મનનઃ ઈશ્વર ન્યાય કરે છે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

મનનઃ ઈશ્વર ન્યાય કરે છે

હેમંત વાળા

ક્યાંક વાંચેલું કે, સૂફી સંપ્રદાયમાં જણાવ્યું છે કે ઈશ્વર પોતાનાં હાથમાં પાંચ બાબતો રાખે છે – જન્મ, મૃત્યુ, સ્મરણ, વિસ્મરણ અને ન્યાય.

જન્મ ક્યારે, ક્યાં, કેવા સંજોગોમાં, કોની કુખે થાય તે વાત માનવીના હાથમાં તો નથી જ. આ બધી બાબતો કોઈ શક્તિ નિયંત્રિત કરે છે અને નિર્ધારિત કરે છે. જીવન અંતે કયું સ્વરૂપ ધારણ કરશે તે વાત ઘણે અંશે જન્મ પર પણ આધાર રાખે છે.

મા-બાપની સ્થિતિ, સંજોગો તથા સમાજનું વર્ચસ્વ, સંજોગોને કારણે ઊભું થતું મિત્રમંડળ, જે તે સ્થાને પ્રાપ્ત સવલતો-આવી ઘણી બાબતો જન્મને આધારે નક્કી થતી હોય છે. જન્મ માટે નથી હોતી કોઈ પસંદગી કે કોઈ ઈચ્છા-સંતોષ, બસ આ તો આકાર લેતી એવી ઘટના છે કે જેનો કોઈ વિકલ્પ જ નથી હોતો. સ્વાભાવિક રીતે એમ માની શકાય કે જન્મ ઈશ્વરના નિયમ મુજબની ઘટના છે.

મૃત્યુ માટે પણ એમ જ કહી શકાય. મૃત્યુ ક્યારે, ક્યાં, કેવાં સંજોગોમાં, કેવી રીતે, કયા કારણથી જીવનને નષ્ટ કરી નાખે છે તે કહેવાય નહીં. જન્મને જેમ સ્વીકારવાનું હોય તેમ મૃત્યુ માટે પણ કહી શકાય. અહીં કોઈ વિકલ્પ નથી હોતો. કહેવાય છે કે જીવન કરતાં પણ મૃત્યુ એ વધુ સત્ય અને વધુ વાસ્તવિક છે. અહીં પણ વ્યક્તિના નિયંત્રણમાં કશું જ નથી હોતું. અહીં પણ એમ માનવું રહ્યું આ કે કોઈ ઈશ્વરના નિયમ મુજબની આ ઘટના છે.

કોઈ દિવ્ય શક્તિ મૃત્યુ પર નિયંત્રણ પણ રાખે છે અને તેને નિયંત્રિત પણ કરે છે. કોઈ કહી શકે કે જે વ્યક્તિ આત્મઘાત કરે તેની પાસે વિકલ્પ હોય છે. આમાં પણ બે સંભાવનાઓ છે. આત્મઘાત નિર્ધારિત હોઈ શકે અથવા તે આકસ્મિક ઘટના પણ હોઈ શકે. જો તે નિર્ધારિત હોય તો સૂફી સંપ્રદાયની કહેલી વાત સાચી ઠરે, અને જો આકસ્મિક હોય તો આગળ જતાં તેનો પણ હિસાબ થતો હશે.

સ્મરણ અને વિસ્મરણ બંને ઈશ્વર-કૃપા સમાન ઘટના છે. કદાચ નજીકનો ભૂતકાળ યાદ હોઈ શકે પરંતુ થોડાં સમય પહેલાંની પણ કેટલીક ઘટનાઓ યાદ નથી રહેતી. પૂર્વ જનમની કોઈપણ ઘટના બહુ જવલ્લે જ કોઈને યાદ આવતી હશે. આ વિસ્મરણ એક વરદાન છે. જો પહેલાંના અને તે પહેલાનાં જન્મની વાતો યાદ રહી હોત તો કદાચ આ જન્મ બહુ જટિલ અને મુશ્કેલ બની જાત.

ગયા જન્મનો કોઈ દુશ્મન જો આ જન્મમાં મિત્ર બનીને સામે આવી ગયો હોય તો, અને તે વખતે ગયાં જન્મની દુશ્મનાવટ યાદ આવી જાય તો-આવી પ્રત્યેક સ્થિતિમાં, દુનિયાનો સામાન્ય વ્યવહાર પણ અટકી જાય. આમ પણ કહેવાય છે કે વિસ્મરણ એ અનુકૂળતા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા છે. જે વ્યક્તિ ભૂલી જતો હોય છે તે પ્રમાણમાં વધુ સુખી હોય છે પ્રમાણમાં ઓછો ચિંતિત હોય છે. લાખ પ્રયત્ન કરવાં છતાં પણ અમુક વાતો યાદ આવતી નથી કે યાદ રહેતી નથી. વિસ્મરણ પાછળ કોઈ અગમ્ય શક્તિ કાર્યરત હોય તેમ જણાય છે. તેવું જ સ્મરણ માટે કહી શકાય.

આ પણ વાંચો…મનનઃ વર્ષની ચાર નવરાત્રી…

સૂફી સંપ્રદાયમાં ન્યાયની વાત વધુ મહત્ત્વની હોય તેમ લાગે છે. ન્યાય એટલે એવી ઘટના કે જ્યાં તટસ્થતા, નિષ્પક્ષતા, નિર્લેપતા, અસંલગ્નતા અને માત્ર સાક્ષીભાવ હોય. ન્યાયમાં ત્રાજવાના બંને પલડામાં સરખું વજન સ્થાપિત થાય. એક બાજુ જેટલું મૂકવામાં આવે, આપમેળે બીજી બાજુ તેટલું મુકાઈ જાય.

એક પલડામાં જે કર્મ મૂકવામાં આવે તેને અનુરૂપ બીજાં પલડામાં તેનું ફળ મુકાઈ જાય. ક્યારેક એમ લાગે છે કે આ ન્યાય સ્વયં સંચાલિત હશે. તો પણ તેના નિર્ધારણમાં, તેના અમલીકરણમાં, તેની વ્યવસ્થામાં, તેને કારણે ઉદભવતા પરિણામમાં ઈશ્વરની હાજરી અને અનુમતિ સ્વાભાવિક છે. પરિણામે અંતે તો ન્યાય થશે જ તે પ્રકારની શ્રદ્ધા સ્થાપિત થાય.

ઈશ્વરે ન્યાય સ્વહસ્તક રાખેલો છે. આ એક અનેરી ઘટના છે જે સૃષ્ટિનો વ્યવહાર નક્કી કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઈશ્વરના હસ્તક ન્યાય છે, એનું એક અર્થઘટન એમ થઈ શકે કે ઈશ્વર વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે કાર્યરત થવાં દે છે, પોતાની રીતે વ્યવહાર કરવાની તેને સ્વતંત્રતા આપે છે, અને પછી તેનાં કર્મ અનુસાર ન્યાય કરે છે.

અહીં એમ સાબિત થઈ શકે કે વ્યક્તિ પોતાનું કર્મ કરવાં માટે સ્વતંત્ર છે. ઈશ્વરે પોતાના હાથમાં દરેક વ્યક્તિનું કર્મ નથી રાખ્યું, પોતાની રીતે કર્મ કરવાની છૂટ તેણે દરેક વ્યક્તિને આપી છે. પછી જે તે કર્મ પ્રમાણે તે ન્યાય કરે છે.

ઈશ્વરે પોતાના હસ્તક ન્યાય રાખેલો છે, એનો અર્થ એમ પણ થઈ શકે કે ઈશ્વર ન્યાયપ્રિય છે અને આ ન્યાય તે અન્ય કોઈ બાબત પર છોડવા નથી માગતો. ઈશ્વર ન્યાય પ્રક્રિયાનું સંપૂર્ણતામાં અને સમગ્રતામાં અનુસરણ થાય તેવો આગ્રહ રાખે છે. એમ પણ કહી શકાય કે ન્યાય થકી ઈશ્વર સૃષ્ટિનું નિયમન નિયમ આધીન રહે તેવી વ્યવસ્થામાં માને છે. અહીં એમ પણ કહી શકાય કે ઈશ્વરનો ન્યાય એટલે નિષ્પક્ષ ઘટના. પછી ન્યાય માટે ન કોઈ શંકા ઊભી થવી જોઈએ કે ન કોઈ ફરિયાદ થવી જોઈએ.

જન્મ, મરણ, સ્મરણ, વિસ્મરણ તથા ન્યાય, એમ જણાય છે કે સૃષ્ટિએ જે સ્વરૂપ ધારણ કર્યું છે તેની પાછળ આપ મુખ્ય પાંચ પરિબળો છે. દરેક પરિબળનો એક અસર ક્ષેત્ર તથા કાર્યક્ષેત્ર છે. આ પરિબળો પણ પરસ્પર સંકલન અને સમન્વયથી કાર્યરત થાય તે પ્રમાણેની ઈશ્વરની વ્યવસ્થા હોય જ.

આ પણ વાંચો…મનનઃ પ્રતિકાત્મક રાવણ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button