર એટલે સા રૂપ પરમાત્મા.
સર્વજ્ઞ તો પરમાત્મા હોય. સર્વજ્ઞનો અર્થ અહીં હું એમ કરવા માગું છું કે જેને સર્વનો સાર, પરમાત્માનું ભજન, પરમાત્માનો પ્યાર સમજમાં આવ્યા હોય તે. પરંતુ સર્વજ્ઞ થઈ શકાય છે એ સ્થિતિનો ઇનકાર પણ હું નથી કરતો. જેના અંત:કરણમાંથી નિતાંત રૂપે રાગદ્વેષ નષ્ટ થઈ જાય છે એ દુનિયાની કોઈપણ વાતને જાણી લે છે. એ વ્યવસ્થા છે ભજન જગતમાં. ગંગાસતી ક્યાં ભણ્યા હતા ? એમણે કયા શાસ્ત્રને સ્પર્શ કર્યો હતો? ગંગાસતીને સર્વજ્ઞ કહેવામાં મારી વ્યાસપીઠને કોઈ મુશ્કેલી નથી.
મારા શ્રોતાઓ વારંવાર જણાવે છે કે બાપુ, અમારો દ્વેષ નથી છૂટતો, અમારી ઈર્ષા નથી છૂટતી. આપ એ વિશે બોલો છો ત્યારે સારું લાગે છે; રડવું પણ આવે છે, પરંતુ એ બધું છૂટતું નથી. મોટા મોટાઓ માટે પણ મુશ્કેલ છે એ છૂટવું. એક જ ઉપાય છે ભજન. જેવી રીતે ઓશો કહ્યા કરતા હતા કે અંધારાને કોઈ સત્તા છે જ નહીં, પ્રકાશનો અભાવ જ અંધાં છે. એ વાત તર્કસંગત લાગે છે. માં એવું માનવું છે કે દ્વેષને કોઈ સત્તા નથી. મહોબ્બતનો અભાવ જ દ્વેષ છે. દ્વેષ શું છે? પરંતુ આપણે ભજનમાં કમજોર થઈ ગયા છીએ. ભજન એટલે પ્રેમ, મહોબ્બત.
કહેવાનું તાત્પર્ય કે જેમના અંત:કરણમાંથી રાગ-દ્વેષ નષ્ટ થઈ ગયા હોય છે એમને બધા શાસ્ત્રો અંત:કરણમાંથી ફૂટે છે. બહુ પ્રયાસ કરીને જાણનારાઓ માટે તો શાસ્ત્રો બેડી પણ બની શકે છે પરંતુ રાગ -દ્વેષથી મુક્ત કોઈ મહાપુરુષ હોય એમના માટે શાસ્ત્રો એવી રીતે આવે છે કે એ શાસ્ત્રો જંજીર નથી બનતા પરંતુ આભૂષણ બની અને વક્તાને શણગારે છે. એ વ્યવસ્થા છે. આપણે ત્યાં નથી પહોંચી શકતા એ વાત જુદી છે. પરંતુ સર્વજ્ઞ થઈ શકાય છે.
આ પણ વાંચો: હું પતિવ્રતા સ્ત્રી હોઉં તો હે અગ્નિદેવ આ કામમોહિત થઈ ચૂકેલા પુરુષને ભસ્મ કરી દો
આપણે ત્યાં બે શબ્દો છે; એક ત્રિકાલજ્ઞ; અને સર્વજ્ઞ. ત્રિકાલજ્ઞ એ છે, જે ત્રણેય કાળને જાણે છે, પરંતુ ત્રણે દેશને નથી જાણતા; તે અધૂરા છે. પુરા તો ત્યારે થાય જયારે દેશ-કાલ બંનેને જાણે. આપણા ત્રણ દેશ છે-, ત્રણ લોક છે- સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. ત્રણ કાળ છે- ભૂત, ભવિષ્ય અને વર્તમાન. `રામચરિતમાનસ’ માં એક નારદ એવા છે કે જે ત્રણે દેશને જાણે છે અને ત્રણે કાળને જાણીએ છે.
રાગ – દ્વેષ શૂન્ય હૃદય બધું જાણી લે છે. એટલા માટે બે ત્રણ કથાઓથી મેં કહેવાનું શરૂ કર્યું છે કે કોઈ બુદ્ધપુષની અવગણના તમે એને ખાવાનું ના આપો તો નથી થતી. તમે એનું અપમાન કરો તો અવજ્ઞા નથી થતી, તમે એની સામે ન જુઓ તો અવજ્ઞા નથી થતી. બુદ્ધપુરુષની અવજ્ઞા તમે એની પાસે બેસીને જયારે ખોટું બોલો છો ત્યારે થાય છે. જે સર્વજ્ઞ છે તેની પાસે બેસીને કથા સાંભળવી.
- સંકલન: જયદેવ માંકડ