ગીતા મહિમા : યજ્ઞ ને માનવ જીવન

-સારંગપ્રીત
ગત અંકમાં દૈવી જીવોનાં લક્ષણમાં નિર્ભયતાને બતાવ્યા પછી હવે ભગવાન કૃષ્ણ યજ્ઞક્રિયાને પણ દૈવી જીવોના ગુણોમાં સમાવેશ કરે છે, તે સમજીએ.
ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. યજ્ઞ શબ્દનું અર્થઘટન શાસ્ત્રોમાં વિવિધ રીતે કરવામાં આવ્યું છે. યજ્ઞ, મૂળ રૂપે સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ ‘બલિદાન’, ‘આહુતિ’ અથવા ‘સમર્પણ’ થાય છે. તે કોઈક ઉદ્દેશ્ય માટે સમર્પિત થવું અથવા ઈશ્વરને પ્રસ્તુત કરવાના અર્થમાં પ્રયુક્ત થાય છે.
યજ્ઞ માત્ર અગ્નિમાં આવાહન કરીને હવન કરવો તે જ નથી, પરંતુ તે એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે, જે માણસને ભગવાન સાથે જોડે છે અને શ્રેષ્ઠ કર્મો કરવા માટે પ્રેરિત કરે છે. ભારતીય શાસ્ત્રોમાં, યજ્ઞને સૃષ્ટિનું મૂળ માનવામાં આવે છે. તે માનવામાં આવે છે કે બ્રહ્માએ પ્રથમ યજ્ઞ કર્યો અને સૃષ્ટિને ઉત્પન્ન કરી.
યજ્ઞ હિન્દુ ધર્મની પ્રાચીન અને પવિત્ર પરંપરાઓમાંથી એક છે. યજ્ઞ એક ધાર્મિક ક્રિયા છે, જે વેદકાળથી ચાલી આવી છે. યજ્ઞનો મૂળ અર્થ છે સકામ ધર્મક્રિયા, જેમાં અગ્નિમાં હવન સામગ્રીની આહુતિ દેવાય છે અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગીતા મહિમા ઃ પ્રભુની પ્રભુતા
આધુનિક કાળમાં યજ્ઞની પરંપરા હજી પણ જાળવવામાં આવે છે. લગ્ન,ઉત્સવ, સંસ્કાર અને અન્ય શુભ પ્રસંગો દરમિયાન યજ્ઞનું અનુષ્ઠાન આજકાલ યથાવત છે. યજ્ઞ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે મહત્ત્વપૂર્ણ છે. યજ્ઞ દ્વારા પર્યાવરણનું શુદ્ધિકરણ થાય છે.
આ તો હતા ધાર્મિક વિધિવિધાન સાથે કરવામાં આવતાં યજ્ઞના ફાયદા પણ આજે આપણે જીવનરૂપી યજ્ઞમાં કંઈ વિશિષ્ટ આહુતિ દ્વારા તેને સર્વોત્તમ અનુષ્ઠાન બનાવી શકીએ તેનો વિચાર કરીશું. જી હા, માનવ જીવન પણ એક યજ્ઞ છે, જેમાં દરેક વ્યક્તિ પોતાનાં શુભકર્મો, સેવાઓ અને સમર્પણના રૂપમાં આહુતિ આપે તો શ્રેષ્ઠઅનુષ્ઠાન સાબિત થાય. સમય એ જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું છે. જો માણસ સમયનું યોગ્ય રીતે નિયંત્રણ કરે અને પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરે, તો તેનો જીવન યજ્ઞ સફળ બને છે. સમયની આહુતિએ શિસ્ત અને સ્થિરતા લાવે છે. મનોવિજ્ઞાનના આધારે, યજ્ઞ કરવાથી ધાર્મિક તીવ્રતા વધે છે જેનાથી માનસિક શાંતિ અને તણાવમુક્તિ મળે છે તેજ પ્રકારે જીવનરૂપી યજ્ઞમાં પણ અણબનાવ-અભાવ-અવગુણ રૂપી સ્વભાવને સ્વાહા કરીએ તો માનસિક શાંતિ સાથે હળવાશ અનુભવાય છે. જીવનઉન્નત બનાવવાં માટે માનવમાત્રને શાંતિ અને સકારાત્મક ઊર્જાની જરૂર હોય છે.
યોગ્ય મહેનત અને પોતાનાં કર્તવ્યોની નિષ્ઠાપૂર્વક આહુતિ આપવી એ જીવનના યજ્ઞમાં મહત્ત્વપૂર્ણ છે. જે રીતે યજ્ઞમાં શ્રદ્ધા અને સમર્પણ જરૂરી છે, એ જ રીતે જીવનમાં નિષ્ઠા અને મહેનતથી પોતાની જવાબદારીઓનું પાલન કરવું આવશ્યક છે. યજ્ઞમાં જેમ બ્રહ્મચર્ય અને સંયમ રાખવામાં આવે છે, તેમ જીવનમાં ઇન્દ્રિયોને સંયમિત રાખવી તે મહત્વપૂર્ણ છે. ઇચ્છાઓ અને લાલસાઓ પર નિયંત્રણ રાખીને મનુષ્ય પોતાની આત્મા સુધી પહોંચે છે, જે સત્ય સ્વરૂપ સુધી પહોંચવાનો માર્ગ છે.
યજ્ઞમાં આપણે માત્ર પોતાનું હિત જ નહીં, પરંતુ સમાજના હિત માટે પણ આહુતિ આપીએ છીએ. તે જ રીતે, જીવનમાં પરોપકાર અને સેવા દ્વારા મનુષ્ય શ્રેષ્ઠ યજ્ઞ નિર્માણ કરે છે. બીજા માટે જિંદગી જીવવી અને સેવા ભાવના રાખવી એ શ્રેષ્ઠ યજ્ઞની નિશાની છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન એક યજ્ઞ સમાન હતું, જેમનું તો જીવન સૂત્ર જ હતું, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ.
આ પણ વાંચો: ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે
જીવનમાં પ્રેમ, મિત્રતા, અને સુમેળની મહત્ત્વની ભૂમિકા છે. આ સારા ગુણો જીવનના યજ્ઞમાં સૌમ્યતાની સુગંધ ફેલાવે છે. સંબંધોમાં આપેલી આહુતિઓ દ્વારા જીવન વધુ પ્રફુલ્લિત અને સૌમ્ય બને છે. સત્ય અને ન્યાય જીવનનો મૂળભૂત આધાર છે. મનુષ્યએ હંમેશાં સત્યનો માર્ગ અપનાવીને પોતાના જીવન યજ્ઞને પૂર્ણતા તરફ દોરી જવું જોઈએ. આ આહુતિ જીવનમાં શાંતિ અને સંતોષ લાવે છે.
આ રીતે, મનુષ્ય પોતાના જીવનમાં ઉપરોક્ત આહુતિઓ આપીને શ્રેષ્ઠ યજ્ઞ બનાવી શકે છે, જે તેના જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ મોકળો કરે છે. આ યજ્ઞમાં સદાય પરોપકાર, નિષ્ઠા, સત્ય અને ધર્મનો પ્રચાર કરવાની ભાવના હોવી જોઈએ. જીવનના દરેક પ્રકારના સંબંધો, જોડાણો, અને કર્તવ્યો એ આ યજ્ઞના ભાગરૂપ છે. આમ માનવ જીવનને એક યજ્ઞ સમાન માનવું એ શ્રેષ્ઠ વિચાર છે, જ્યાં દરેક આહુતિ એ ભવિષ્યનો વિકાસ અને આત્માને ઉજળું કરવાનું માધ્યમ બને છે.
આમ ગીતા કથિત યજ્ઞ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી પરંતુ જીવન સત્ત્વ છે, જે દૈવી ગુણોનું નિર્માણ કરે છે.