મનન: તુરીય- તુરીયાતીત

હેમંત વાળા
સનાતની શાસ્ત્રો અનુસાર મનુષ્યની ચેતનાની ચાર અવસ્થાઓ છે. પ્રથમ, જાગ્રત અવસ્થા જેમાં વ્યક્તિ જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિથી જગતનો અનુભવ કરે છે. બીજી, સ્વપ્ન અવસ્થા જેમાં ઊંઘમાં વ્યક્તિ મન દ્વારા રચાયેલ કાલ્પનિક પરિસ્થિતિની, તે વાસ્તવિક હોય તેવી અનુભૂતિ કરે છે.
ત્રીજી, સુષુપ્તિ અવસ્થા જે ગાઢ નિંદ્રાની અવસ્થા છે જ્યાં જાગૃતિ કે સ્વપ્નની ઉપસ્થિતિ ન હોય, પરંતુ અહીં જગતનું અસ્તિત્વ હોય કારણકે તેમાં હજુ ‘અજ્ઞાન’ છવાયેલું રહે. ચોથી, તુરીય અવસ્થા જ્યાં ત્રણેય અવસ્થાથી મુક્ત થઈ શુદ્ધ ચૈતન્યનો અનુભવ મળી શકે. તુરીય અવસ્થામાં વ્યક્તિ આત્માનુભૂતિ દ્વારા સ્વ-અસ્તિત્વમાં સ્થિર થઈ પરમ-આનંદ અને પરમ-મુક્તિ અનુભવી શકે.
આધ્યાત્મના ક્ષેત્રમાં આ અંતિમ સ્થિતિ છે, જ્યાં સમગ્ર અસ્તિત્વ પૂર્ણતાને, શાંતિને અને આનંદને પામે છે. એમ કહી શકાય કે જાગ્રત અવસ્થામાં બહારની દુનિયા સાથેનો સંપર્ક જળવાયેલો રહે, સ્વપ્ન અવસ્થામાં મનની આંતરિક કલ્પનાઓ સાથે જોડાણ હોય, સુષુપ્તિ અવસ્થામાં શાંત પણ અજ્ઞાનાચ્છાદિત પરિસ્થિતિ હોય જ્યારે તુરીય અવસ્થામાં શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ હોય. કેટલાંક શાસ્ત્ર અનુસાર તુરીય અવસ્થા કરતાં પણ જે ઉચ્ચ અવસ્થા છે તેને તુરીયાતીત અવસ્થા કહેવાય છે, જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે પણ કોઈપણ પ્રકારનો ભેદ રહેતો નથી.
તુરીય અવસ્થા એ કૈવલ્ય સ્થિતિ છે. તે મુક્તિ માટેનું દ્વાર પણ છે અને મુક્ત-સ્થિતિ પણ છે. અહીં અસ્તિત્વ સાથે જોડાયેલી તમામ અનિત્ય બાબતોથી છુટકારો મળે અને એકમાત્ર નિત્ય એવાં આત્માની વાસ્તવિકતા, તેની સાથેની તાદાત્મ્ય અનુભવમાં આવે છે.
અહીં અહંકાર, અવિદ્યા, અજ્ઞાન, મોહ, રાગદ્વેષ, પ્રવૃત્તિ-નિવૃત્તિ, સ્થળ, સમય, સંજોગો, સંસ્કાર, પાપ-પુણ્ય, કર્મ-કર્મફળ -બધું જ શૂન્યતામાં પ્રવેશે છે. આ એક શાંત, નિર્વિકાર, સંપૂર્ણ આનંદાચ્છાદિત, સાત્વિક, પવિત્ર, શુદ્ધ, નિર્લેપ, નિષ્પક્ષ, તટસ્થ, પ્રકાશિત, સંતુલિત, શાશ્વત, અખંડ અવસ્થા છે જે બ્રહ્મ સ્વરૂપ સમાન સ્થિતિ સ્થાપિત કરે.
અદ્વૈત વેદાંતમાં તુરીય અવસ્થાને આત્મસાક્ષાત્કાર તરીકે સમજાવવામાં આવે છે. આ અવસ્થા ન તો બાહ્ય-જાગૃતિ સમાન છે ન આંતરિક-જાગૃતિ સમાન, કે નથી તે બંને જાગૃતિનાં મિશ્રણ સમાન. નથી તે અજ્ઞાનમય સુષુપ્તિ, નથી ત્યાં કાલ્પનિક દુનિયાનું અસ્તિત્વ કે નથી ત્યાં પ્રપંચ આધારિત ભ્રામક જગની ઇન્દ્રિયગમ્ય અનુભૂતિ.
તે તો અવર્ણનીય, અદૃશ્ય,અગ્રાહ્ય, અકલ્પનીય, પ્રત્યેક લક્ષણથી મુક્ત, શાંત, શુભ, જગતનાં ઉપશમ અર્થાત વિલયથી યુક્ત, અદ્વૈત સ્વરૂપ સ્થિતિ છે જ્યાં તે સિવાય અન્ય કશાનું અસ્તિત્વ શક્ય નથી. ઉપનિષદ સ્પષ્ટ કહે છે કે તુરીય અવસ્થા શબ્દ-વર્ણનથી પર છે, તેનો માત્ર અનુભવ શક્ય છે, અહીં જે આત્મા છે તેનો સાક્ષાત્કાર છે.
ગુજરાતના ભક્ત કવિઓએ આ તુરીય અવસ્થાનો પોતાની ભાષામાં, પોતાની રીતે ખ્યાલ આપે છે. નરસિંહ મહેતા જણાવે છે કે ‘ત્રણે અવસ્થાથી પર રહે જે, તે તુરીયા પદ પામે’. નરસિંહ કહે છે કે જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા મિથ્યા છે. સાચી તો ચોથી તુરીય અવસ્થા છે જ્યાં પરમાત્માનો અનુભવ થાય છે. નરસિંહ આગળ જણાવે છે કે ‘જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્યજી, ચોથા પદે માન’. તેમનાં કથન પ્રમાણે આ ચોથી તુરીય અવસ્થામાં જ બ્રહ્મનો અનુભવ શક્ય બને છે.
અખો પણ આ જ વાત કહે છે, ‘જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણે, તુરીયા ચોથું પદ જાણો’. અખો આગળ જણાવે છે કે ‘તુરીયા પદે જ આતમ તરાય છે’. અખાની દ્રષ્ટિએ જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ, આ ત્રણ ‘અવિદ્યા’થી બંધાયેલી સ્થિતિ છે. સાચા સાધકને તો ચોથી તુરીય અવસ્થાની અપેક્ષા હોય છે.
આ પણ વાંચો…મનન -શાશ્વત શ્રદ્ધા અર્થાત્ ભક્તિ…
અખાના મત પ્રમાણે પણ તુરીય અવસ્થામાં સાધક પરબ્રહ્મ સમાન બની જાય છે. દયારામના મત પ્રમાણે સચ્ચિદાનંદનો અનુભવ એટલે તુરીય અવસ્થા. પ્રતીકાત્મક રીતે તેમણે ત્રણ નદી પાર કરી, ‘ચોથા’ કિનારે પહોંચવાની વાત કરી છે. અન્ય ભજન સાહિત્યમાં પરમાનંદ પદ એટલે જ ચોથી તુરીય અવસ્થા તેમ દર્શાવવામાં આવ્યું છે. આમ પણ તુરીય શબ્દનો એક અર્થ ‘ચોથું’ થાય છે.
તુરીયાતીત અવસ્થા તુરીયથી ઉચ્ચકક્ષાની અવસ્થા છે. એમ કહી શકાય કે તુરીય અવસ્થામાં સાધક આત્માની અનુભૂતિ કરે છે પણ તેને આ ‘અનુભવ કરનાર’ તરીકેનો સૂક્ષ્મ અહંકાર રહે છે. તુરીયાતીત અવસ્થામાં આ અહંકાર પણ અસ્તિત્વ સાથે વિલીન થઈ જાય છે. અહીં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયનો લેશમાત્ર પણ ભેદ રહેતો નથી અને બધું જ એકાકાર થઈ જાય છે, બ્રહ્મમય થઈ જાય છે. એમ કહી શકાય કે અહીં તુરીયાતીત અવસ્થાનું પણ અસ્તિત્વ નથી હોતું, ફક્ત અખંડ પરબ્રહ્મ જ રહે છે.
યોગવશિષ્ઠમાં આ તુરીયાતીત અવસ્થા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. ઋષિ વશિષ્ઠ શ્રીરામને તેનું જ્ઞાન આપે છે. શંકરાચાર્યના અદ્વૈત વેદાંત અનુસાર આ સ્થિતિ ‘સહજ-બ્રહ્મનિષ્ઠ’ સ્થિતિ કહેવાય. ભગવદ ગીતા તેનો ‘બ્રહ્મસંસ્થ’ તરીકે ઉલ્લેખ કરે છે. સંત સાહિત્યમાં તેનો ઉલ્લેખ ‘ચિંતામણી પદ’ તરીકે થયો છે.
જ્યારે અહંકારનો સંપૂર્ણ લય થાય, અલાયદા અસ્તિત્વની અનુભૂતિ પણ ન રહે, જાગ્રતતાની પણ આવશ્યકતા ન હોય, જ્યાં કોઈપણ પ્રકારનાં સંકલ્પનું સ્થાન ન હોય, જે પરમાનંદની પણ ઉચ્ચકક્ષા કહેવાય, જ્યાં આતમ-દીવો પરમાત્માનાં ચૈતન્ય-પ્રકાશ સાથે એકરૂપ થઈ જાય, કોઈપણ પ્રકારનાં પ્રયત્ન કે સાધના વગર જે સ્થિતિ શાશ્વત રહી શકે તે સહજ અવસ્થા એટલે તુરીયાતીત. આ અવસ્થામાં સાક્ષીભાવ પણ શેષ ન રહે.
તુરીય અવસ્થામાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય જ્યારે તુરીયાતીત અવસ્થામાં આત્મા-પરમાત્માનો ભેદ વિલીન થતાં જ સંપૂર્ણ અદ્વૈત સ્થાપિત થાય. એમ કહી શકાય કે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય તેમજ સાધનાનો સમન્વય જરૂરી છે, જે સદગુરુ કૃપાથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
આ પણ વાંચો…મનનઃ સનાતની સંસ્કૃતિની પરિપક્વતા…



