મનનઃ સનાતની સંસ્કૃતિની પરિપક્વતા…

હેમંત વાળા
કહેવાય છે કે સનાતની સિવાયની અન્ય પ્રત્યેક સંસ્કૃતિ કોઈ એક આધાર, કોઈ એક પુસ્તક, કોઈ એક વિચારધારા, કોઈ એક દ્રઢ માન્યતાને કેન્દ્રમાં રાખી વિકાસ પામી છે. સનાતની સંસ્કૃતિમાં તો આખું પુસ્તકાલય છે, જે પણ ધારણ કરે તે આધાર સમાન છે, જે વિચારધારા આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિની સંભાવના યુક્ત હોય, તે માન્ય છે, તે માન્યતા સ્વીકૃત છે. જ્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શક્ય છે ત્યાં સુધી બધું જ સ્વીકાર્ય છે.
સનાતની સંસ્કૃતિમાં કોઈ એક જ વાત કેન્દ્રસ્થાને નથી. અહીંયા વેદ ચાર છે તો ઉપનિષદ એકસો આઠ છે. અહીં વેદ અને ઉપનિષદ જેવી શ્રુતિનો સમાવેશ પણ છે અને મનુ કે યાજ્ઞવલ્ક્ય જેવી સ્મૃતિનું પણ મહત્ત્વ છે. અહીં રામાયણ અને મહાભારત સમાન ઇતિહાસનો ઉલ્લેખ પણ થાય છે અને સાથે સાથે કેટલીક દ્રષ્ટાંત કથાથી નાની નાની વાતો ઝીણવટતા અને સચોટતાથી સમજાવાય છે.
અહીંયા આધ્યાત્મિક પૂર્ણતાનું પણ મહત્ત્વ છે અને સંદર્ભિક સામાજિક નૈતિક મૂલ્યો પણ એટલાં જ અગત્યનાં ગણાય છે. અહીંયા પ્રત્યેક પુરાણ કોઈ એક કેન્દ્રને આધારે વર્ણવાય છે અને સાથે સાથે બધાં અઢાર પુરાણો વચ્ચે અદ્ભુત સામ્યતા પણ છે. અહીં વાલ્મીકિ કૃત રામાયણની જે સ્થાન મળ્યું છે તે જ સ્થાન રામચરિતમાનસને પણ આપવામાં આવ્યું છે.
અહીં ધર્મને સ્પષ્ટ રીતે પરિભાષિત કરાય છે અને સાથે સાથે તેના અનુસરણમાં સ્વતંત્રતા પણ આપવામાં આવે છે. સનાતની સંસ્કૃતિમાં એકમાત્ર બ્રહ્મની વાત થાય છે અને સાથે સાથે વ્યક્તિને પોતાની રુચિ અનુસાર જે તે ઈશ્વરના સ્વરૂપને આરાધવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે. અહીં અદ્વૈતવાદ સ્વીકૃત છે અને તેટલો જ સ્વીકૃત દ્વૈતવાદ છે.
અહીં દેવતાઓની આરાધના પણ માન્ય છે, એકમાત્ર બ્રહ્મની ધારણા પણ સ્વીકૃત છે, અર્ધ-દૈવી અસ્તિત્વની પૂજા માટેની વિધિ પણ નિર્ધારિત કરાઈ છે અને સાથે સાથે સ્વયંને પરમ ગણી તે દિશામાં પણ આગળ વધવાની મુક્તતા છે. સનાતની સંસ્કૃતિમાં સદગુરુને પણ ઈશ્વરનું સ્થાન અપાયું છે. અહીં શ્રીરામ એક પ્રકારની આદર્શ પરિસ્થિતિ માટે ઉદાહરણ તથા સિદ્ધાંત સ્થાપિત કરતાં જણાય છે તો ગીતાકાર શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે અનુકૂળ વ્યવહારને પણ માન્ય રાખે છે. અહીં ધર્મના સિદ્ધાંતો અનુસાર જીવન વ્યતીત કરવા માટે પ્રોત્સાહન અપાય છે તો આપત્ધર્મની ધારણા પણ પ્રચલિત છે.
સનાતની સંસ્કૃતિમાં ભક્તિને જેમ એક અગત્યના માર્ગ તરીકે સ્વીકૃતિ મળી છે તેવી જ સ્વીકૃતિ કર્મયોગ, સાધના અને જ્ઞાનયોગને પણ મળી છે. કોઈપણ સાત્વિક સંભાવનાની અહીં બાદબાકી નથી. કોઈપણ સાત્વિક માર્ગ માટે અહીં નકારાત્મક વલણ નથી. ભક્તિના પણ અહીં નવ સ્વરૂપ સ્વીકાર્ય છે, ભક્તિ આમ જ કરાય તે પ્રકારની કોઈ શરત નથી. અષ્ટાંગ યોગ માટે આઠ ચરણ સ્થાપિત થયાં છે, પરંતુ વ્યક્તિ પોતાની ક્ષમતા તથા પુરુષાર્થને આધારે વિશેષ પ્રકારની ગતિથી તે માર્ગમાં આગળ વધી શકે છે.
અહીં નવદંપતીને ધર્મમાં આશક્તિ સાથે શ્વેયની અભિલાષાના આશીર્વાદ પણ અપાય છે. પુરુષાર્થમાં જેમ ધર્મ અને મોક્ષને મહત્ત્વ અપાયું છે તેમ અર્થ અને કામની પણ સ્વીકૃતિ છે. જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ જેટલી મહત્ત્વની છે તેટલું જ મહત્ત્વ યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું પણ છે.
અહીં વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ જેટલું જ મહત્ત્વ ગૃહસ્થાશ્રમ તથા બ્રહ્મચર્યાશ્રમનું પણ છે. જીવનના પ્રત્યેક તબક્કાનું અહીં જેમ મહત્ત્વ છે તેમ સૃષ્ટિનાં દરેક શ્રેણીના અસ્તિત્વમાં દિવ્યતાની સંભાવના છે તેમ ગીતાના વિભૂતિ યોગ દ્વારા સ્થાપિત કરાયું છે. માનવી અમુક રીતે શ્રેષ્ઠ હોઈ શકે પરંતુ વૃક્ષોમાં પીપળાની વાત પણ એટલી જ ગૌરવપૂર્ણ છે તેમ કહી શકાય.
આ પણ વાંચો…મનનઃ સૃષ્ટિની સાતત્યતા- વિવિધતા
આધ્યાત્મિકતા સાથે સનાતનની સંસ્કૃતિ વ્યવહારમાં પણ ચોક્કસ પ્રકારની ગુણવત્તાનો આગ્રહ રાખે છે. દુનિયાની આ સૌથી પૌરાણિક તેમજ પરિપક્વ સંસ્કૃતિમાં જણાવાયું છે કે પરિસ્થિતિ અને સમય વિપરીત હોય ત્યારે ધીરજ અને સંયમ જાળવી રાખવા જોઈએ. સહનશીલ બની અન્યની ભૂલ ક્ષમા કરવાની વૃત્તિ રાખવી જોઈએ.
આધ્યાત્મિકતાના માર્ગમાં પ્રગતિ માટે ઇન્દ્રિયો પર સંયમ રાખવો જરૂરી છે અને ઇન્દ્રિયોના વિષયથી, તે પ્રકારનાં પ્રલોભનોથી દૂર રહેવું જોઈએ. અસ્તેય એટલે કે અન્યની સંપત્તિને અયોગ્ય રીતે પ્રાપ્ત ન કરવી જોઈએ. આ સંસ્કૃતિમાં દરેક પ્રકારની શુદ્ધિ અને પવિત્રતાનો આગ્રહ રખાય છે. અહીં સત્ય, ધર્મ, અક્રોધ અને ન્યાયનું આગવું મહત્વ છે.
સનાતનની સંસ્કૃતિમાં જ્ઞાનને સૌથી પવિત્ર ઘટના તરીકે માનવામાં આવે છે. આ જ્ઞાન થકી જ સૃષ્ટિમાં પ્રવર્તમાન સત્ય ઉજાગર થઈ શકે. જે સંસ્કૃતિમાં આ પ્રમાણેના નૈતિક તેમ જ ધાર્મિક ધારાધોરણ માટે આગ્રહ રખાતો હોય તે સંસ્કૃતિ, સ્વાભાવિક રીતે માનવ સમુદાયના સકારાત્મક ઘડતર માટે મહત્વની ભૂમિકા ભજવી શકે.
ફળનો પ્રસાદ પણ અહીં માન્ય છે અને પાનનો પણ. તીર્થયાત્રાનું અહીં મહત્ત્વ છે તો માતાપિતા ની પ્રદક્ષિણા પણ તેટલું જ, તેવું જ પરિણામ આપી શકે તેમ સ્થાપિત કરાયું છે. અહીં શારીરિક અને ભૌતિક ક્રિયાનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ માનસિક આચારનું છે. અહીં આરતીના દીવાના પ્રકાશનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ આત્માના પ્રકાશનું છે. અહીં ઘંટનો નાદ જે પ્રમાણે સ્વીકૃત છે તે પ્રમાણે અનાહત નાદ પણ પ્રશંસા પામે છે.
એકંદરે એમ કહી શકાય કે માનવીય સમાજની, સૃષ્ટિના સમીકરણની તથા સ્થૂળ તેમ જ સૂક્ષ્મ અસ્તિત્વના વિશ્વની એવી એક પણ સકારાત્મક, ધાર્મિક તેમજ આધ્યાત્મિક ઘટના નથી જેને સનાતનની સંસ્કૃતિમાં માન્યતા ન મળી હોય. વળી એ પણ સમજવું જરૂરી છે કે. આધ્યાત્મની વ્યાખ્યા ગીતામાં જેટલી સ્પષ્ટતાથી કહેવામાં આવી છે તે સ્વયં એક અદ્ભુત સાત્ત્વિક ઘટના છે. ગીતામાં કહેવાયું છે કે તે પરબ્રહ્મના સ્વભાવને આધ્યાત્મક કહેવાય. સનાતનની સંસ્કૃતિમાં આટલી બધી સ્વતંત્રતા સાથે આ પ્રકારનું સચોટ નિરૂપણ આ સંસ્કૃતિની અકલ્પનીય પરિપક્વતા દર્શાવે છે.
આ પણ વાંચો…મનન -શાશ્વત શ્રદ્ધા અર્થાત્ ભક્તિ…



