ધર્મતેજ

મનન : તારી શક્તિ શ્રીરામની

  • હેમંત વાળા

કહેવાય છે કે રામાયણમાં એક પ્રસંગે બધા જ વાનરોએ પોતપોતાની શક્તિની વાત કરી, શ્રી હનુમાનજી કશું જ ના બોલ્યા. પ્રશ્ન પૂછવાથી તેમણે જણાવ્યું કે મારી તો કોઈ શક્તિ જ નથી, જે શક્તિ છે તે શ્રીરામની છે. જીવનનું આ સત્ય છે, જે શ્રીહનુમાનજી જેવા ઉપાસક જ સમજી શકે છે.

શક્તિ અને સામર્થ્યની વાત તો પછી આવે, શ્વાસ પણ આપણો નથી. શરીર માતા-પિતા થકી પ્રાપ્ત થયું છે. શરીરનો નિર્વાહ થઈ શકે તેવી વ્યવસ્થા કુદરતે ઘડી છે. સમજ સંસારે આપી છે. સંબંધોના સમીકરણ સમાજ થકી પ્રાપ્ત થયા છે. આવડત તથા જ્ઞાન અન્ય તરફથી મળતા રહ્યા છે.

આધ્યાત્મ તરફની ગતિ માટે પણ ગુરુદેવે કૃપા કરી છે. જેને આપણે સંકલિત કર્મ તથા તેનાથી ઉદ્ભવેલ સંસ્કાર કહીએ છીએ તે પણ સમય અને સંજોગોની દેન છે.

આ પણ વાંચો: ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…

આપણા સ્થૂળ શરીરની માટે સ્થૂળ અસ્તિત્વ કારણભૂત છે. સૂક્ષ્મ અસ્તિત્વની પાછળ સૂક્ષ્મ પરિબળો કાર્યરત છે. કારણ અસ્તિત્વ પાછળ તે પરાશિવ કારણભૂત છે. આપણું કશું જ નથી અને આપણે કશું જ નથી. જો આપણે આપણી જાતને સ્થૂળ અને સૂક્ષ્મ અસ્તિત્વથી અલગ કરી માત્ર આત્મસ્વરૂપ જોઈએ તો તે આત્મા પણ પરમ-આત્માના અંશ સમાન છે – આ આત્મા પરમાત્માની દેન છે. તેની લીલાના ભાગ સ્વરૂપે આપણી હયાતી છે, આમ આત્મા તરીકે પણ આપણી હયાતી પરતંત્ર છે.

જીવન ટકાવી રાખવા માટેનું અન્ન અન્ય કોઈ પેદા કરે છે. પાણી મળી રહે તે માટે કુદરતે વ્યવસ્થા કરી રાખી છે. શ્વાસ લેવા માટેની હવા પણ કરુણાસભર મહાદેવે ચારે તરફ ફેલાવી રાખી છે. ઋષિઓએ – સંતજનોએ આપણી માટે માર્ગ સૂચિત કરી રાખ્યા છે – આપણી ચિને અનુકૂળ હોય તેવા બધા જ સંભવિત માર્ગ સ્થાપિત કરાયા છે.

ભક્તિ માટે શ્રદ્ધામાં સતત વધારો થાય તેની વ્યવસ્થા થઈ ચૂકી છે. યોગ-સાધના માટેના માર્ગ પણ વિસ્તારથી વર્ણવાયા છે. નિષ્કામ કર્મની સંભાવના ટકી રહે તે માટે સમાજમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ કાયમ હોય છે. જ્ઞાનના માર્ગે જો આગળ વધવું હોય તો પણ સાધનો અને માધ્યમો તૈયાર છે. આપણા આધ્યાત્મિક વિકાસ માટે ગોઠવણ કરાઈ ચૂકી છે. આપણે આમાંનું કશું નથી કર્યું. અધિકારથી એમ કહી શકાય તેમ નથી કે આ મારું અને મારી માટે છે. બધું જ તે શ્રીરામ દ્વારા નિર્ધારિત થઈ ચૂક્યું છે. આપણે તો માત્ર પરિસ્થિતિ પ્રમાણે જીવનાર પ્રાણી છીએ.

પંચ-તત્ત્વ આપણા નથી. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પાછળના પ્રેરક બળો પણ આપણા તાબામાં નથી. આપણા માટે કારણરૂપ આત્માની સમજ ક્યારે સંભવિત નથી. પછી અહંકાર શેનો. હું અને માંનો ભાવ ક્યાંથી. જે તે શક્તિ છે તે મારી ક્યાંથી. જે કંઈ સમજ છે તે પણ ગુરુકૃપાથી સ્થાપિત થયેલ છે. માત-પિતા, વડીલો તથા સંતજનોના આશીર્વાદ ને કારણે થોડો ઘણો સદભાવ ટકી રહ્યો છે. જાતને સમજવા તથા અન્ય સમક્ષ જાતને પ્રસ્તુત કરવા માટે, જેના કારણે બધું જ સંભવ બને છે, તેમને જ શ્રેય આપવો જોઈએ. શ્રીરામની કૃપાથી મળેલ શ્રીરામની શક્તિ શ્રી રામના હિસાબમાં જ જોડવાની હોય. અહીં જે કંઈ છે તે શ્રીરામના સંકલ્પનું પ્રતિબિંબ માત્ર છે, હકીકતમાં કશું છે જ નહીં. જે છે તે માત્ર શ્રીરામનો નિર્વિકલ્પ સંકલ્પ છે.

આ પણ વાંચો: અલખનો ઓટલો : બે ઘડી સત્સંગ

શક્તિ ચૈતન્યમાં હોય. જડ પદાર્થમાં શક્તિ ત્યારે જ અનુભવાય જ્યારે કોઈક ચૈતન્યથી તે ગતિમાં આવે. ચૈતન્યનો આધાર ઈશ્વર છે. આમ તો જડનો આધાર પણ ઈશ્વર છે પરંતુ જ્યાં શક્તિની વાત કરવામાં આવે ત્યારે ચૈતન્યને કેન્દ્રમાં રાખવું જરૂરી બને. સર્જન ચૈતન્યથી સંભવ બને, પાલન પાછળના પરિબળો પણ ચૈતન્યને આધારિત હોય અને વિનાશ માટે જરૂરી બળ પણ ચૈતન્યમાંથી પ્રગટે.

પરિવર્તન માટે ચૈતન્ય જરૂરી છે. વિકાસ માટે ચૈતન્ય જરૂરી છે. પ્રવાસ માટે ચૈતન્ય જરૂરી છે. જન્મ લીધા પછી પરિવર્તન થતું રહે છે, વિકાસ સ્વાભાવિક છે અને પ્રવાસ – દિશા ગમે તે હોય – થતો જ રહે છે. આ બધાની શક્તિ તે ઈશ્વરની શક્તિ છે.
શરીરમાંથી જો આત્માની બાદબાકી થઈ જાય તો ઊર્જા જ બાકી ના રહે – માત્ર જડ પંચમહાભૂત અસ્તિત્વમાં રહે. શરીર લાકડા સમાન થઈ જાય અને લોકો તેને લાકડાની જેમ જ અગ્નિદાહ આપી દે. મૃત્યુ પહેલાના તબક્કામાં જે કંઈ શક્તિ અનુભવાય છે તેની પાછળ ઈશ્વરની ચેતના છે. તારી શક્તિ શ્રીરામની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button