મનન: માન્યતા ને સત્ય

-હેમંત વાળા
માન્યતા એ વ્યક્તિગત બાબત છે, જરૂરી નથી કે તેની સાથે કોઈપણ પ્રકારની સાર્થકતા સંકળાયેલી હોય. માન્યતા પૂર્વગ્રહીત હોઈ શકે. તેનો આધાર અસત્ય, ભ્રમ કે માહિતીનો અભાવ હોઈ શકે. ઘણીવાર તો વ્યક્તિને ખબર હોય છે કે જે તે બાબત માન્યતા સમાન છે તો પણ તેને પકડી રાખવાની તેની અભિલાષા સતત રહે છે. માન્યતા મોહક છે. માન્યતા પરંપરા આધારિત, કૌટુંબિક વારસા તરીકે, વ્યક્તિગત અભિલાષા મુજબની, સામાજિક વિરોધ તરીકે, મનના વ્યભિચાર સમાન, સત્યથી સભાનતાપૂર્વક વિમુખ થવાની ઇચ્છા તરીકે, રાજકીય ઉદ્દેશ્ય સમાન કે પ્રયોજિત રીતે ચોક્કસ વિચારધારાને આગળ વધારવા માટે હોઈ શકે. દરેક સંજોગોમાં માન્યતા શંકાના દાયરામાં આવે. સત્ય ક્યારેય શંકાના દાયરામાં ન આવે.
માન્યતા ક્યારેય પૂર્ણ ન હોય. માન્યતા એક કાલ્પનિક વિષય છે જેનું સંપૂર્ણતામાં વિગતિકરણ શક્ય નથી હોતું. માન્યતા હંમેશાં અપૂર્ણ હોય. માન્યતાનું મૂળ સ્વરૂપ સ્થાપિત હોય પરંતુ તેનું વિશેષ સ્વરૂપ અનિર્ધારિત હોય. માન્યતા વિશે જ્યારે ઊંડાણથી ચિંતન કરવામાં આવે ત્યારે તે માન્યતામાં મૂળથી બદલાવ થવાની પણ સંભાવના રહેલી હોય છે. એક રીતે જોતાં માન્યતા એ હંગામી સ્થિતિ છે. પરિસ્થિતિ, જાણકારી, સમજ, ક્ષમતા, ઉદ્દેશ્ય, સંસાધનો, જ્ઞાન તથા વૈચારિક શક્તિ બદલાતાં માન્યતા બદલાઈ શકે. સત્ય એ સંજોગિક ઘટના નથી.
ઘણીવાર માન્યતા સ્વયંભૂ હોય તો ક્યારેક તો માન્યતા હેતુસર ધારણ કરવામાં આવે. જ્યારે માન્યતા હેતુસરની હોય ત્યારે તે સાધન બની રહે. આગળથી ચાલી આવતી માન્યતા શ્રદ્ધાનો વિષય હોય જ્યારે હેતુસરની માન્યતા પ્રપંચના ભાગ સ્વરૂપ હોઈ શકે. માન્યતા જ્યારે આકસ્મિક હોય ત્યારે તેનો પ્રભાવ એટલો ન હોય, પરંતુ માન્યતા જો લાંબા સમયથી સ્થાપિત હોય તો મનુષ્યના વ્યવહાર તથા તેની વિચારસરણી પર તેની ચોક્કસ છાપ જોવા મળે. માન્યતામાં બદલાવ આવે તો વિચારસરણી પણ બદલાય અને વ્યવહાર પણ બદલાય. સત્ય માટે આમ ન કહી શકાય. સત્ય શાશ્વત છે અને તેથી તેને આધારિત વિચારસરણી કે વ્યવહાર પણ શાશ્વત સમાન રહે.
માન્યતા અને શ્રદ્ધામાં તફાવત છે. માન્યતા ઉભરા સમાન હોઈ શકે તો શ્રદ્ધા વિશેષ પ્રકારના વિશ્વાસને આધારિત ઘટના છે. માન્યતા ખોટી હોવાની સંભાવના વધુ રહેલ જ્યારે શ્રદ્ધા લાંબા સમયગાળાથી સિદ્ધ થયેલી બાબત હોવાથી તેની યથાર્થતા માટે શંકા ઓછી હોય. શ્રદ્ધા સામાજિક તેમ જ આધ્યાત્મિક જીવનના ભાગ સમાન પરિસ્થિતિ ગણાય જ્યારે માન્યતા વ્યક્તિગત વર્તુળમાં બંધાયેલી બાબત છે. એકંદરે એમ કહી શકાય કે માન્યતામાં સંકુચિતતા તેમ જ મર્યાદાઓ વધુ હોય જ્યારે શ્રદ્ધાએ વિસ્તૃત સમાવેશીય અને ક્યારેક, અર્થપૂર્ણ ઘટના છે.
આ પણ વાંચો…મનન : તારી શક્તિ શ્રીરામની
સત્ય એ સત્ય છે. સત્યનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. સત્ય શાશ્વત છે, તટસ્થ છે, નિર્લેપ છે, નિર્વિકાર છે, અખંડ છે, નિયમાધીન છે, ધર્મનું અંગ છે, આધ્યાત્મની ભૂમિકા છે, સાત્વિકતાનો પર્યાય છે, ઈશ્વરની પ્રતિબદ્ધતા છે, સૃષ્ટિનો નિયમ છે અને કર્મફળના સિદ્ધાંત સમાન છે. અહીં ક્યાંય વ્યક્તિગતતા નથી, સંજોગિકતા નથી, સમયથી બાધિત નથી, અહીં જુદાં જુદાં અર્થઘટન શક્ય નથી, અને સત્યની સ્થાપના સિવાયનો અન્ય કોઈ ઉદ્દેશ્ય સત્ય સાથે સંકળાયેલો નથી.
સત્યને પામવું અને જાળવવું અઘરું રહે જ્યારે માન્યતા જાળવી રાખવી અને તે પ્રમાણે વર્તન કરવું સ્વાભાવિક વાત ગણાય છે. સત્ય માટે નૈતિક કટિબદ્ધતા જરૂરી છે જ્યારે માન્યતા તે પ્રકારની કોઈ પણ પૂર્વધારણા વગર સ્થાપિત થતી હોય છે. સત્ય માટે સૈદ્ધાંતિક સાત્વિક નિષ્ઠા જરૂરી છે જ્યારે માન્યતા સિદ્ધાંતથી વિપરીત બાબત પણ હોઈ શકે. માન્યતા વ્યવહારુ હોઈ શકે જ્યારે સત્ય સનાતન છે. માન્યતા સત્ય દ્વારા પ્રમાણિત હોઈ શકે પરંતુ સત્યને માન્યતાની અપેક્ષા નથી. જ્યારે માન્યતાને સત્ય માની લેવામાં આવે કે સત્યને માન્યતા તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રશ્નો ઊભાં થાય. સામાજિક વ્યવહારનો આધાર સત્ય હોય તે ઇચ્છનીય છે, તેનું સ્થાન જ્યારે માન્યતા લે ત્યારે જટિલ પરિસ્થિતિ ઊભી થાય. ધર્મના મૂળભૂત માળખાનો આધાર સત્ય હોય, માન્યતા નહીં. માન્યતાથી સંકુચિતતા સ્થાપિત થાય જ્યારે સત્યથી સમાવેશીય સમગ્રતા મહત્ત્વની બની રહે. માન્યતાને આધારે સમાજની રચના ન થઈ શકે, સમાજની ભાવનાના મૂળમાં પણ સત્ય હોય તે ઈચ્છનીય છે.
સાંપ્રત પરિસ્થિતિમાં ક્યારેક એમ જણાય છે કે માન્યતા સત્ય કરતાં પણ વધુ શક્તિશાળી છે. વ્યક્તિ પોતાની માન્યતાને વળગી રહેવાનું વધુ પસંદ કરે છે અને સત્યને નજરઅંદાજ કરવા પણ તૈયાર હોય છે. માન્યતા જો ખંડનાત્મક હોય, નકારાત્મક ભાવ આધારિત હોય, વિઘટનાત્મક વિચારધારાની પોષક હોય, વિધ્વંસક પરિસ્થિતિની પ્રણેતા સમાન હોય, વિભાજનકારી માનસિકતાના આધાર સમાન હોય – અને આ બધાંની પ્રતીતિ થતી હોય તો પણ તે છૂટતી નથી.
આ પણ વાંચો…મનન : પ્રકાશની ગતિની સાંદર્ભિકતા
સત્ય નિર્દોષ અને તટસ્થ હોવાથી તેના દ્વારા સ્થાપિત થતી પરિસ્થિતિ ક્યારે પક્ષપાતી ન હોય. સત્ય વ્યક્તિગત ધારણાઓથી મુકત હોવાથી તેનાં થકી સામાજિક સમરસતા અને સામાજિક ન્યાય સ્થાપિત થવાની શક્યતા વધુ રહે. સત્ય સમયના માળખાથી મુક્ત ઘટના હોવાથી તેનાં દ્વારા જે સ્વીકૃત બને તે સ્વીકૃતિ ઘણાં લાંબા સમય સુધી તેટલી જ સાર્થક બની રહે. સત્ય પવિત્ર બાબત હોવાથી તેની સ્વીકૃતિથી હિંસા કે અધર્મ જેવી બાબતો અસ્તિત્વમાં ન આવી શકે. સત્ય આધ્યાત્મનો સ્વભાવ હોવાથી તેનાં અનુકરણથી સમાજમાં સ્વાભાવિક રીતે સાત્વિક માહોલ પ્રસરે. આ પ્રકારના માહોલમાં દરેક વ્યક્તિ પોતાનું ઉત્તરદાયિત્વ વ્યવસ્થિત નિભાવવા પ્રયત્ન કરે અને સમગ્ર સમાજની દરેક પ્રકારની ઉન્નતિ શક્ય બને.