ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે

સારંગપ્રીત
ગત અંકમાં જિજ્ઞાસા અને જ્ઞાનની છણાવટ કરીને હવે પંદરમાં અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ ભગવાન આ સમગ્ર જ્ઞાનને ગુઢ જ્ઞાન કહીને ઉપસંહાર કરી રહ્યા છે. અહીં ગીતા આ ગ્રંથના ઉપદેશને ગુહ્ય શાસ્ત્ર કહીને એને જાણનારાને યથાર્થ જ્ઞાની અને પૂર્ણકામ કહે છે. હા, ભક્તિ, કર્મ, જ્ઞાન અને યોગને પોતાનામાં સમાવિષ્ટ કરતું આ શાસ્ત્ર ખરેખર ગૂઢ છે. પરંતુ ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે. માનવજીવનના પ્રત્યેક કદમ પર ગીતાનો પ્રકાશ રેલાય તો આ ઉપદેશ સાર્થક કહેવાય.
માણસનું મૂળ સ્વરૂપ ચેતન આત્મા છે, જે સદાય શાશ્વત અને પ્રકાશમય છે. અજ્ઞાન એ છે જ્યારે વ્યક્તિ પોતાની ઓળખ શરીર, મન અથવા ઈંદ્રિયો સુધી મર્યાદિત રાખે છે. અજ્ઞાનથી ઉપજતી મોહિત્વ (માયાની અસર) અને અહંકાર દૂર કરવો એ જ આધ્યાત્મિક જ્ઞાનનો હેતુ છે. જયારે અહમ દૂર થાય છે, ત્યારે સત્યનો પ્રકાશ પ્રગટ થાય છે. કારણ કે સર્વે પ્રાણીઓમાં એક જ ચેતન પરમાત્માનો પ્રકાશ છે. ગીતા આપણને અવિદ્યાનો (અજ્ઞાનનો) અંધકાર દૂર કરીને પરમાત્મ-જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કહે છે. તો આપણે આપણા જીવનમાંથી અજ્ઞાન-અંધકારને કેવી રીતે દૂર કરી શકીએ?
આ પણ વાંચો: આત્મત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે ને અંદર ઉતરવું પડશે: માનસ મંથન -મોરારિબાપુ
તો વાત છે એક પીડિત મહિલાની… ઘૂંટણનો ભયંકર દુખાવો સહન કરતી આ મહિલા અનેક ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટના દરવાજા ખખડાવી ચૂકી હતી. કોઈ મનોચિકિત્સક એ આ બહેનને એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો કે `બહેન તમારે કોઈ સાથે અણબનાવ છે?’ ત્યારે તે મહિલાએ પોતાના સગા ભાઈ સાથે પ્રોપર્ટી બાબતનો સંઘર્ષ અણબનાવની રજૂઆત કરી. પાંચ વર્ષથી ચાલતાં આ સંઘર્ષથી બહેન ભાઈના સંબંધના તાતણા ગૂંચવાઈ ગયા હતા.
મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ રૂપે તે બહેને પોતાના ભાઈના પરિવારને ભોજન માટે આમંત્રિત કર્યા. ધીરે ધીરે પ્રેમના સંબંધ સ્થપાઈ ગયા. મહિલાની ઘૂંટણની પીડા ઓછી થઈ ગઈ. મનમાં સ્ફૂર્તિ આવી તો દેહમાં પણ સ્ફૂર્તિ આવી ગઈ. ચાલો ને ગીતાના આ જ્ઞાન પ્રકાશથી આપણે પણ આપણી આવી કોઈક ગૂંચ ઉકેલી અંતરનું અંધાં દૂર કરી નાખીએ. કહેવાયું છે ને કે
The most important house is to clean is yourself your own house which we never do. ચાલો આ વર્ષે જુના અણ બનાવો ભૂલી જઈએ, ભૂતકાળની સંબંધોની ગૂંચો ઉકેલી નાખીએ. હૃદયના અંતરો કાપી નાખીએ.
આ પણ વાંચો: અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે
ગીતાના આ પ્રકાશની કલમ અને રંગોથી આપણે આપણા અંતરમાં એક વિશિષ્ટ રંગોળી પૂર્ણ કરીએ. અન્યના ગુણોરૂપી રંગોથી એક નવીન ભાત પાડીએ. બીજાના ગુણ જોવાથી સ્વયંને પણ લાભ થાય છે. વાત છે એક પુત્રવધૂની. સાસુની રોકટોકથી કંટાળેલી પુત્રવધૂએ જ્યારે એક મહાત્માનું શરણ લીધું ત્યારે તે મહાત્માએ તેને સોનેરી સલાહ આપી.`બહેન, તમે તમારા સાસુનો એક ગુણ રોજ ડાયરીમાં લખો.’ નિત્ય ગુણ લખતાં લખતાં પુત્રવધૂ ને પોતાની સાસુ પ્રત્યે સકારાત્મક ભાવના જાગી. માતા અને પત્ની વચ્ચે પીસાતા પતિના અંતરમાં શાંતિ થઈ ગઈ. પરિવારમાં સ્નેહની રંગોળી પુરાઈ ગઈ. શુભ લાભના તોરણો સાથે અંતરમાં પણ અન્યના ગુણ ધરીને શુભ બનાવીએ. ગુણ ગ્રાહક દૃષ્ટિથી પરિવારમાં સંપ ને સુહૃદભાવના તોરણો આપમેળે બંધાવા લાગશે Healthy relationships are built on trust, respect, communication and compromise.
ગીતાના આ જ્ઞાનથી આપણે પ્રભુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાના દીપ પ્રગટાવી પરમાનંદની રોશનીથી અંતર ભરી દઈએ તો જ આ નવું વર્ષ ખરા અર્થોમાં દીપી ઊઠશે. અમાસની કાળી રાત જેવો આ માયાનો અંધકાર છે તેથી પ્રભુને પ્રાર્થના કરીએ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા… પરમાત્મા અને સાચા ગુના શરણે જવાથી શું ન થાય? હૃદયના ચોપડે પાપ પુણ્યના, કર્મના લેખાજોખા કરતો વાલિયો નારદજીના શરણે ગયો…
ઇતિહાસ સાક્ષી છે અંતરમાં અજવાળું થઈ ગયું. આમ કેટલાક કથીરમાંથી કુંદન થયેલા લોકોમાં જીવન જીવંત થાય છે, સાચી શરણાગતિથી! હા, ભગવાન સ્વામીનારાયણ સ્વયં રચિત શાસ્ત્ર વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે આ જીવને ભરત ખંડમાં જન્મ મળે છે ત્યારે ભગવાન અને સંત પૃથ્વી પર જરૂર વિચારતા હોય છે. એમની ઓળખાણ થવી જોઈએ, તો તે ભક્ત કહેવાય.
ચાલો, આપણે પણ ભગવાનના અખંડધારક સંતને શોધી, એમનું શરણું લઈને આ વર્ષે અંતરમાં ભક્તિના દીપ પ્રગટાવીએ…ભગવાન અને સાચા સંતને આશરે જઈ હૃદયનો ઓરડો તેમને સોંપી દઈને એક વિશિષ્ટ ઉદ્દીપન કરીને અંતરમાં અજવાળું કરી દઈએ. આ સમજણથી અહમ્ સમાપ્ત થાય અને હૃદયમાં શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે.