ગીતા મહિમાઃ સ્વચ્છતા એ તપ છે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

ગીતા મહિમાઃ સ્વચ્છતા એ તપ છે

સારંગપ્રીત

ગત અંકમાં અહિંસારૂપી તપને સમજાવીને ભગવાન કૃષ્ણ હવે સ્વચ્છતારૂપી તપને બિરદાવે છે.

સ્વચ્છતા એટલે શુદ્ધતા અને આરોગ્ય. ઋષિઓએ માનવ જીવનમાં સ્વચ્છતાનું સ્થાન અત્યંત ઊંચું બતાવ્યું છે. જેમ તપસ્વી પોતાના ધ્યેય માટે તપ કરે છે, તેવી રીતે જીવનમાં સ્વચ્છતા જાળવવી પણ એક તપસ્યા જ છે. સુખી અને સ્વસ્થ સમાજનો આ ધ્યેય છે. જેમ તપ આરંભે કષ્ટદાયક અને અઘરું છે, પણ તેનાં ફળ તો નિ:સંદેહ મધુર જ હોય છે. એટલે જ ગીતામાં સ્વચ્છતાને પણ તપનું બિરુદ આપવામાં આવ્યું છે.

સ્વચ્છ મન અને સ્વચ્છ શરીર એ સુખી જીવનની પાયાની શિલાઓ છે. આપણે જાણીએ છીએ કે સ્વચ્છ વાતાવરણ રોગોને દૂર કરે છે માટે ઘરની, શાળાની અને આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી માત્ર એક ફરજ નહીં, પણ સમાજ માટે નૈતિક કર્તવ્ય છે.

સ્વચ્છતા માત્ર શરીરની સફાઈ પૂરતી નથી, પણ તે જીવનશૈલી અને આંતરિક શુદ્ધતાનું પણ પ્રતીક છે. આપણા ઋષિ-મુનિઓ અને મહાન ઐતિહાસિક દ્રષ્ટાઓએ હંમેશા સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું છે. મહાત્મા ગાંધીજી તો સ્પષ્ટ રીતે કહેતા કે, ‘સ્વચ્છતા એ ઈશ્વરની આરાધના જેટલી જ મહત્ત્વપૂર્ણ છે.’ આજે, જ્યારે નવી નવી બીમારીઓ પંખીઓની જેમ ઊડીને માનવજીવનમાં પ્રવેશી રહી છે, ત્યારે સ્વચ્છતાનું મહત્ત્વ વધુ ઊજળું બની ઊભર્યું છે.

આજે ‘સ્વચ્છ ભારત અભિયાન’ પણ એ જ સંદેશ આપે છે કે જો આપણો દેશ સ્વસ્થ, સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવો હોય, તો દરેક નાગરિકે સ્વચ્છતાને જીવનમાં ઉતારવી પડશે. રોજિંદા જીવનમાં કચરો કુડામાં ફેંકવો, ખુલ્લામાં શૌચ વિમુખ થવું, પાણી બચાવવું અને પ્લાસ્ટિકને ટાળો જેવા આચરણો સ્વીકારવા જરૂરી છે.

ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાને ધાર્મિક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે કોઈપણ ધાર્મિક ક્રિયા ત્યાગ, નિયમ અને શુદ્ધિ વિના સફળ થતી નથી. એક કહેવત છે ‘શૌચમૂલં તપ:’, અર્થાત્ તપનો મૂળ આધાર જ સ્વચ્છતા છે. વેદોમાં પણ જણાવાયું છે: ‘શૌચમ્ તપસ્યે અનિવાર્યમ્’ સ્વચ્છતા તપસ્યાનો અભિન્ન અંગ છે.

વળી આંતરિક સ્વચ્છતા વિષે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘શુદ્ધ મન એ ભગવાન તરફની પ્રથમ સીડી છે.’ તેમના માટે આંતરિક તથા બાહ્ય સ્વચ્છતા એ આધ્યાત્મિક જીવનની શરૂઆત હતી. જ્યારે તેઓ 1893માં વિશ્વ ધર્મ પરિષદ માટે અમેરિકા ગયા, ત્યારે માત્ર પોતાના વિચારો દ્વારા નહીં, પણ પોતાના વર્તન દ્વારા પણ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. તેમના વ્યક્તિત્વમાં સંયમ, શિસ્ત અને સ્વચ્છતાનો ઓતપ્રોત સંચાર હતો.

આ પણ વાંચો…ગીતા મહિમાઃ અહિંસા મોટું તપ

તેમના વસ્ત્રો હંમેશાં સ્વચ્છ રહેતાં, નિવાસસ્થાન ગોઠવેલું અને વ્યવસ્થિત રહેતું. પોતે પોતાના ઓરડાની સફાઈ કરતા, કપડાં ગોઠવતા અને રોજિંદી વસ્તુઓમાં નિયમિતતા જાળવતા ભલેને કોઈ સહાયક હોય કે ન હોય. તેઓ માનતા કે બાહ્ય સ્વચ્છતા એ આંતરિક પવિત્રતાનું પ્રતિબિંબ છે. જો મનમાં અસ્વચ્છ વિચારો છે, તો બાહ્ય સુંદરતા આભાસમાત્ર છે. પરંતુ જયારે અંતર શુદ્ધ હોય, ત્યારે દરેક કાર્ય અને વાતાવરણ પવિત્રતા ઝળકાવે છે.

સ્વચ્છતાનું બીજ આપણાં શાસ્ત્રોમાં ઘણું ઊંડું પાંગ્રાયેલું છે, એટલું જ નહીં તે ભગવાન સ્વામિનારાયણના જીવન અને ઉપદેશોમાં પણ વિસ્તૃત છે. તેમણે આપેલી શિક્ષાપત્રીમાં નાનામાં નાનો નિયમ-અરે દાંતણ ફેંકવા સુધીની ક્રિયા સ્વચ્છતાને આધારે મૂકી છે. કવિ નન્હાલાલ લખે છે:

‘ધર્મમાર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો, સર્વદેશીય અંતરબહિર સ્વચ્છતાનો.’
આ પંક્તિઓ દર્શાવે છે કે ભગવાન સ્વામિનારાયણનો ધર્મમાર્ગ માત્ર ઉપદેશો સુધી સીમિત નહોતો, પણ જીવનની દરેક ક્રિયાના પાયે સ્વચ્છતા જમેલી હતી.

ભગવાન સ્વામિનારાયણે સ્વચ્છતાનો જે યજ્ઞ આરંભ્યો, તેની જ્યોતિને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આજ દિન સુધી જીવંત રાખી. પ્રમુખસ્વામી માત્ર ઇઅઙજના આધ્યાત્મિક નેતા ન હતા, પણ તેમણે સ્વચ્છતા અને ભક્તિને પરસ્પર જોડીને વિશ્વ સમક્ષ એક અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું.

જ્યારે તેઓ ગુરુપદે બિરાજ્યા પછીની પહેલી જન્મજયંતી ઉજવાઈ રહી હતી, ત્યારે વહેલી સવારે તેઓ રસ્તા પર દાંતણ અને કચરો ઉપાડી રહ્યા હતા. એ પણ એવા પ્રસંગે જયારે ભક્તો તેમના મહોત્સવની ધૂમમાં હતા. સાચી અધ્યાત્મિકતા એ છે કે જ્યાં સમ્માનના પ્રસંગો વચ્ચે પણ વ્યક્તિની અંદર શ્રદ્ધા અને શૌચ બંને જીવંત હોય.

આમ, સ્વચ્છતા એ માત્ર શારીરિક ક્રિયા નથી, એ એક આત્મિક તપ છે. એક એવું તપ કે જે દરેક વ્યક્તિએ પોતાના અને પોતાના આજુબાજુના માહોલ માટે નિભાવવું જરૂરી છે. હા, સ્વચ્છતા વ્યક્તિગત શિસ્તનું પ્રતીક છે, સમાજ માટે શ્રેષ્ઠ ભેટ છે અને રાષ્ટ્ર માટે સમૃદ્ધિ તરફનું પ્રથમ પગથિયું છે.

આ પણ વાંચો…ગીતા મહિમાઃ વિધિ ને વિજ્ઞાન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button