આત્મત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે ને અંદર ઉતરવું પડશે: માનસ મંથન -મોરારિબાપુ

આજે મને એક સારી ચિઠ્ઠી મળી છે કે, `ભગવાન દેખાતા નથી, તો પછી ભગવાન પર ચર્ચા કેમ થઈ રહી છે ?’ બહુ સારો પ્રશ્ન છે. આ ચર્ચાનું આટલું મહત્ત્વ શું કામ? દેખાતા નથી એટલે મૂલ્યવાન છે. ભારતે ક્યારેય ઉપરની ચર્ચા કરી જ નથી, ભીતરની જ ચર્ચા કરી છે. બાહ્ય ચર્ચા એ તો પ્રપંચ છે. વૃક્ષ દેખાય છે, ન દેખાતાં મૂળને કારણે જ. એ પરમ ચેતનને કારણે આપણે દેખાઈએ છીએ. તમારા વિચારો ક્યારેય દેખાય છે? એવી જ રીતે પરમાત્મા છુપાયેલા છે, એમના છુપાવાને કારણે જ આપણે બધાં પ્રગટ છીએ. અને એ માત્ર મૂર્તિઓમાં જ નહીં દેખાય.
આ પણ વાંચો…માનસ મંથન: જો આપણા વ્યક્તિગત અહંકારને તોડવામાં આવે તો શાંતિ રૂપી જાનકી રાષ્ટ્રને મળી શકે તેમ છે
तुझ में रब दिखता है,
यारा मैं क्या करुं ?
શરીર દેખાય છે, પરંતુ શરીર છે આત્માને કારણે. સૂફી પરંપરામાં એક બાબા ફરીદ થઈ ગયા. કહેવાય છે કે એ કબીરના સમકાલીન હતા. એકવાર કબીર અને ફરીદ એક જ ધર્મશાળામાં ભેગા થઈ ગયા, પરંતુ બંને એકબીજાની મુલાકાત કરતા ન હતા. કબીરના શિષ્યોએ કબીરને પૂછ્યું, ફરીદના શિષ્યોએ ફરીદને પૂછ્યું કે, આપ એક જ ધર્મશાળામાં છો, છતાં આપ એકબીજાને મળતા કેમ નથી?
ફરીદે કહ્યું કે હું જે જાણું છું એ કબીર જાણે છે; એવી જ રીતે કબીરે કહ્યું કે હું જે જાણું છું એ ફરીદ જાણે છે; તો કારણ વિના બકવાસ કરવાની શું જરૂર? ઉપર ઉપરથી મળવું એ કંઈ મળવું છે?
બાપ, આ દંતકથા નથી, સંતકથા છે. ધ્યાન દેજો, જિસસને શૂળીએ ચડાવવામાં આવ્યા અને છતાં એમના ચહેરા પર મુસ્કુરાહટ છે! એ કેવી રીતે બની શકે? હવે, ફરીદને મળવા માટે લોકો આવ્યા હતા, એમાં એક માણસ નાળિયેર લઈને આવ્યો હતો. તો, ફરીદને પ્રશ્ન પૂછવા માટે એક જિજ્ઞાસુ આવ્યો હતો એને એ નાળિયેર પકડાવી દીધું અને ફરીદે કહ્યું કે, આ તોડવાનું છે પરંતુ અંદરનો ભાગ તૂટવો ન જોઈએ; અંદરનો ભાગ અખંડ નીકળવો જોઈએ.
નાળિયેર કાચું હતું. અંદરથી સડેલું હતું, એને જુદું કરવું મુશ્કેલ હતું. પછી ફરીદે બીજું નાળિયેર આપ્યું. એ સૂકું હતું, અંદરનો ભાગ છૂટો પડી ગયો હતો. પેલા માણસે તોડ્યું; તૂટ્યું, ઉપરનો ભાગ તૂટી ગયો અને અંદર જરા પણ ઈજા ન થઈ. ફરીદનો જવાબ હતો કે, શૂળીએ ચડવા છતાં જિસસ એટલા માટે મુસ્કુરાયા કે એમના આત્માથી એમનો દેહ જુદો થઈ ચૂક્યો હતો. આપણે આત્માને જ દેહ સમજી લીધો છે ! `આત્મપીડા’ એવો શબ્દ છે, પરંતુ આત્માને પીડા થઈ શકે? નાળિયેર પાકું હોવું જોઈએ. જિસસ પાકેલું નાળિયેર છે, ગાંધી પાકેલું નાળિયેર છે.
મારાં ભાઈ-બહેનો, આત્મા દેખાતો નથી પરંતુ નહીં દેખાતા આત્માને કારણે જ આપણે દેખાઈએ છીએ. જે બીજ અને મૂળ નથી દેખાતાં એને કારણે જ ઝાડ દેખાય છે. અને ઝાડને કાઢવું હોય તો વૃક્ષની આસપાસ ખોદકમ કરવું પડે, મૂળ કાઢવાં પડે,પછી જ ઝાડ પડી શકે. એવી રીતે આત્મતત્ત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે,અંદર ઊતરવું પડશે.
આ બુદ્ધપુષો મૂળ સુધી પહોંચ્યા છે. ગોસ્વામીજી કહે છે કે સત્સંગ ક્યારેય નહીં જન્મે. તો, એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સત્સંગ કરશો તો વિવેક આવશે, પરંતુ તુલસીએ તરત જ એક શરત મૂકી કે,‘रामकृपा बिनु सुलभ न सोई| સત્સંગ હરિની કૃપા વિના સુલભ નથી. સત્સંગમાં જવાનો મોકો મળે તો સમજવું કે હરિકૃપા થઈ રહી છે. અને પછી શું થશે ? होई बिबेकु मोह भ्रम भागा|’ બે વસ્તુ ભાગી જશે, એક તો મોહ અને બીજો ભ્રમ. અને એ બંને ભાગી જશે ત્યારે ‘रघुनाथ चरन अनुरागा| ઈશ્વરનાં ચરણનાં પ્રેમની બાધા બે જ છે, મોહ અને ભ્રમ. પ્રેમમાં જો મોહ આવી ગયો તો બાધા અને પ્રેમમાં ભ્રમ આવી ગયો તો બાધા.
રશિયાના એક વૈજ્ઞાનિકે વિચારને પકડવાની એક શોધ કરી. એણે પોતાના સહાયકોને એક હજાર માઈલ દૂર એક માણસ પાસે મોકલ્યા અને કહ્યું કે ત્યાં જઈને તમે મને ફોન કરજો. સહાયકો ત્યાં પહોંચી ગયા. પછી પેલા વૈજ્ઞાનિકે અહીંથી વિચાર મોકલતા કહ્યું કે, સૂઈ જાવ'; તો, સામેથી ફોન આવ્યો કે પેલો માણસ સૂઈ ગયો છે ! પછી વૈજ્ઞાનિકે ફરી પાછા વિચાર મોકલતા કહ્યું કે,
જાગી જા’; તો એ માણસ જાગી ગયો ! તો, હવેના દિવસોમાં વિચારને પકડવાની ચેષ્ટા થઈ રહી છે. આવનારા દિવસોમાં વિચારનું ચિત્ર પણ તૈયાર થશે. આવી જ શોધ થતી રહી તો આવનારા દિવસોમાં આત્માને પણ પકડી શકાશે, પરંતુ આપણે એ મનોવૈજ્ઞાનિક શોધમાં ક્યાં જવું છે ? આપણને તો બધામાં ભગવાન દેખાય જ છે.
એક પ્રયોગ તો હું તમને બતાવું કે, તમે કોઈ અટારીમાં-બાલ્કનીમાં ઊભા હો અને નીચે રસ્તા પરથી કોઈ માણસ નીકળે ત્યારે એના માથા પર તમે જોતાં રહો ને વિચારો કે `આ કોણ છે, એ જરા ઉપર જુએ તો ખબર પડે.’ નવ્વાણું ટકા એ માણસ ઉપર જોશે. જેટલી આપણી નિર્દોષતા, એટલા વધારે વિચારો ફેંકી શકાય છે. મારાં ભાઈ-બહેનો, જેમણે ચરિત્ર પવિત્ર કર્યું હોય પરંતુ જે બિલકુલ પ્રાકૃત નરરૂપમાં હોય, એ ભગવાન છે.
આ પણ વાંચો…મનનઃ સર્વકાલ રામ સ્મરણ- સત્સંગ એક અદ્ભુત અને મહાન ઘટના છે
જ્યારે કોઈ સત્સંગ મળે તો સમજવું કે જે નિરાકાર હતી એ કૃપા કોઈ ને કોઈ રૂપ ધારણ કરી રહી છે. રામકથાથી સત્સંગ સુલભ થાય છે. એ સત્સંગ એ જ માત્રામાં કરીશું તો વિવેકનો જન્મ થશે. (સંકલન : જયદેવ માંકડ)