ચિંતનઃ મુક્તિ માટે વિવેકનું મહત્ત્વ

હેમુ ભીખુ
ભારતીય તત્ત્વચિંતનના ષડદર્શનમાંથી સાંખ્ય-દર્શન દ્વૈતવાદી દર્શન છે, જે પુરુષ અને પ્રકૃતિને ભિન્ન તત્ત્વ તરીકે દર્શાવે છે. આ દર્શનમાં વિવેકનું વિશેષ મહત્ત્વ છે. એમ કહી શકાય કે સાંખ્ય-દર્શનમાં વિવેક કેન્દ્ર સ્થાને છે. સાંખ્ય દર્શન પ્રમાણે વિવેક દ્વારા જ જીવાત્મા અર્થાત પુરુષ બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. વિવેક એટલે યોગ્ય અને અયોગ્યનો, નિત્ય અને અનિત્યનો, પ્રેય અને શ્રેયનો, ધર્મ અને અધર્મનો, સત્ય અને અસત્યનો, પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ કરનાર જ્ઞાન.
સરળ ભાષામાં કહીએ તો શું કરવું યોગ્ય છે અને શું નહીં કરવું યોગ્ય નથી તેનો ન્યાય-બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાની શક્તિ એટલે વિવેક. આગળ વિચારતાં એમ કહી શકાય કે કર્મ અને કર્મફળ વચ્ચેનાં સમીકરણની, નિષ્કામ કર્મના મહત્ત્વની, સંન્યાસ અને વૈરાગ્ય વચ્ચેના તફાવતની, બ્રહ્મ-સત્ય અને જગત-મિથ્યાની, સત્ય અને અસત્યની સમજને સ્થાપિત કરનાર ઋતંભરા પ્રજ્ઞાની, મુમુક્ષુ માટે ધર્મની આવશ્યકતાની સમજ એટલે વિવેક.
વિવેક સ્થાપિત થતાં વ્યક્તિ આત્માને પ્રકૃતિથી અલગ ઓળખી શકે છે, પ્રકૃતિ અને પુરુષનાં સમીકરણને જાણી શકે છે, પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોનો પ્રપંચ સમજી શકે છે, પ્રકૃતિની જડતા અને પુરુષનું ચૈતન્ય યથા સ્વરૂપે પ્રતીત કરી શકે છે, દુ:ખ સમાન બંધનથી મુક્તિનું દ્વાર તે જોઈ શકે છે, અવિદ્યાનું સ્વરૂપ અને સ્થાન તેનાં ધ્યાનમાં આવી જાય છે અને તે મુજબનો વ્યવહાર કરતાં કરતાં તે પોતાનું મૂળ સ્વરૂપ પામી શકે છે. સાંખ્ય-દર્શન પ્રમાણે વિવેકને કારણે પુરૂષ અને પ્રકૃતિનાં વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થઈ શકે અને વ્યક્તિ અંતે કૈવલ્ય-મોક્ષ તરફ જઈ શકે.
સદગુરુના સાનિધ્ય તેમજ સત્પુરુષોના સત્સંગ થકી વિવેકનું પ્રાગટ્ય થઈ શકે. શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન અને નિદ્યાસન પણ વિવેક જાગ્રત કરવા માટે ઉપયોગી છે. સ્થિર અંત:કરણથી નિત્ય-અનિત્ય વિષય બાબતે ચિંતન કરવાથી, અહંકાર જેવી નકારાત્મક બાબતોને નિયંત્રિત રાખવાથી, ભિન્ન ભિન્ન વિષયો, તેને સંલગ્ન ઇન્દ્રિયો તથા મનનો પ્રપંચ સમજમાં આવવાથી, વ્યવહારિક અનુભવો પર ચિંતન કરવાથી, ધ્યાન અને આત્મસ્થિત જેવી પરિસ્થિતિથી ઉદ્ભવેલી શાંતિથી પણ વિવેક ઉત્પન્ન થઈ શકે.
આ પણ વાંચો…ચિંતનઃ ધર્મનું આચરણ
ગીતા અને ઉપનિષદ જેવાં શાસ્ત્ર સાથે ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસમાં પણ વિવેકનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આધ્યાત્મિક તેમ જ નૈતિક મૂલ્યોના એક મહત્ત્વના આધાર તરીકે વિવેક અર્થાત વિવેકબુદ્ધિની વાત અહીં કરવામાં આવી છે. અહીં પણ એ જ કહેવાયું છે કે સાર અને અસારનો ભેદ સમજનાર બુદ્ધિ એટલે વિવેક.
શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે, આદર્શ વ્યક્તિત્વ છે, ઉચ્ચતમ નૈતિક તેમ જ આધ્યાત્મિક મૂલ્યોના ધારક છે, તેથી તેમનું જીવન ધર્મનિષ્ઠ અને સત્યપ્રિય હોય તે સ્વાભાવિક છે. ક્યારેક એમ જણાય છે કે આ બધાંનાં મૂળમાં વિવેક રહ્યો છે.
તુલસીકૃત રામચરિત માનસમાં આત્મ-સાધના અને ધર્મના માર્ગે આગળ વધવા માટે વિવેક અનિવાર્ય છે તેમ કહેવામાં આવ્યું છે. વિવેક થકી જ માનવી મોહ, રાગદ્વેષ જેવાં દ્વન્દ્વ, કામ, ક્રોધ, વાસના, અહંકાર અને માયા જેવી બંધનકારક શક્તિઓથી મુક્ત થઈ શકે. અહીં જણાવવામાં આવ્યું છે કે જ્યારે વિવેકનો અભાવ હોય ત્યારે માયાના વશમાં રહેલ મન ભય, શંકા, દુ:ખ જેવાં ભાવનો અનુભવ કરતું હોય છે. હનુમાન-ચાલીસામાં જે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિની વાત થાય છે તેમાં પણ બુદ્ધિ એટલે વિવેક એમ કહી શકાય.
વિવેકથી જ અવિવેક દૂર થાય. અવિવેક દૂર થતાં નકારાત્મક કર્મ થવાની બધી જ શક્યતા જાણે દૂર થઈ જાય. વિવેકહીન વ્યક્તિને અંધ કહી શકાય, ન તો વાસ્તવિકતા તેના ધ્યાનમાં આવે, ન તો તે હોવાની શક્યતા વિશે તેનાં મનમાં વિચાર આવે. અવિવેકી વ્યક્તિને ભક્તિ માટે જરૂરી શ્રદ્ધા જાગ્રત ન થાય, જ્ઞાનમાં તેને રસ ન હોય, યોગના માર્ગમાં તેને વિશ્વાસ ન હોય અને નિષ્કામ કર્મમાં તેની માન્યતા સ્થાપિત થવાની સંભાવના ન હોય. આધ્યાત્મિક પ્રગતિ માટેનો માર્ગ કોઈપણ હોય, વિવેક આવશ્યક છે.
સનાતની સંસ્કૃતિમાં ‘નીર-ક્ષીર વિવેક’નું આગવું મહત્ત્વ છે. એક વિચારધારા પ્રમાણે નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. વ્યક્તિમાં દૂધ અને પાણીને અલગ અલગ સમજવાની ક્ષમતા હોવી જોઈએ. માયાના પ્રપંચે બધી બાબતોને જાણે એકબીજા સાથે એ રીતે મેળવી દીધી છે કે તેમને ભિન્ન ભિન્ન સમજવી ક્યારેક સામાન્ય માનવી માટે અશક્ય બની રહે. નીર અને ક્ષીર બંનેની પોતપોતાની સ્થિતિ અને પ્રભાવ પણ ક્યાંક ભિન્ન ભિન્ન સમજવાની જરૂર છે. નીર-ક્ષીર વિવેક થકી જ યોગ્ય-અયોગ્યની, નિત્ય-અનિત્યની, સત્ય-અસત્યની, ધર્મ-અધર્મની જાણ થઈ શકે. આ માટે હંસનુ પ્રતીક લેવામાં આવે છે.
સત્યને સત્ય તરીકે ત્યારે જ ઓળખી શકાય, ધર્મને ધર્મ તરીકે ત્યારે જ સમજી શકાય, યોગ્યને અયોગ્યથી ત્યારે જ અલગ જાણી શકાય, નિત્યને અનિત્યથી ત્યારે જ ભિન્ન સમજી શકાય, પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો તફાવત ત્યારે જ સમજમાં આવે, માયાનું વાસ્તવિક સ્વરૂપ ત્યારે જ ધ્યાનમાં આવે, શ્રેય અને પ્રેયની પસંદગીથી ઉદ્ભવતા પરિણામ વિશે ત્યારે જ ચિંતન થઈ શકે, શાસ્ત્રમાં કહેવાયેલી કેટલીક વાતો ત્યારે જ યથાર્થતા પૂર્વક સમજમાં આવે, ગુરુદેવના શબદ પર ત્યારે જ પૂર્ણ વિશ્વાસ સ્થાપિત થાય જ્યારે વિવેક પ્રગટે. જ્ઞાનમાર્ગના મહત્ત્વના શાસ્ત્ર સંખ્યા-દર્શનમાં એટલાં માટે જ વિવેકને સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. વિવેક હોય તો તેની પાછળ બધાં જ સદગુણો જીવનમાં પ્રવેશી શકે.
આ પણ વાંચો…ચિંતનઃ શ્રદ્ધા ને બુદ્ધિ